યુવા બાબતો અને રમત મંત્રાલય
માના પટેલ સહિત ગુજરાતના ખેલાડીયોએ દેશનું નામ રોશન કરવાની સાથે યુવાનોમાં રમત પ્રત્યે નવી ચેતના જગાવી છેઃ- ડો. ધીરજ કાકડીયા, એડીજી, ગુજરાત રીજીયન
પ્રધાનમંત્રી સ્વયં ખેલાડીઓ સાથે ચર્ચા કરી તેમને પ્રોત્સાહિત કરે તે ભારતીય સ્પોર્ટસના ભવિષ્ય માટે સ્વર્ણિમ નિશાની છેઃ ભવેન કચ્છી
મેડલ જીતવા શારિરીક અને માનસિક બંને મોર્ચા પર કાર્ય કરવાની જરૂરઃ- સ્વીમર માના પટેલ
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા #Cheer4India અને #HamaraVictoryPaunch જેવા હેશટેગથી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાઃ સરિતા દલાલ
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, અમદાવાદ દ્વારા વેબિનાર યોજાયો
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતની સ્થિતિ અને ખેલાડીઓના અનુભવો અંગે વિસ્તૃત ચર્ચા થઇ
પોસ્ટેડ ઓન:
04 AUG 2021 1:55PM by PIB Ahmedabad
ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઇ પરત આવેલી માના પટેલે ગુજરાતનું નામ જ રોશન નથી કર્યું પરંતુ સાથે યુવાનોમાં રમત પ્રત્યે નવી ચેતના જાગૃત કરી છે એવું માહિતી અને પ્રસારણ મંત્રાલયના અમદાવાદ રિજિયનના પીઆઈબી અને આરઓબીના અપર મહાનિદેશક શ્રી ડો. ધીરજ કાકડિયાએ વેબિનારને સંબોધિત કરતા જણાવ્યું હતું.
જાપાનના ટોકિયોમાં ઓલિમ્પિકની ભવ્ય શરૂઆત થઇ ચુકી છે ત્યારે ભારતના રમતવીરોએ વિશ્વભરના ખેલાડીઓ સમક્ષ પોતાની એક મજબૂત ઇમેજ ઉભી કરી છે. હાલની સ્થિતિમાં ભલે ભારતે બે મેડલ પોતાના નામે કર્યા છે અને હજુ મેડલ જીતવાની આશા છે. ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. આ સિવાય બેડમિનટન, વેટલિફ્ટિંગ, સ્વિમિંગ, રેસલિંગ, એથલેટિક્સ તમામ મોર્ચે વિશ્વના ખેલાડીઓને ભારતીય ખેલાડીઓ પડકાર ફેકીં રહ્યાં છે. ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા તથા તેમના અનુભવો યુવાનો સાથે શેર કરવા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેબિનારમાં ગુજરાતના યુવાનો માટે પ્રેરણા સ્વરૂપ અને હાલમાં ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પરત ફરેલા સુશ્રી માના પટેલ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ગુજરાતના વડા અપર મહાનિદેશક ડો. ધીરજ કાકડિયા, જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર શ્રી ભવેન કચ્છી, પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, અમદાવાદના વડા શ્રીમતી સરિતા દલાલે ભાગ લીધો હતો.

વેબિનારને સંબોધતા ડો. કાકડિયાએ જણાવ્યું કે માના પટેલની જેમ ગુજરાતની કુલ 6 દિકરીઓએ ઓલિમ્પિક અને પેરાલોમ્પિકમાં ભાગ લઈ ગજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ઘણા ખેલાડીઓ પદકની એકદમ નજીક પહોંચી ગયા છે. રમતવીરો ચંદ્રકો જીતીને દેશનું નામ રોશન કરે તે માટે સારૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી માહોલ હોવો ખૂબ જરૂરી છે. ત્યારે સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા પૂરતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી રહી છે. આ વર્ષના પ્રદર્શનને આધારે આવનારા ઓલિમ્પિક્સમાં ભારત શિખર પર પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્વીમર ઓલિમ્પિયન સુશ્રી માના પટેલે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે ટોકિયોમાં હું મારી 100 ટકા ક્ષમતાનું પ્રદર્શન ના કરી શકી પરંતુ ત્યાં ગયા પછી મને ખ્યાલ આવ્યો કે ઓલિમ્પિક્સ અન્ય સ્પર્ધાઓથી ખૂબ અલગ છે. દેશવાસીઓની આશા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માહોલ જોયા પછી ઘણા બધા ખેલાડી નર્વસ થઇ જતા હોય છે. આવી મોટી સ્પર્ધાઓમાં શારીરિક ક્ષમતાની સાથે માનસિક મોર્ચે પણ મજબૂત બનવું ખૂબ જરૂરી છે. તેણે વધુમાં પોતાની પ્રેક્ટીસ, ભારતની સ્થિતિ અને ટોકિયોમાં પોતાના અનુભવો શેર કર્યાં હતા.
જાણીતા લેખક અને પત્રકાર શ્રી ભવેન કચ્છીએ જણાવ્યું કે ઓલિમ્પિક્સ જેવી રમતોના આયોજન તથા મેડલના આધારે તે દેશોના વિકાસ અને તાકાતની ગણના થતી હોય છે. ભારત જે રીતે ઓલિમ્પિક્સમાં આગળ વધી રહ્યું છે તે ભારતના વિકાસના પુરાવા આપી રહ્યું છે. પ્રધાનમંત્રી સ્વયં ખેલાડીઓ સાથે ચર્ચા કરી તેમને પ્રોત્સાહિત કરે તે ભારતીય સ્પોર્ટસના ભવિષ્ય માટે સ્વર્ણિમ નિશાની છે. સરકાર દ્વારા રમત ગમતને છેલ્લા વર્ષોમાં ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દેશમાં વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભુ કરાઇ રહ્યું છે. ત્યાં સુધી કે આવનારા વર્ષોમાં ઓલિમ્પિક ભારતમાં અને તેમા પણ અમદાવાદમાં યોજાય તે માટે પણ ભારત તૈયાર હોવાની વાત તેમણે જણાવી હતી.
પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, અમદાવાદના ઇન્ચાર્જ ડાયરેક્ટ શ્રીમતી સરિતાબેન દલાલે વેબિનારનો એજેન્ટા સેટ કરતા જણાવ્યું કે ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના દેશના વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર #Cheer4India અને #HamaraVictoryPaunch હેશટેગ દ્વારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની સાથે સેલ્ફી પોઇન્ટ, વેબિનાર અને વીડિયો પોસ્ટ દ્વારા દેશવાસીઓમાં ઓલિમ્પિક્સનો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે.
વેબિનારના અંતમાં NYK, NSS, NCC સાથે સંલગ્ન યુવાનોએ માના પટેલ સાથે પોતાના મનમાં મૂંઝવાતા પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી.
(રીલીઝ આઈડી: 1742234)
મુલાકાતી સંખ્યા : 199