સંરક્ષણ મંત્રાલય

એર માર્શલ સંદીપસિંહ AVSM VM એ દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો

Posted On: 01 MAY 2021 6:56PM by PIB Ahmedabad

એર માર્શલ સંદીપ સિંહ AVSM VM એ 01 મે 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-ઇન-C) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 30 એપ્રિલ 2021ના રોજ સેવાનિવૃત્ત થયેલા એરમાર્શલ એસ.કે. ઘોટિયા PVSM  VSM  ADCના અનુવર્તી છે.

કાર્યભાર સંભાળ્યા બાદ, એરમાર્શલે યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને ગાંધીનગર SWAC હેડક્વાર્ટર ખાતે તેમને પ્રભાવશાળી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એર માર્શલને 23 ડિસેમ્બર 1983ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં સેવામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ એક્સ્પિરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ છે અને શ્રેણી A ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે. એરમાર્શલ પરિચાલન અને વિવિધ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટમાં એક્સ્પિરિમેન્ટલ ટેસ્ટ ફ્લાઇંગમાં બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. ભારતીય વાયુસેનામાં Su-30 MKI એરક્રાફ્ટ સમાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

વર્તમાન કાર્યભાર સંભાળતા પૂર્વે તેઓ નાયબ ચીફ ઓફ એર સ્ટાફ (DCAS) તરીકે સેવા આપી રહ્યાં હતા. પોતાની વિશિષ્ટ સેવા બદલ તેમને 2006માં વાયુ સેના મેડલ અને 2013માં અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. એરમાર્શલે શ્રીમતી કામિનીસિંહ સાથે લગ્ન કર્યા છે.



(Release ID: 1715416) Visitor Counter : 147