પ્રધાનમંત્રીનું કાર્યાલય
સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાના ઇ-સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
11 MAR 2021 11:22AM by PIB Ahmedabad
માનનીય અતિથિઓ,
મિત્રો!
વણક્કમ!
આ એક નવીન કાર્યક્રમ છે. સ્વામી ચિદભવાનંદજીના તાત્પર્ય સાથેની ગીતા ઇ-બુકનું વિમોચન થઈ રહ્યું છે. તેની ઉપર જેમણે કામ કર્યું છે તે સૌની હું પ્રશંસા કરવા માંગીશ. આ પ્રયાસના કારણે પરંપરા અને ટેકનોલોજીનો સંગમ થઈ રહ્યો છે. ઇ-પુસ્તકો ખાસ કરીને યુવાનોની વચ્ચે ઘણા પ્રચલિત થઈ રહ્યા છે. તેથી, આ પ્રયાસ વધુ યુવાનોને ગીતાના ઉમદા વિચારો સાથે જોડવાનું કાર્ય કરશે.
મિત્રો,
આ ઇ-પુસ્તક નિત્ય ગીતા અને ગૌરવશાળી તમિલ સંસ્કૃતિ વચ્ચેના જોડાણને પણ મજબૂત બનાવશે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી ગતિશીલ તમિલ સભ્યતા તેને સરળતાથી વાંચી શકશે. તમિલ લોકોએ અનેક ક્ષેત્રોમાં સફળતાના નવા શિખરો સર કર્યા છે. આમ છતાં, તેમને પોતાની સંસ્કૃતિના મૂળ માટે ગૌરવ છે. તેઓ જ્યાં પણ ગયા છે ત્યાં તેઓ પોતાની તમિલ સંસ્કૃતિની મહાનતા સાથે લઈને ગયા છે.
મિત્રો,
હું સ્વામી ચિદભવાનંદજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તન, મન, હ્રદય અને આત્મા તેમનું સંપૂર્ણ જીવન ભારતના પુનરુત્થાન માટે સમર્પિત હતું. તેમણે વિદેશમાં જઈને અભ્યાસ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ ઈશ્વર પાસે તેમની માટે કઇંક જુદું જ આયોજન હતું. રસ્તા પર જતાં સમયે એક પુસ્તક વિક્રેતા પાસે તેમણે એક પુસ્તક “સ્વામી વિવેકાનંદના મદ્રાસ પ્રવચનો” જોયું અને તેણે તેમના જીવનની દિશા બદલી નાંખી. આ પુસ્તકે તેમને અન્ય બધી જ વસ્તુઓની ઉપર રાષ્ટ્રને મૂકવાની અને લોકોની સેવા કરવાની પ્રેરણા આપી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે:
यद्य यद्य आचरति श्रेष्ठ: तत्त तत्त एव इतरे जनः।
सयत् प्रमाणम कुरुते लोक: तद अनु वर्तते।।
તેનો અર્થ થાય છે કે મહાન લોકો જે પણ કરે છે, અન્ય સામાન્ય લોકો પણ તેનું અનુસરણ કરવા પ્રેરાય છે. એક બાજુ, સ્વામી ચિદભવાનંદજી સ્વામી વિવેકાનંદથી પ્રેરાયેલા હતા. બીજી બાજુ, તેમણે સમગ્ર વિશ્વને પોતાના કાર્યો વડે પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું. શ્રી રામકૃષ્ણ તપોવનમ આશ્રમ એ સ્વામી ચિદભવાનંદજીના ઉમદા કાર્યોને આગળ વધારી રહ્યો છે. તેઓ સમુદાયની સેવા, આરોગ્ય કાળજી અને શિક્ષણમા પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. હું શ્રી રામકૃષ્ણ તપોવનમ્ આશ્રમની પ્રશંસા કરું છું અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છા પાઠવું છું.
મિત્રો,
ગીતાની સુંદરતા તેના ઊંડાણ, વૈવિધ્ય અને સ્થિતિસ્થાપકતામાં રહેલી છે. આચાર્ય વિનોબા ભાવેએ ગીતાને એક એવી માતા તરીકે વર્ણવી છે કે જો તેમને ક્યારેય ઠોકર વાગે તો તે તેમને પોતાના ખોળામાં લઈ લેશે. મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, મહાકવિ સુબ્રહ્મણ્ય ભારતી જેવા મહાન લોકો ગીતાથી પ્રભાવિત થયેલા હતા. ગીતા આપણને વિચારશીલ બનાવે છે. તે આપણને પ્રશ્ન પૂછવા માટે પ્રેરણા આપે છે. તે ચર્ચાને પ્રોત્સાહન આપે છે. ગીતા આપણાં મસ્તિષ્કને ખુલ્લુ રાખે છે. કોઈપણ વ્યક્તિ કે જે ગીતા વડે પ્રભાવિત થયેલ છે તે હંમેશા સ્વભાવથી દયાળુ હશે અને મિજાજમાં લોકશાહી હશે.
