મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એસોચેમ દ્વારા SHEROSની તાકાતની ઉજવણી

Posted On: 09 MAR 2021 3:35PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને વિશેષ બનાવવા માટે એસોચેમ દ્વારા ઉત્સાહી 'શી' - SHEROSની વાસ્તવિક તાકતની ઉજવણી શીર્ષક સાથે એક ઉત્સાહ અને જુસ્સા ભર્યા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય મહિલાઓનું વાસ્તવમાં સશક્તિકરણ કરવા માટે અને તેમને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા માટેની વિવિધ રીતો વિશે ચર્ચા કરવાના મૂળ ઉદ્દેશ સાથે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે એસોચેમ વેસ્ટર્ન રિજનના ચેરમેન શ્રી જક્ષય શાહ દ્વારા આવકાર સંબોધન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રસંગે એવી પણ ટિપ્પણી કરી હતી કે, “આજે આખી દુનિયા લૈંગિક સમાનતા તરફ આગળ વધી રહી છે. પરિવર્તન વર્તમાન સમયની માંગ છે કારણ કે આપણે સૌ માણસો છીએ અને દરેકને સમાન અધિકારો અને સમાન તક મળવી જોઇએ.”

કાર્યક્રમમાં ભાગ લેનારી મુખ્ય ઉત્સાહિત મહિલાઓ અગ્રણીઓમાં મધ્યપ્રદેશ સરકારના ડિંડોરી જિલ્લાના સહાયક કલેક્ટર IAS સુશ્રી શ્રૃતિ જયંત દેશમુખ, નિર્ભયા કેસમાં નિર્ભયા તરફથી કેસ રજૂ કરનારા વકીલ અને ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ સીમા કુશવાહા, કેરળ સરકારમાં કેરળ હેડક્વાર્ટર્સના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ IPS સુશ્રી મેરીન જોસેફ, યુનિસેફ ગુજરાતના ડૉ. લક્ષ્મી ભવાની, બાઇકિંગ ક્વિન અભિયાનના પ્રણેતા અને સ્થાપક ડૉ. સારિકા મહેતા, પ્રવાસ ઉત્સાહી અને ઉદ્યમશીલ સુશ્રી હાર્દી ઓઝા, અમદાવાદ ROBના નિદેશક શ્રીમતી સરિતા દલાલ, એસોચેમ સ્ટાર્ટઅપ કાઉન્સિલના સહ-અધ્યક્ષ CA તૃપ્તિ સિંઘલ સોમાણી તેમજ એસોચેમ વેસ્ટર્ન કાઉન્સિલના પ્રાદેશિક ડાયરેક્ટર શ્રી વિપુલ બી.જી. પણ સામેલ થયા હતા.

વર્ષ 2018માં UPSCમાં મહિલા ઉમેદવારોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનારા મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના સહાયક કલેક્ટર સુશ્રી શ્રૃતિ જે દેશમુખે તેમની મુકામ સુધીની સફર વિશે વાત કરી હતી. સુશ્રી દેશમુખે જણાવ્યું હતું કે, હંમેશા મોટું સપનું જુઓ. જો કોઇ તમારી ટિકા કરે તો તેનાથી હતાશ થવાની જરૂર નથી. હંમેશા સમર્પણ અને સખત પરિશ્રમ સાથે મોટું સપનું જુઓ અને તેને સાકાર કરવાની મનમાં તીવ્ર ઝંખના રાખો.

યુનિસેફ ગુજરાતના ફિલ્ડ અધિકારી ડૉ. લક્ષ્મી ભવાનીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “દરેક વિષયમાં યોગ્ય વ્યવસ્થાપન ખૂબ મહત્વનું હોય છે. યોગ્ય વ્યવસ્થાપનની મદદથી દરેક કાર્યો પાર પાડવાનું શક્ય છે. આજના દિવસોમાં પણ સમાજમાં મહિલાઓ પ્રત્યે ઘૃણાની ભાવના જોવા મળે છે. દિશામાં કેટલાંક પગલાં લેવાની જરૂર છે. ”

જાણીતા ધારાશાસ્ત્રી સીમા કુશવાહાએ જણાવ્યું હતું કે, ભારતમાં હજુ પણ મહિલાઓને સમાન દરજ્જો આપવામાં આવતો નથી અને હજુ પણ મહિલાઓને ફક્ત એક સાધન તરીકે જોવામાં આવે છે. આજના દિવસમાં પણ વર્તમાન પ્રણાલી સંપૂર્ણપણે પુરુષ-પ્રધાન છે અને પ્રણાલીમાં કોઇપણ હોદ્દા પર મહિલાઓને યોગ્ય રીતે હજુ પણ સ્વીકારવામાં આવતી નથી. આજના સમયમાં પણ, મહિલાઓના અભિપ્રાયને મહત્વ આપવામાં આવતું નથી.

અમદાવાદમાં ROBના નિદેશક અને મીડિયાના વરિષ્ઠ અગ્રણી શ્રીમતી સરિતા દલાલે વર્તમાન પરિદૃશ્ય વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “મહિલાઓએ અન્યાય અને ઉત્પીડન સામે અવાજ ઉઠાવવો જોઈએ અને એની સામે જીતવું પણ જોઈએ. સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, મહિલાઓ માટેની હેલ્પલાઈનનો લાભ લેવા જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર એમણે ભાર મુક્યો હતો.

પોતાના અનુભવો અંગે ચર્ચા કરતા વેલ્વેટ એસ્કેપ્સના ડાયરેક્ટર હાર્દી ઓઝા પટેલે જણાવ્યું હતું કે, તેમને પ્રવાસનો ખૂબ શોખ છે અને તેમણે માત્ર 10 વર્ષમાં 72થી વધારે દેશોના પ્રવાસ ખેડ્યા છે. આની પાછળનો તેમનો મૂળ ઉદ્દેશ દરેક દેશના લોકોને ઊંડાણપૂર્વક જાણવા અને સમજવાની તક પ્રાપ્ત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, હું રમકડાં આધારિત પ્રવાસન, ગ્રામીણ અને આદિવાસી પ્રવાસનને પ્રોત્સાહન આપું છું.

અન્ય એક નોંધનીય બાબત હતી કે, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની મહિલા પાંખે જીવંત સત્રમાં તેમના સભાખંડમાંથી ભાગ લીધો હતો.



(Release ID: 1703488) Visitor Counter : 238