સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોરોના સેવાયજ્ઞ અંતર્ગત અમદાવાદ સિવિલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરતા રાજ્યપાલશ્રી


કોવિડની આ બીજી લહેરમાં ઑક્સિજન અમૃત સમાન છે: રાજ્યપાલશ્રી

કુલ 20 જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ માટે ‘કોરોના સેવાયજ્ઞ’; અંતર્ગત બે ખેપમાં ૨૧ હજાર કિટ મોકલાઈ : ટૂંક સમયમાં ત્રીજી ખેપ મોકલાશે

Posted On: 20 MAY 2021 4:04PM by PIB Ahmedabad

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં 'કોરોના સેવાયજ્ઞ'ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવશે. જેના પ્રથમ ભાગ તરીકે આજે રાજ્યપાલશ્રીના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને સુપરત કરવામાં આવ્યાં હતાં. આ કોન્સન્ટ્રેટર્સ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યાં છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કોવિડના આ બીજા વૅવમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આવા કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે. તેમને એવું આશ્વાસન મળે એ અત્યંત જરૂરી છે કે તેમની તથા તેમના પરિવારની ચિંતા કરનારું કોઈ છે.

આ માટે રાજભવન તેમજ રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નોથી રાજ્યના એક લાખ જેટલા પાયાના કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે ખેપમાં કુલ 21 હજાર જેટલી રાશન કિટ રાજ્યના 10 જિલ્લાના કોરોના વૉરિયર્સને પહોંચાડવામાં આવી છે. જ્યારે ત્રીજી ખેપ પણ અત્યંત ટૂંક સમયમાં જ મોકલવામાં આવનાર છે. આ માનવીય કાર્યમાં અમદાવાદની સામાજિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ પણ સહાયરૂપ થઈ રહી છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વૉરિયર્સની જેમ દર્દીઓ માટે પણ આપણી જવાબદારી બને છે અને કોવિડના આ કપરાકાળમાં ઑક્સિજન અમૃત સમાન છે. આ માટે રાજ્યપાલશ્રીના પ્રયત્નોથી ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ પેટીએમના સીઈઓ વિજયશેખર શર્માએ ગુજરાતને 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી. જેના ભાગરૂપે આજે પ્રથમ ખેપમાં 20 કોન્સન્ટ્રેટર્સ રાજયપાલશ્રીના હસ્તે આરોગ્ય વિભાગને અર્પણ કરવામાં આવ્યાં હતાં. જેને ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વીકાર્યાં હતાં.

આ રીતે મળનારા કુલ 100 કોન્સન્ટ્રેટર્સમાંથી 25 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ, 20 એસએસજી સરકારી હોસ્પિટલ વડોદરા, 20 ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત, 20 પીડીયુ હોસ્પિટલ રાજકોટ તથા 15 સિવિલ હોસ્પિટલ ગાંધીનગરને આપવામાં આવશે. જે પૈકી આજે અપાયેલાં ૨૦ કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં છે, જેમને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી મોદીએ સ્વીકાર્યાં હતાં.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે રાજ્યના કુલ એક લાખ કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ પહોંચાડવાનો રાજભવન દ્વારા 'કોરોના સેવાયજ્ઞ' અંતર્ગત નિર્ધાર કરાયો છે. જેથી જરૂરિયાત અનુસાર નિરંતર અલગ અલગ જિલ્લાઓમાં કિટ મોકલવામાં આવતી રહેશે.

SD/GP/JD



(Release ID: 1720273) Visitor Counter : 148