મિત્રો,
કોઈ એવું વિચારી શકે કે – ગીતા જેવું કોઈ પુસ્તક એક શાંત અને સૌન્દર્યપૂર્ણ વાતાવરણમાં બહાર આવ્યું હશે. પરંતુ આપ સૌ જાણો જ છો તેમ તે એક સંગ્રામની બરાબર મધ્યમાં ઉદ્ભવી હતી અને સમગ્ર વિશ્વને ભગવદ્ ગીતાના સ્વરૂપમાં શ્રેષ્ઠતમ જીવનના પાઠો શીખવા મળ્યા હતા.
આપણે જેની પણ આશા રાખી શકીએ તે બધા વિષે ગીતા એ જ્ઞાનનો સૌથી મહાનતમ સ્ત્રોત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે શ્રી કૃષ્ણના મુખમાંથી જ્ઞાનના આ બિંદુઓ સરી પડવા પાછળનું કારણ શું હતું? તે વિષાદ અથવા ઉદાસીનતા હતી. ભગવદ્ ગીતા એ એવા વિચારોનો ખજાનો છે કે જે વિષાદથી વિજયની યાત્રાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થયો ત્યારે સંઘર્ષ હતો, ત્યારે વિષાદ હતો. વર્તમાન સમયમાં ઘણા લોકો આ બાબતનો અનુભવ કરે છે કે માનવતા હાલ આ જ પ્રકારના સંઘર્ષો અને પડકારોમાંથી પસાર થઈ રહી છે. વિશ્વ અત્યારે જીવનકાળમાં એક વાર આવનારી વૈશ્વિક મહામારી સામે મુશ્કેલ યુદ્ધ લડી રહ્યું છે. આર્થિક અને સામાજિક અસરો પણ ઘણી દૂર સુધી ફેલાઈ છે. આ પ્રકારના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવવામાં આવેલ માર્ગ વધારે પ્રાસંગિક બની રહે છે. વર્તમાન સમયમાં માનવ સમાજ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેમાંથી ફરી એકવાર વિજયી બનીને બહાર આવવા માટે તે શક્તિ અને દિશા પૂરી પાડી શકે તેમ છે. ભારતમાં આપણે આના અનેક ઉદાહરણો જોયા છે. આપણી લોકો દ્વારા સશક્ત કોવિડ-19 વિરુદ્ધની જંગ, લોકોનો અદ્વિતીય ઉત્સાહ, આપણાં નાગરિકોની હિંમત – એક રીતે આપણે કહી શકીએ કે આ બધા પાછળ ગીતાના સંદેશની ઝલક છે. તેની પાછળ નિઃસ્વાર્થતાનો ભાવ પણ રહેલો છે. તે આપણે આ વખતે જોયું અને ફરી એકવાર જ્યારે આપણાં લોકો એકબીજાને મદદ કરવા માટે આગળ આવ્યા ત્યારે જોવા મળ્યું.
મિત્રો,
ગયા વર્ષે, યુરોપિયન હાર્ટ જર્નલમાં એક રસપ્રદ લેખ છપાયો હતો. તે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ દ્વારા પ્રકાશિત એક પિયર રિવ્યૂડ્ કાર્ડિયોલોજી જર્નલ છે. બીજી અનેક વસ્તુઓની સાથે આ લેખમાં કોવિડના સમયમાં ગીતા કઈ રીતે સૌથી વધુ ઉપયોગી છે તેની વાત કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાને એક અર્થપૂર્ણ જીવન જીવવા માટેની ચોક્કસ માર્ગદર્શિકા તરીકે વર્ણવવામાં આવી હતી. આ લેખ અર્જુનને આરોગ્ય કર્મચારીઓ સાથે સરખાવે છે અને દવાખાનાઓને વાયરસ વિરુદ્ધની લડાઈમાં યુદ્ધના મેદાન તરીકે જોવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારના ભય અને પડકારો ઉપર વિજય મેળવીને પોતાની ફરજ નિભાવનારા આરોગ્ય કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી હતી.
