સંરક્ષણ મંત્રાલય

કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેના જહાજ વાલસુરાનું સંચાલન સંભાળ્યું

Posted On: 24 MAY 2021 7:58PM by PIB Ahmedabad

કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાનું સંચાલન સંભાળ્યું છે. જામનગર ખાતે 24 મે 2021ના રોજ યોજાયેલી પ્રભાવશાળી વિધિવત પરેડ દરમિયાન તેમણે કોમોડોર અજય પટની પાસેથી INS વાલસુરાનું સંચાલન સંભાળ્યું છે. કોમોડોર અજય પટનીએ 29 જાન્યુઆરી 2020ના રોજ INS વાલસુરાનું સંચાલન સંભાળ્યું હતું અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ અગ્રણી નૌસેના સ્થાપત્યમાં તેમણે તાલીમ અને પ્રશાસનિક કામગીરીમાં અપાર યોગદાન આપ્યું છે. કોવિડ-19 મહામારી સામેની જંગ દરમિયાન તેમના નોંધનીય પ્રયાસોથી આ સ્થાપત્ય પર તાલીમની કામગીરી સુનિશ્ચિતપણે સતત ચાલતી રહી અને ટકી રહી છે.

કોમોડોર ગૌતમ મારવાહાને 05 ડિસેમ્બર 1992ના રોજ ભારતીય નૌસેનામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે અગ્રહરોળના ગોમતી, નીરઘાટ અને ત્રિશુલ યુદ્ધ જહાજોમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરી છે. કોમોડોર ગૌતમ મારવાહા લોનાવાલા નૌસેના એન્જિનિયરિંગ કોલેજ અને વેલિંગ્ટન સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે સંરક્ષણ મંત્રાલયના એકીકૃત વડામથક (નૌસેના), નેવલ ડોકયાર્ડ (વિશાખાપટ્ટનમ) અને નેવલ ડોકયાર્ડ (મુંબઇ)માં વિવિધ સ્ટાફની નિયુક્તિઓ યોજી છે. કોમોડોર ગૌમત મારવાહાએ નાઇજિરિયામાં ભારતીય હાઇ કમિશન ખાતે સંરક્ષણ સલાહકાર તરીકે પણ સેવા આપી છે.

અગાઉ અધિક મહા પ્રબંધક (આયોજન) તરીકે નિયુક્તિ દરમિયાન કોમોડોર ગૌતમ મારવાહાએ કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ સંખ્યાબંધ જહાજો અને સબમરીનોના સમારકામની કામગીરીનું સંચાલન કર્યું છે. કોમોડોરને 2021માં વિશિષ્ટ સેવા મેડલ (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા છે અને 1999 તેમજ 2003માં અનુક્રમે નેવલ સ્ટાફના વડા અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે.

SD/GP/JD



(Release ID: 1721371) Visitor Counter : 131