યુવા બાબતો અને રમત મંત્રાલય

કેવડિયામાં આયોજિત 42મી રાષ્ટ્રિય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપમાં મેજર અશોક ધ્યાનચંદ રહેશે મુખ્ય અતિથિ


સ્ટેચ્યુ ઓફ યુનિટિ કેવડિયામાં 42મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ 21થી 26 માર્ચ દરમિયાન આયોજિત થશે. તેમાં 28 રાજ્ય તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોની મહિલા ફૂટબોલ ટીમો વચ્ચે મુકાબલો થશે

આ ચેમ્પિયનશીપ દ્વારા ભારતીય મહિલાઓને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો અનોખો પ્રયાસ લોકસભાના પ્રોટેમ સ્પીકર તથા અમદાવાદના લોકપ્રિય સાંસદ શ્રી કિરિટભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યો છે

Posted On: 20 MAR 2021 7:40PM by PIB Ahmedabad

ભારતીય રમત જગતના ભિષ્મપિતામહ તથા હોકીના શ્રેષ્ઠ ખેલાડી દિવગંત મેજર ધ્યાનચંદના પુત્ર મેજર અશોક ધ્યાનચંદ મુખ્ય અતિથિ તરીકે અહીં ઉપસ્થિત થશે. તેમની વિશેષ ઉપસ્થિતિ મહિલા ફૂટબોલ ખેલાડીઓનો ઉત્સાહ નિશ્ચિતપણે વધારશે.

તેઓ આજે પણ ભારતીય ખેલજગત અને તેમના વંશ પરંપરાગત રમતો અંગેનું જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે. અહીં એ ઉલ્લેખનીય છે કે મેજર અશોક ધ્યાનચંદ ગુજરાતમાં પ્રથમવાર આવી રહ્યા છે.

ભારતીય યુવાઓ ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ રમી શકે છે. દોડી શકે છે અને સાઈકલિંગ કરી શકે છે પરંતુ જ્યારે રમતગમતની વાત આવે છે ત્યારે ભારતીય યુવતીઓ માટે આટલા બધા વિકલ્પો હોતા નથી. આ ધારણાઓ હવે બદલાઈ રહી છે. આજે રમતગમતની યાદી જોઈએ તો મહિલાઓ કુશ્તી, મુક્કેબાજી, કબડ્ડી, વેઈટલિફ્ટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી રહી છે. તેઓ માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં પણ નામ રોશન કરી રહી છે. ભારતીય મહિલા ખેલાડી પરંપરાગત જાતિય માન્યતાઓને તોડીને દુનિયા પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોનીમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પર્યટન ક્ષેત્રમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તેને ભારતના સપૂત લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો સાચી શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે સ્થાપિત કરાયેલ છે. એવામાં આ પવિત્ર ભૂમિ પર સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે એ માટે આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં થનારી આ ફૂટબોલ ચેમ્પિયનશીપનું આયોજન વુમન્સ ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા થઈ રહ્યું છે. 21 માર્ચના રોજ ચેમ્પિયનશીપનો શુભારંભ શ્રી ડો. કિરિટ સોલંકી કેવડિયાના એસઆરપી મેદાનમાં સાંજે 5 વાગ્યે કરાવશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણ તડવી, ડો. શ્રી મહેશભાઈ નાયક અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત મહિલા ફૂટબોલ એસોસીએશન પ્રમુખ શ્રી અરૂણ કુમાર સાધુ, મહામંત્રી શ્રીમતી ટીના કૃષ્ણદાસ કાર્યક્રમનું સંચાલન કરશે.

SD/GP/JD



(Release ID: 1706334) Visitor Counter : 113