નાણા મંત્રાલય

બજેટ 2021 ભારતીય અર્થવ્યવસ્થાને દિશાપરિવર્તન પ્રદાન કરશે, સમાજવાદના હાર્દ સાથે ખાનગીકરણ અને લોકભાગીદારીને પ્રોત્સાહનઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ


ખોટ ખાતી કંપનીઓની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં કામદારોના હિતોના રક્ષણની ખાતરી આપતા શ્રીમતી સીતારમણ

IMF અધ્યક્ષને વૈશ્વિક 5%ના વિકાસ સામે ભારતનો વિકાસદર 11 ટકા રહેવાની આશા હોવાનું જણાવતા કેન્દ્રીય નાણાં મંત્રી

Posted On: 25 FEB 2021 4:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે પોતે સંસદમાં રજૂ કરેલા બજેટ-2021ને સમાજવાદના હાર્દ સાથે ખાનગીકરણ અને લોકભાગીદારીને પ્રોત્સાહન આપનારું ગણાવી જણાવ્યું છે કે આ બજેટ ભારતીય અર્થવ્યવસ્થાને દિશા પરિવર્તન પ્રદાન કરશે.

આજે અમદાવાદમાં પ્રબુદ્ધ  નાગરિકો સાથેના સંવાદમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું કે બજેટ-2021નો મૂળભૂત પાયો જ એના પર રચાયો છે કે અમારી સરકારને ભારતીય નાગરિક પર સંપૂર્ણ વિશ્વાસ છે. જો જાહેર ક્ષેત્ર લાભકર્તા ન હોય તો તેને ખાનગી કંપની, લોકો વધુ મૂડીરોકાણ સાથે કેમ ચલાવી ન શકે? ડિસઈન્વેસ્ટમેન્ટની મૂળ પરિકલ્પનાનો અને ફાયાનાન્સિયલ સેક્ટર રિફોર્મનો  આધાર આ વિચાર છે. આપણે મજબૂત બેંક જોઈએ છે, જે બદલાયેલા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોખમ લઈ શકે. હાલ બેંકો પોતાનું મુખ્ય કામ કોર બેંકિંગ ઓછું કરે છે, જ્યારે વિકાસલક્ષી નાણાકીય પ્રવૃતિ વધુ કરે છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું કે IDBIના ઉદાહરણમાંથી શીખ લઈ સરકારે ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુટનું ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલવાનું નક્કી કર્યુ.

નાણાકીય સુધારાના ભાગરૂપે કરપ્રણાલિમાં ટેકનોલોજીના ઉપયોગે અસરકારક પરિણામો આપ્યા છે, જેના પરિણામસ્વરૂપ કરદાતા પર સંપૂર્ણ ભરોસો મૂકીને સરકારે ફેસલેસ ટેક્સ એસેસમેન્ટની પ્રણાલિ શરૂ કરી છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના અધ્યક્ષાએ ટેલિફોનિક વાતચીતમાં આશા વ્યક્ત કરી હતી કે કોરોના મહામારી બાદ વૈશ્વિક વિકાસ 5 ટકાના દરે વૃદ્ધિ પામશે, જ્યારે ભારતનો વિકાસ દર 11 ટકા રહેશે. છેલ્લા ત્રણ મહિનામાં GSTની આવક નોંધપાત્ર રીતે વધી છે. કારણ કે લોકડાઉન બાદ અર્થવ્યવસ્થા ઊંચી ઊઠી રહી છે તથા માગમા પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે ખરાબ રીતે અસર પામેલા MSMEને પુનઃજીવન બક્ષવા સરકારે ત્રણ લાખ કરોડ રૂપિયાની ઈમર્જન્સી ક્રેડિટ સ્કીમ અમલમાં મૂકી હોવાનું જણાવી એમણે ઉમેર્યુ કે પ્રત્યેક એમએસએમઈને આનો ફાયદો મળે એ રીતે ક્રેડિટ આપવા બેંકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કોરોના કાળની શરૂઆતમાં ભારત એક PPE કીટ કે વેન્ટિલેટર નહોતું બનાવતું પણ હાલ તે બંનેનું મોટું ઉત્પાદક અને નિકાસકાર છે. ભારત 100 ઉપરાંત દેશોને કોરોના વેક્સિન કાં તો નિઃશૂલ્ક અથવા W.H.O.ની વ્યવસ્થાથી પૂરી પાડી રહ્યું હોવાનું પણ એમણે કહ્યું હતું.

વર્ષ 2021-22નું બજેટ એકંદરે બિઝનેસ ફ્રેન્ડલી, લોકોમાં વિશ્વાસ મૂકનારું અને ભારતની ક્ષમતાઓનું નિર્માણ કરનાર હોવાનો મત શ્રીમતી સીતારમણે વ્યક્ત કર્યો હતો. સંવાદ કાર્યક્રમમાં સાંસદ સર્વશ્રી કીરીટભાઈ સોલંકી તથા શ્રી નરહરિ અમીન, મોટી સંખ્યામાં મહિલા સાહસિકો, ઉદ્યોગકારો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD


(Release ID: 1700783) Visitor Counter : 155