સંરક્ષણ મંત્રાલય
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીની મુલાકાત લીધી
Posted On:
10 APR 2021 1:13PM by PIB Ahmedabad
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની 9 એપ્રિલ, 2021ના રોજ મુલાકાત લીધી હતી. મેજર જનરલ કપૂરે ગુજરાત NCC નિદેશાલય દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃતિઓ વિશે માનનીય ગવર્નરશ્રીને માહિતગાર કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે NCC નિદેશાલય ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ 'આત્મનિર્ભર ભારત'માં NCCની ભાગીદારી સહિત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પનાને અનુરૂપ કામગીરી કરી રહ્યું છે. તે ગુજરાતના તટવર્તી, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં NCCનો વ્યાપ વધારી રહ્યું છે અને સશસ્ત્ર દળો સાથે જોડાઇ રહેલા NCC કેડેટ્સની સંખ્યા વધારી રહ્યું છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને મહત્ત્વપૂર્ણ માળખાકીય પરિયોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને તે નિર્માણના વિવિધ તબક્કા હેઠળ છે.
માનનીય રાજ્યપાલશ્રીએ ગુજરાતના કેડેટ્સના ભવિષ્યને નવો આકાર આપવા અને તેમને દેશના આદર્શ નાગરિકો બનાવવા માટે ગુજરાત નિદેશાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ કરેલી સખત મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે રક્તદાન, કોવિડ-19 અંગે જાહેર જનતામાં જાગૃતિ પેદા કરવી, સ્વચ્છ ભારત અભિયાન અને અન્ય પ્રવૃતિઓ જેવા સમાજ સેવા અને સમુદાય વિકાસ કાર્યક્રમો થકી કેડેટ્સ દ્વારા હાથ ધરાયેલા સારા કાર્યોના પણ વખાણ કર્યા હતા. તેમણે ગુજરાત નિદેશાલયના અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટ્સને તેમના ભવિષ્યના કાર્યો માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
(Release ID: 1710837)
Visitor Counter : 138