આયુષ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રામાં આયુષ વિભાગનું વિશેષ યોગદાન દાંડીયાત્રાના રૂટમાં જતા પદયાત્રિકોને થાક મુક્ત કરવા આયુષ દ્વારા આયુર્વેદ ઔષધ સિધ્ધ તેલ માલીશની વિશેષ સેવા


પદયાત્રિકોને આયુષ-સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે આયુષ મોબાઈલ વાનની પણ વ્યવસ્થા કરાઇ

અત્યાર સુધી કુલ 4120 પદયાત્રીઓએ લાભ મેળવ્યો

Posted On: 17 MAR 2021 8:07PM by PIB Ahmedabad

દેશની આઝાદીને ૭૫મુ વર્ષ શરૂ થયુ છે ત્યારે તેની ઉજવણી નિમિત્તે રાજ્યમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાષ્ટ્ર  ‘‘લીવ ફોર ધ નેશન’’ના મંત્ર સાથે વિશ્વગુરૂ બનવા અગ્રેસર બન્યુ છે, ત્યારે ગુજરાતમાં પુનરાવર્તિત દાંડી યાત્રા શરૂ કરી દેવામાં આવી છે જે  પાંચમી એપ્રિલ-2021 સુધી ચાલશે. સમગ્ર દાંડીયાત્રા દરમિયાન રાજ્યના આયુષ વિભાગ દ્વારા મહત્વની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. આયુષ વિભાગ દ્વારા દાંડીયાત્રાના રૂટમાં પદયાત્રિકોને થાક મુક્ત કરવા આયુર્વેદ ઔષધ સિધ્ધ તેલથી માલીશ કરી આપી સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે.

 

 

 દાંડીયાત્રા અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, નવસારી જિલ્લામાંથી પસાર થનાર છે. તે રૂટમાં આવતાં આયુષ-ગ્રામ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જનજાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પદયાત્રાની સાથે પદયાત્રિકોને જરૂર જણાય ત્યારે આયુષ-સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે આયુષ મોબાઈલ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત જરૂરી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.  

આયુષ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ મહત્વની કામગીરીમાં અત્યાર સુધી કુલ 4120 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત નિદાન સારવાર કેમ્પ હેઠળ 533, રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુષ ઔષધ વિતરણ કાર્યક્રમ હેઠળ 1079, પ્રકૃતિ પરિક્ષણ કેમ્પ અંતર્ગત 22, ઔષધિય વનસ્પતિ નિદર્શન કાર્યક્રમ હેઠળ 1430 તેમજ આયુષ પ્રચાર-પ્રસારને લગતા સાહિત્ય વિતરણ હેઠળ 1056 લાભાર્થીઓએ લાભ લીધો હોવાનું આયુષ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.



(Release ID: 1705616) Visitor Counter : 115