સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ મહોર બહાર પાડવામાં આવી


નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે સામૂહિક યોગ સાથે ઉજવણી કરાઈ

Posted On: 21 JUN 2021 5:44PM by PIB Ahmedabad

આજ રોજ તારીખ 21 જૂન, 2021ના રોજ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક વિશેષ મહોર બહાર પાડવામાં આવી હતી. આ વિશેષ ઉજવણી નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણી સામૂહિક યોગ કરી શરૂઆત કરવામાં આવી હતી. આ તબક્કે યોગ આચાર્ય શ્રી પરેશકુમાર જોશી દ્વારા તમામ સ્ટાફ મિત્રોને જીવનમાં યોગનું મહત્વ સમજાવી યોગના વિવિધ આસનો કરાવ્યા હતા. આ સાથે ઉપસ્થિત સૌ સ્ટાફ મિત્રો તેમજ અધિકારીઓને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે બહાર પડેલ વિશેષ મહોર (કેન્સલેશન)નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ અમદાવાદ સિટી ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કે. રણજીતકુમાર, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર શ્રી અલ્પેશ શાહ, યોગ આચાર્ય શ્રી પરેશકુમાર જોશી, આઈપીએસ પ્રોબેશનરી ઓફિસર શ્રી ગજાનન બેલે તથા તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ વિશેષ મહોર શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોને ભેટ આપવામાં આવેલ. જેમાં રાજ્યસભામાં સાંસદ શ્રી નરહરિભાઈ અમિનને આ વિશેષ મહોર, માય સ્ટેમ્પ તથા તુલસીનો છોડ સ્મૃતિ તરીકે આપવામાં આવ્યા હતા.

સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે જીવનમાં યોગનું મહત્વ વિષય પર એક પત્રલેખન સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ વિશેષ દિવસની ઉજવણીમાં પોતાનું યોગદાન આપેલ હતું.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729102) Visitor Counter : 133