સંરક્ષણ મંત્રાલય

ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયે


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 માટે તૈયારીઓ કરી

Posted On: 16 JUN 2021 5:02PM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે લોકોએ નાછુટકે ઘરની અંદર જ રહેવાની ફરજ પડી છે તેવા સંજોગો વચ્ચે 21 જૂન 2021ના રોજ 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ની ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત NCC નિદેશાલય પણ પરિવારો આ દિવસે પોતાના ઘરે જ યોગ કરી શકે તેવી રીતે સામાન્ય યોગ પ્રોટોકોલ (CYP) દ્વારા આ દિવસની ઉજવણી કરશે. આયુષ મંત્રાલય અને "યોગ સાથે રહો, ઘરે રહો!” સંદેશને અનુકૂળ એવી IDY 2021ની પરિકલ્પના વિશે NCCના કેડેટ્સ તેમના પરિવારો, સાથીઓ અને મિત્રોને જાણ કરીને તેમને IDY 2021માં સક્રિયપણે પોતાના ઘરમાં જ રહીને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે. વર્તમાન કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને IDY 2021નું આયોજન કરવા માટે ડિજિટલ, વર્ચ્યુઅલ અને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2021 આરોગ્ય માટે યોગના લાભોને રેખાંકિત કરવાનો પ્રસંગ છે અને જાહેર જનતાને પોતાના ઘરમાં જ રહીને આખી દુનિયામાંથી લોકોને એકજૂથ થવા માટે પ્રેરિત કરે છે. ગુજરાત NCC નિદેશાલયે NCC કેડેટ સ્તરે સહભાગીતા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં જિંગલ કોમ્પોઝિશન સ્પર્ધામાં સહભાગી કેડેટ્સ દ્વારા IDY 2021 માટે ધુન તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં વિજેતા એન્ટ્રીને રૂપિયા 25,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેડેટ્સ દ્વારા ઑનલાઇન પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. કેડેટ્સ ઑનલાઇન IDY પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પણ ભાગ લેશે અને તેમને સ્પર્ધામાં ભાગ લેવા બદલ ઇ-પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

પ્રિ-ઇવેન્ટ તાલીમના ભાગરૂપે, કેડેટ્સ CYP તાલીમ વીડિયોની મદદથી પોતાની જાતને ડિજિટલ સ્રોતોના ઉપયોગ માટે પરિચિત કરશે અને તેની તાલીમ લેશે. આ વીડિયો આયુષ મંત્રાલયના યોગ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 21 જૂન 2021ના રોજ ઉજવણીના દિવસે કેડેટ્સ IDY 2021 સામાન્ય યોગ પ્રોટોકોલ પ્રવૃત્તિમાં સવારે 7.00 કલાકે ભાગ લેશે. તેઓ પોતાના ઘરે સલામત રહીને તેમજ કોવિડ-19 મહામારીના જોખમોને ધ્યાનમાં રાખીને આ ઉજવણીમાં ભાગ લેશે. કેડેટ્સ રાષ્ટ્રીય ટીવી (જેના પર સવારે 7.00 વાગ્યાથી CYPનું પ્રસારણ શરૂ કરવામાં આવશે) અથવા માર્ગદર્શન માટેના અન્ય યોગ્ય CYP વીડિયોનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ ધરાવે છે.

****

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727582) Visitor Counter : 116