Ministry of Health and Family Welfare

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ના રાજ્યવ્યાપી અભિયાનને ગ્રામીણ લોકભાગીદારીનો વ્યાપક પ્રતિસાદ


અભિયાન શરૂ થયાના માત્ર બે જ દિવસ-૪૮ કલાકમાં જ રાજ્યના ર૪૮ તાલુકાના ૧૪ હજાર ગામોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત થયા

Posted On: 04 MAY 2021 12:27PM by PIB Ahmedabad

 

ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અનેમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા  થયો છે. કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ અભિયાનનો પ્રારંભ કરાવતાં ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે ગામે ગામ લોકભાગીદારીથી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવાનું આહવાન કર્યુ હતું.

મારૂં ગામ –કોરોનામુકત ગામ અભિયાનના શરૂ થયાના માત્ર ૪૮ કલાક એટલે કે બે જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં રાજ્યના ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કુલ ૧ લાખ પ હજારથી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી.

એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું.

ગ્રામીણ કક્ષાએ કોરોના મુકત ગામ બને સાથોસાથ ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ સાથે આઇસોલેશનમાં અલગ રાખવા પણ તેમણે અપીલ કરી હતી.

તદઅનુસાર, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે ૩૩ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ આ અભિયાન શરૂ થયાના માત્ર ૪૮ કલાકમાં જ ર૪૬ તાલુકામાં ૧૦૩૨૦ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરીને ૧ લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધાઓ જરૂરતમંદ ગ્રામીણ નાગરિકો માટે ઊભી કરી દીધી છે.

આ ૧૦૩ર૦ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં ૮૩ સેન્ટર્સમાં ૧૨૪૨ બેડ  માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ૮૯૭ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૬૪૦૦ પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.

 

 



(Release ID: 1715864) Visitor Counter : 99