મિત્રો,
ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ છે કર્મ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે;
नियतं कुरु कर्म त्वं
कर्म ज्यायो ह्यकर्मणः।
शरीर यात्रापि च ते
न प्रसिद्ध्ये दकर्मणः।।
તેઓ આપણને કર્મમાં યુક્ત થવા કહે છે કારણ કે નિષ્કર્મ કરતાં તે ઘણું વધારે સારું છે. વાસ્તવમાં, તેઓ કહે છે કે કર્મ કર્યા વિના આપણે આપણાં શરીરની પણ દેખરેખ રાખી શકીએ તેમ નથી. આજે, ભારતના 1.3 બિલિયન લોકોએ પોતાના કર્મની દિશા નિર્ધારિત કરી દીધી છે. તેઓ ભારતને આત્મનિર્ભર અથવા સ્વાશ્રયી બનાવવા જઈ રહ્યા છે. લાંબા ગાળે, માત્ર સ્વાશ્રયી ભારત જ પ્રત્યેક લોકોના હિતમાં છે. આત્મનિર્ભર ભારતના કેન્દ્ર સ્થાને માત્ર આપણી માટે જ નહિ પરંતુ વિશાળતમ માનવ સમાજ માટે સંપત્તિ અને મૂલ્યોનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે. આપણે માનીએ છીએ કે આત્મનિર્ભર ભારત એ વિશ્વ માટે હિતકારી છે. હમણાં તાજેતરના ભૂતકાળમાં જ જ્યારે વિશ્વને દવાઓની જરૂર હતી ત્યારે ભારતે પોતે જે પણ કઈં પૂરું પાડી શકે તે આપ્યું હતું. આપણાં વૈજ્ઞાનિકોએ રસી સાથે બહાર આવવા માટે થોડા જ સમયમાં ઘણું કામ કર્યું હતું. અને હવે, ભારત વિનમ્રતા પૂર્વક કહી શકે છે કે ભારતમાં બનેલી રસી સમગ્ર વિશ્વમાં જઈ રહી છે. આપણે માનવ સમુદાયનો ઈલાજ પણ કરવા માંગીએ છીએ અને મદદ પણ કરવા માંગીએ છીએ. અને બરાબર આ જ બાબત ગીતા આપણને શીખવાડે છે.
મિત્રો,
હું ખાસ કરીને મારા યુવાન મિત્રોને વિનંતી કરીશ કે તેઓ ભગવદ્ ગીતાને જુએ. તેની શિક્ષાઓ અત્યંત વ્યાવહારિક અને પ્રાસંગિક છે. ઝડપથી સરી રહેલ જિંદગીની વચ્ચે ગીતા એ શાંતિ અને સ્થિરતાનું ઝરણું છે. જીવનના અનેક પાસાઓ માટે તે એક વ્યાવહારિક માર્ગદર્શક છે. સૌથી પ્રચલિત શ્લોક ક્યારેય ભુલશો નહિ – कर्मण्ये-वाधिकारस्ते मा फलेषु कदाचन.
તે આપણાં મનને નિષ્ફળતાના ભયમાંથી મુક્ત કરશે અને આપણાં કાર્યો ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરશે. જ્ઞાન ઉપરનો અધ્યાય સાચા જ્ઞાનના મહત્વ વિષે જણાવે છે. ભક્તિનું મહત્વ દર્શાવતો ભક્તિ યોગ પણ કોઈ એક અધ્યાયમાં દર્શાવવામાં આવ્યો છે. દરેક અધ્યાય પાસે આપણને શીખવવા માટે અને આપણાં મનનું હકારાત્મક માળખું તૈયાર કરવા માટે કઇંક છે. આ બધાની ઉપર ગીતા એ ભાવનાનો પુનઃઉચ્ચાર કરે છે કે આપણે સૌ પરમ ભગવાન, સર્વશક્તિમાન ઈશ્વરના તેજ પૂંજ છીએ.
આ એ બાબત છે કે જેનો ઉલ્લેખ સ્વામી વિવેકાનંદ પણ કરે છે. મારા યુવાન મિત્રોએ અનેક મુશ્કેલ નિર્ણયો સામે પણ ઝઝૂમવું પડતું હોય છે. આ પ્રકારના સમય દરમિયાન, હંમેશા પોતાની જાતને પૂછો કે જો હું અર્જુનની જગ્યા પર હોત, અને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોત તો શ્રી કૃષ્ણ મને શું કરવાનું કહેત? આ પ્રશ્ન અદભૂત રીતે કામ કરે છે કારણ કે અચાનક તમે પોતાની જાતને તે સ્થિતિમાં રહેલી તમારી પોતાની પસંદગીઓ અને નાપસંદગીઓથી વિમુખ કરવા લાગી જાવ છો. તમે ભગવદ્ ગીતાના ચિરંજીવી સિદ્ધાંતોની દ્રષ્ટિએ તેને જોવાનું શરૂ કરી દો છો.
અને તે તમને હંમેશા એક સાચા સ્થળે લઈ જશે અને તમને હંમેશા મુશ્કેલ નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. એક વાર ફરી સ્વામી ચિદ્ભવાનંદજી દ્વારા લખાયેલ તાત્પર્ય સાથેના ઇ-પુસ્તકના વિમોચન બદલ આપ સૌને અનેક શુભેચ્છાઓ.
આપનો આભાર!
વણક્કમ.
SD/GP/BT
(Release ID: 1704102)
Visitor Counter : 332
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam