સંરક્ષણ મંત્રાલય

ગુજરાતના આદરણીય રાજ્યપાલશ્રીએ ગુજરાત NCC નિદેશાલયના #EkMaiSauKeLiye અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

Posted On: 23 JUN 2021 2:17PM by PIB Ahmedabad

રાજભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યપાલશ્રીએ #EkMaiSauKeLiye અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત NCC નિદેશાલયના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના મૂળ વિચાર સાથે શરૂ થયેલું આ અભિયાન એક અનોખી પહેલ છે જેમાં રાજ્યમાં મોટી સંખ્યામાં NCC કેડેટ્સને રાષ્ટ્રના એક જવાબદાર અને શિસ્તપૂર્ણ નાગરિક તરીકે તૈયાર કરવામાં આવ્યા છે અને તેઓ જે સમાજમાં રહે છે તેના પ્રત્યે પોતાનું સામાજિક ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં તેઓ કોવિડ-19 મહામારીની તીવ્ર અસરો હેઠળ સેવા આપી રહ્યાં છે.

મેજર જનરલ અરવિંદ કપૂરે આપેલા આવકાર સંબોધનમાં આદરણીય રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા કે, #EkMaiSauKeLiye અભિયાનનો પ્રારંભ મે 2021માં કરવામાં આવ્યો હતો અને અગાઉના ત્રણ તબક્કામાં કેડેટ્સ તેમના મોબાઇલ ફોનના માધ્યમથી તેમના સેંકડો સંબંધીઓ અને મિત્રો તેમજ પરિચિતો સાથે, વૃદ્ધાશ્રમના વડીલો સાથે જોડાયા હતા અને કોવિડ અંગે યોગ્ય વર્તણૂક વિશે તેમનામાં જાગૃતિ સંદેશાઓ ફેલાવ્યા હતા અને રસીકરણનું મહત્વ તેમને સમજાવ્યું હતું અને સાથે જ વડીલો અને મિત્રો પ્રત્યે ઘનિષ્ઠ પ્રેમ અને આદરની ભાવના વ્યક્ત કરીને 'અમે તમારી સંભાળ લઇએ છીએ' તેવી લાગણી તેમના પ્રત્યે અભિવ્યક્ત કરી હતી. આ કેડેટ્સ ભારતીય સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો અને ભારતીય સશસ્ત્ર દળોના શહીદોની વિધવા પત્નીઓ કે જેમને આદરપૂર્વક વીરાંગના કહેવામાં આવે છે તેમની સાથે પણ જોડાયા હતા. આ પાછળનો ઉદ્દેશ તેમને એવું કહેવાનો હતો કે, આવા કઠીન સમયમાં પણ તેમના પતિ દ્વારા રાષ્ટ્રને આપવામાં આવેલી સેવાઓને તેઓ ભૂલ્યા નથી. મેજર જનરલ અરવિંદ કપૂરે આદરણીય રાજ્યપાલશ્રીને એવી પણ માહિતી આપી હતી કે, UGC દ્વારા NCCને તેમના અભ્યાસક્રમમાં "પસંદગીના વિષયતરીકે સમાવવા માટે યુનિવર્સિટીઓ માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તેમણે આદરણીય રાજ્યપાલશ્રીને વિનંતી કરી હતી કે, તમામ કુલપતિઓને આ સંબંધે જરૂરી નિર્દેશો આપીને તેમની યુનિવર્સિટીઓમાં NCCને પસંદગીના વિષય તરીકે સામેલ કરવામાં આવે કારણ કે તેનાથી NCC કેડેટ્સને ખૂબ જ લાભ થશે.

આ પ્રસંગે સંબોધન આપતા આદરણીય રાજ્યપાલશ્રીએ કેડેટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને મહામારીથી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સેવા પહોંચાડવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે વધુમાં એમ કહ્યું હતું કે, તેમને એ જોઇને ઘણી ખુશી થાય છે કે, ગુજરાતના NCCના કેડેટ્સ હંમેશા રાષ્ટ્રને જરૂરિયાતના સમયમાં સેવા આપવા માટે આગળ આવ્યા છે. ભલે તે, યોગદાન કવાયત હોય, આપત્તિ વ્યવસ્થાપનમાં પ્રશાસનને મદદ કરવાની હોય, રક્તદાન કરવાનું હોય કે પછી વિવિધ સામાજિક દૂષણો સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાની હોય, તેઓ હંમેશા સેવા આપે છે. તેમણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા ગુજરાત NCC નિદેશાલયને આપવામાં આવેલા 'પ્રતિબદ્ધતા પ્રમાણપત્ર' બદલ મેજર જનરલ અરવિંદ કપૂર, સ્ટાફ અને તમામ કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્વીકૃતિ ગુજરાત NCC નિદેશાલય દ્વારા કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ સામે સલામતીના પગલાં આગળ વધારવા માટે #EkMaiSauKeLiye અભિયાનના ભાગરૂપે દર્શાવવામાં આવેલી સમર્પણ ભાવના અને અથાક પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે.

રાજ્યપાલશ્રીએ આ અભિયાનના ચોથા તબક્કાની થીમ અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ તબક્કામાં NCC કેડેટ્સ કોરોના યોદ્ધાઓ એટલે કે ડૉક્ટરો, નર્સો, વૉર્ડ બોય્ઝ, એમ્બ્યુલન્સના ડ્રાઇવરો અને હોસ્પિટલના સ્ટાફ વગેરોનો સંપર્ક કરશે અને છેલ્લા લગભગ દોઢ વર્ષથી તેઓ વિપરિત સંજોગો વચ્ચે પણ અદભૂત કામગીરી કરી રહ્યાં છે તે બદલ તેમને પ્રોત્સાહિત કરશે. તેમણે #EkMaiSauKeLiye અભિયાનના ચોથા તબક્કાનો આરંભ કરાવ્યો હતો અને ગુજરાતના લોકોને ગુજરાત NCC નિદેશાલયના NCCના કેડેટ્સ દ્વારા પૂરાં પાડવામાં આવેલા દૃશ્ટાંતને અનુસરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને મહામારીના કારણે અસરગ્રસ્ત તેમના સાથીઓને મદદ કરવા માટે આગળ આવવા કહ્યું હતું.

મેજર જનરલ અરવિંદ કપૂરે આ પ્રેરણાદાયક અને પ્રોત્સાહક શબ્દો બદલ આદરણીય રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આદરણીય રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા કે, ગુજરાત NCC નિદેશાલય, તેમનો સ્ટાફ અને કેડેટ્સ રાષ્ટ્રનિર્માણની દિશામાં NCC કેડેટ્સની જવાબદારી તરીકે સામાજિક સેવા અને સામુદાયિક વિકાસ માટે #EkMaiSauKeLiye અભિયાનને શક્ય હોય ત્યાં આગળ વધારશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729669) Visitor Counter : 170