સંરક્ષણ મંત્રાલય

પસંદગીના ક્રેડિટ કોર્સ તરીકે NCCથી વિદ્યાર્થીઓને ફાયદો થશે

Posted On: 07 MAY 2021 7:36PM by PIB Ahmedabad

દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં NCCને પસંદગીના વિષય તરીકે સામેલ કરવાના નિર્ણયથી કેડેટ્સને ખૂબ જ ફાયદો થશે જેમાં ખાસ કરીને અંતરિયાળ અને સરહદી વિસ્તારોના કેડેટ્સને ઘણો ફાયદો થશે. આ નવતર નિર્ણયને સર્વાનુમતે દૂરંદેશીપૂર્ણ પગલાં તરીકે જોવામાં જોવામાં આવી રહ્યો છે અને તેનાથી ખાસ કરીને જ્યાં એકંદરે સરહદી વિસ્તારોમાં વિસ્તરણની યોજનાના ભાગરૂપે વધારાની કેડેટ્સ ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે તેવા અંતરિયાળ અને સરહદી વિસ્તારો સહિત તમામ ક્ષેત્રના કેડેટ્સને ખૂબ જ ફાયદો થશે. આનાથી ખાસ કરીને B અને C પ્રમાણપત્રની પરીક્ષાઓ આપી રહેલા કેડેટ્સને સૌથી મોટો લાભ થશે. આ પ્રમાણપત્ર તાલીમ સમયગાળો પૂરો થયા પછી આપવામાં આવે છે.

નેશનલ કેડેટ કોર ગુજરાત નિદેશાલયના અધિક મહા નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ટૂંક સમયમાં જ અમલમાં મુકવામાં આવનાર પ્રસ્તાવિત અમલીકરણને યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અધિકારીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. નેશનલ કેડેટ કોર વલ્લભ વિદ્યાનગર ગ્રૂપના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર આર.કે. ગાયકવાડ અને વલ્લભ વિદ્યાનગર ગ્રૂપ યુનિટ્સના કમાન્ડિંગ ઓફિસરોએ સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, ચરોતર વિજ્ઞાન અને ટેકનિકલ યુનિવર્સિટી, ચરોતર વિદ્યામંડળ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને સામેલ કરવા માટે આ બાબતે તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. બેશકપણે, આપણા યુવાનો કે જેઓ આવતીકાલના અગ્રણીઓ છે તેમને આનાથી NCCમાં જોડાવાની અને રાષ્ટ્ર નિર્માણ માટે સેવાઓ અને યોગદાન આપવાની પ્રેરણા મળશે.

આ પ્રસ્તાવનો ઉદ્દેશ અભ્યાસને વધુ સર્વાંગી અને કૌશલ્યલક્ષી બનાવવાનો છે જેથી તબક્કાવાર કારકિર્દીની સંભાવનાઓ સુલભ કરાવી શકાય. ચોક્કસપણે, આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી, વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટ્સ આપવામાં આવશે જેનાથી તેઓ પોતાની સંબંધિત પદવી માટે ક્વૉલિફાઇ થઇ શકશે. B અને C પ્રમાણપત્ર માટે NCC અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ કાર્યક્રમ (NEP) 2020ની પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ (CBCS) અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં છ સેમેસ્ટરમાં ચોવીસ ક્રેડિટ પોઇન્ટ્સ આપવામાં આવે છે. આમાંથી, વિદ્યાર્થીઓ પ્રથમ બે સેમેસ્ટરમાં ચાર ક્રેડિટ મેળવી શકે છે અને ત્રીજા તેમજ ચોથા સેમેસ્ટરમાં 10 ક્રેડિટ અને તેવી જ રીતે પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં 10 ક્રેડિટ મેળવી શકે છે.

નવી દિલ્હી સ્થિત નેશનલ કેડેટ્સ કોરના મહા નિદેશાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના પ્રતિભાવરૂપે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા 15 એપ્રિલ 2020ના રોજ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખીને NCCને સામાન્ય પસંદગી ક્રેડિટ અભ્યાસક્રમ (GECC) તરીકે સમાવવાનું જણાવવામાં આવ્યું હતું.



(Release ID: 1716902) Visitor Counter : 142