સંસ્કૃતિ મંત્રાલય

અમદાવાદ હાટ ખાતે ક્રાફ્ટ બજાર હસ્તકલા મેળો 8 એપ્રિલ સુધી ખુલ્લું રહેશે


‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ’ - સાંસદ શ્રી ડો.કિરીટભાઈ સોલંકી

Posted On: 01 APR 2021 1:15PM by PIB Ahmedabad

ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજીરોટી માટે ઘરે બેઠા હસ્તકલા અને હાથશાળની વસ્તુઓનુ સર્જન કરીને રોજગારી સાથે આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખી રહ્યા છે. જે આપણા દેશનો સમૃદ્ધ વારસો છે. ભારતની કલા આજે પણ દેશ – વિદેશમાં પ્રખ્યાત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સંદેશ 'વોકલ ફોર લોકલ' ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્રારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજવસ્તુઓ લોકો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમ જણાવતા સાંસદ શ્રી ડો.કિરીટભાઈ સોલંકીએ ક્રાફ્ટ બજારને ખુલ્લું મુક્યું હતું.

અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ કો.ઓ.ફેડરેશન લી.ના સંયુકત આયોજનથી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અને અન્ય રાજ્યોના કુલ 100 કરતા વધારે સ્ટોલમાં રાજ્સ્થાનના જયપુર. ઉદયપુર, મુંબઈ, રાંચી- ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉજ્જૈન. ઈન્દોર-મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના કારીગરો અને દિલ્હીના હસ્તકલાના સર્જકો તેમની કલા કારીગરીની ઉતમ વસ્તુઓ લઇને અહી આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને કલોલ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના AHVY પ્રોજેક્ટ અંતર્ગત હસ્તકલા અને હેન્ડલૂમની 100 થી વધુ મંડળી તથા 1000 થી વધુ હસ્તકલા તથા હેન્ડલૂમ કારીગરોના ઉત્થાન માટે સંસ્થા કાર્યરત છે.એમ ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પરમારે જણાવ્યું હતું.

ક્રાફ્ટ બજારનું પ્રદર્શન અને વેચાણ કોવિડના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ હાથશાળ, હસ્તકલા અને ગ્રામઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ , ચર્મ કામ, મોતીકામ, ભરતકામ તથા ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા 8 એપ્રિલ 2021 સુધી ચાલનાર મેળો સવારે 11 થી રાત્રિના 8 વાગ્યા સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે.

SD/GP/JD



(Release ID: 1708911) Visitor Counter : 176