રેલવે મંત્રાલય

કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી કોરોનાના દર્દીઓની સારવાર માટે પશ્ચિમ રેલવેની મદદ લેવાઈ


ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના અથાગ પ્રયાસ બાદ રેલવેએ સ્પેશિયલ કોરોના કોચ તૈયાર કર્યા છે

Posted On: 05 MAY 2021 4:26PM by PIB Ahmedabad

દેશભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી સરકાર દ્વારા સંખ્યાબંધ પગલા લેવાઈ રહ્યા છે અને તેમાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ રેલવે અને ખાસ કરીને અમદાવાદ રેલવેની મદદ પણ લેવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરોએ આ મામલે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો સંપર્ક કર્યો હતો અને તેમને કોરોનાની મહામારીમાં રેલવે કોચમાં સારવાર મળી રહે તેવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે શ્રી અમિતભાઈ શાહે રેલવેના વિવિધ અધિકારી અને ખાસ કરીને અમદાવાદ રેલવેના ડિવિઝનલ મેનેજર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની દિશામાં પગલા ભરવાના પ્રયાસ કર્યા હતા. આમ હવે સાબરમતી અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર કોરોનાની સારવાર માટે સ્પેશિયલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે મુજબ કોરોના પોઝિટિવ આવેલા નોન-સિમ્ટોમેટિક દર્દીઓને આઈસોલેશનમાં રાખવા માટે રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર જ કોવિડ કેર સેન્ટર ઊભું કરીને 19 જેટલા આઈસોલેશન તૈયાર કરાયા છે જેમાંના 13 કોચ સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ ખાતે તથા છ કોચ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે રાખવામા આવ્યા છે.

આ 19 કોચ દ્વારા 300 જેટલા દર્દીઓને આઈસોલેશન અને પ્રાથમિક સારવાર મળી રહેશે. જેમાં 200 દર્દીને  સાબરમતી રેલવે સ્ટેશન અને 100 દર્દીને ચાંદલોડિયા રેલવે સ્ટેશને સારવાર મળશે. આ તમામ કોચ એરકુલ્ડ હશે અને તેમાં દર્દીને જમવાની તથા સારવારની વ્યવસ્થા થશે અને આરોગ્ય ટીમ 24x7 કાર્યરત રહેશે.

અમદાવાદ અને પશ્ચિમ રેલવેએ કોરોનાના દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સવલત મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. જે મુજબ બુધવારથી આ વિશેષ કોચ કાર્યરત થઈ જશે. આ ઉપરાંત મેડિકલ અને પેરા મેડિકલની સવલત રહેશે. નિષ્ણાત ડોક્ટર તથા અન્ય મેડિકલ સ્ટાફ આ અભિયાનમાં 24 કલાક ફરજ બજાવશે.

SD/GP/JD



(Release ID: 1716226) Visitor Counter : 85