સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

"કોરોના સેવાયજ્ઞ" દ્વારા એક લાખ કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી કીટ પહોંચાડીને તેમને વિશ્વાસ અપાવીએ કે સમાજ તેમની ચિંતા કરે છે: રાજ્યપાલશ્રી


"કોરોના સેવાયજ્ઞ" અંતર્ગત રાજભવન ખાતેથી 11 હજાર કિટના જથ્થાને રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી

Posted On: 30 APR 2021 3:37PM by PIB Ahmedabad

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં "કોરોના સેવાયજ્ઞ" અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવા જન-અભિયાનનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો અને 11 હજાર કિટના પ્રથમ જથ્થાને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વ્યથા નહીં, વ્યવસ્થાના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ સાથે જનભાગીદારીને પ્રેરિત કરી કોરોના સંક્રમણ સામે જંગ છેડ્યો છે.

આ પ્રસંગે "કોરોના સેવાયજ્ઞ"માં સહયોગ આપનારા દાનશ્રેષ્ઠીઓનું  અભિવાદન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સ્વના કલ્યાણ માટે નહીં પરંતુ અન્યના ભલા માટે - પરમાર્થ માટે જીવન જીવે એ જ ખરા અર્થમાં મનુષ્ય છે. કોરોના સંક્રમણના કપરા કાળમાં દિવસ રાત એક કરી માનવ સેવાને જ પ્રભુ સેવા માની સંક્રમિતોની સેવા-સુશ્રુષા કરી રહેલાં એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી કીટ પહોંચાડવા આ જન અભિયાનથી પાયાના કોરોના વોરિયર્સને વિશ્વાસ મળશે કે સમાજ તેમની અને તેમના પરિવારજનોની ચિંતા કરી રહ્યો છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણનો સામનો સમાજના સહયોગ વિના શક્ય નથી ત્યારે માનવતા, સહિષ્ણુતા અને ઉદારતા દાખવી યત્કિંચિત્ સહયોગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવનારા સહયોગીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીએ પાયાના કોરોના વોરિયર્સની ચિંતા કરીને જનશક્તિના સામર્થ્યથી કોરોના સંક્રમણ સામેના જંગમાં જનતાને જોડી છે. તેમણે જણાવ્યું હતું કે માર્ચ-2021માં ગુજરાતની હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા 42 હજાર હતી. જેમાં ગત એક માસમાં જ રાજ્ય સરકારે વધારો કરતા આ સંખ્યા 99 હજારે પહોંચી છે. એક મહિનામાં ઑક્સીજન સાથેના બેડની સંખ્યામાં 57 હજારનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ 1- મે થી તબક્કાવાર શરૂ થઈ રહેલાં રસીકરણ કાર્યક્રમમાં ૧૮ થી ઉપરની વયના વધુને વધુ યુવા-નાગરિકો જોડાય, તેવી અપીલ પણ કરી હતી.

રાજભવન ખાતે "કોરોના સેવાયજ્ઞ" જન અભિયાનમાં મુખ્ય સહયોગ આપનારા શ્રી અમિતાભ શાહ અને તેમની સ્વયંસેવી સંસ્થા "યુવા અનસ્ટોપેબલ"ની સેવા પ્રવૃત્તિને રાજ્યપાલશ્રીએ બિરદાવી તેમનો આભાર માન્યો હતો. 

કોવિડ એપ્રોપ્રિએટ પ્રોટોકૉલના કડક પાલન સાથે યોજાયેલાં આ કાર્યક્રમમાં તમામ લોકો કોરોના સંક્રમણ સંદર્ભના ટેસ્ટ કરાવાયા બાદ જ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ 11 હજાર કીટ લઈને પ્રસ્થાન કરી રહેલાં વાહનોના ચાલકોને પણ શુભેચ્છા પાઠવી હતી. 1 લાખ કીટ પૈકીનો પ્રથમ જથ્થો જામનગર-રાજકોટ-વિસ્તાર માટે મોકલાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય અગ્રસચિવશ્રી ડૉ. જયંતિ રવિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

SD/GP/JD



(Release ID: 1715058) Visitor Counter : 140