ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે સીઆરપીએફની ‘રાષ્ટ્ર પ્રથમ – 82 વર્ષો કી સ્વર્ણિમ ગાથા’ પુસ્તકનું વિમોચન કર્યું
આ પુસ્તક સીઆરપીએફમાં ભરતી થનારા યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે અને એમાં ઇતિહાસની રુંવાડા ઊભા કરનારી વીરતા અને શૌર્યની ગાથાઓ પ્રસ્તુત કરશે
આજથી સીઆરપીએફના પૂર્વ સૈનિક દિવસ (વેટનર્સ ડે) ઉજવવાની શરૂઆત થઈ છે, જે ખરેખર પ્રશંસનીય પ્રયાસ છે
13 ડિસેમ્બર, 2001ના રોજ લોકશાહીના મંદિર પર હુમલો થયો ત્યારે સીઆરપીએફના જવાનોની સતર્કતા, વીરતા અને બલિદાનને કારણે સંસદમાં આતંકવાદીઓ પ્રવેશી શક્યાં નહોતાં અને તેમને તેમના નાપાક ઇરાદામાં સફળતા મળી નહોતી
દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સીઆરપીએફને એનો ઝંડો આપીને આઝાદી પછી એક સુરક્ષા દળ સ્વરૂપે દેશની સામે રાખવાનું કામ કર્યું હતું અને પછી અત્યાર સુધી આ દળ સૌથી મોટા સુરક્ષા દળ તરીકે રાષ્ટ્રની આંતરિક સુરક્ષામાં સેવારત છે
સીઆરપીએફના જવાનોએ સરહદ પર અને દેશની અંદર તમામ મોરચે પોતાની ફરજને સુપેરે અદા કરી છે તથા કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિનો વિચાર કર્યા વિના દરેક મોરચે પ્રશંસનીય કામગીરી કરી
સુરક્ષા દળોનો ઇતિહાસ એક મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયક મૂડી છે, જેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારકનું નિર્માણ કર્યું
Posted On:
19 FEB 2021 10:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે અહીં નવી દિલ્હીમાં સીઆરપીએફની ‘રાષ્ટ્ર પ્રથમ – 82 વર્ષો કી સ્વર્ણિમ ગાથા’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આ પુસ્તક સીઆરપીએફમાં ભરતી થનારા યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. પુસ્તકમાં ઇતિહાસની રુંવાડા ઊભા કરનારી વીરતા અને શૌર્યની ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પુસ્તકથી સીઆરપીએફમાં ભરતી થનાર યુવાનોને તેમના શિરે કેવી મહાન પરંપરાને આગળ વધારવાની જવાબદારી છે એની જાણકારી પણ મળશે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આ પુસ્તકમાં 82 વર્ષોની તમામ ગૌરવશાળી ઘટનાઓનું સંકલન કરવામાં આવ્યું છે એની મને ખુશી છે અને આપણા સહુ માટે ગર્વની વાત છે. પુસ્તકના સંકલન માટે શ્રી શાહે ડૉ. ભુવન ઝાને મંત્રાલય અને પોતાના તરફથી અભિનંદન આપીને તેમના કાર્યોની પ્રશંસા કરી હતી. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આ પુસ્તકમાં દેશની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ બનેલા રાષ્ટ્રવિરોધી પરિબળોના નાપાક ઇરાદાઓ અને ષડયંત્રને કઈ રીતે સીઆરપીએફના જવાનોએ નિષ્ફળ કર્યા હતા અને તેમને ખતમ કરીને દેશની સુરક્ષા કરી છે એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
શ્રી શાહે કહ્યું હતું કે, આગામી દિવસોમાં આ પુસ્તકમાં વધુ પ્રકરણો ઉમેરાશે અને આ પુસ્તક અન્ય લોકો માટે પણ દેશભક્તિની પ્રેરણાદાયક બનશે. તેમણે જણાવ્યું હતું કે, આજથી સીઆરપીએફના પૂર્વ સૈનિક દિવસ (વેટનર્સ ડે) ઉજવવાની શરૂઆત થઈ છે, જે ખરેખર પ્રશંસનીય પ્રયાસ છે. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને કહ્યું હતું કે, દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સીઆરપીએફને એનો ઝંડો આપીને આઝાદી પછી એક સુરક્ષા દળ સ્વરૂપે દેશની સામે રાખવાનું કામ કર્યું હતું અને પછી અત્યાર સુધી આ દળ સૌથી મોટા સુરક્ષા દળ તરીકે રાષ્ટ્રની આંતરિક સુરક્ષામાં સેવારત છે. સીઆરપીએફના જવાનો સરહદ પર અને દેશની અંદર તમામ મોરચે તેમની ફરજને સુપેરે અદા કરી રહ્યાં છે અને કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિનો વિચાર કર્યા વિના દરેક મોરચે પ્રશંસનીય કામગીરી કરી રહ્યાં છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સુરક્ષા દળોનો ઇતિહાસ એક મહત્વપૂર્ણ અને પ્રેરણારૂપ મૂડી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક પોલીસ સ્મારકનું નિર્માણ કર્યું છે. શ્રી શાહે કહ્યું હતું કે, આ સ્મારક નિર્જીવ સ્મારક નથી, પણ જીવંત અને પ્રેરણાનું કેન્દ્ર છે. આ કેન્દ્રનું નિર્માણ થયા પછી સતત લોકો એની મુલાકાત લઈ રહ્યાં છે. આમ, આ કેન્દ્ર આપણા દેશના જવાનોની વીરતાની ગાથા લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બની ગયું છે. દિલ્હી આવતા પ્રવાસીઓ અને દેશના અન્ય વિસ્તારોના બાળકો આ કેન્દ્રને જોવા આવે છે અને એમાંથી પ્રેરિત થાય છે. જેટલો આ સ્મારકનો પ્રચાર થશે. એટલી જ દેશની જનતાની ગણવેશધારક લોકો પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલવામાં સફળતા મળશે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશના સશસ્ત્ર દળો અને પોલીસને એમની કામગીરી જેટલો યશ મળતો નથી એ કડવી વાસ્તવિકતા છે. સુરક્ષા દળો અને પોલીસના જવાનોની ફરજના કલાકો નક્કી હોતા નથી અને તેઓ રાતદિવસ કામ કરે છે. એટલે જ શ્રી નરેન્દ્ર મોદીની સરકારે દરેક જવાન વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ તેમના પરિવારજનો સાથે રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લાં 85 વર્ષમાં સીઆરપીએફનું સ્વરૂપ સતત બદલાયું છે. સીઆરપીએફને ઘણી નવી જવાબદારીઓ સુપરત કરવામાં આવી છે અને તમામ જવાબદારીઓને સીઆરપીએફ સફળતાપૂર્વક અદા કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની પ્રતિકૂળ સ્થિતિ હોય કે ઉત્તર પૂર્વના જંગલ હોય – તમામ જગ્યાએ સીઆરપીએફના જવાનોએ પોતાના જીવને દાવ પર લગાવીને આંતરિક સુરક્ષાને જાળવી રાખીને એક સોનેરી ઇતિહાસનું સર્જન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1959માં ચીનની સરહદે એક અસમાન યુદ્ધ થયું હતું. એને ક્યારેય દેશની જનતા ભૂલી ન શકે. પણ જ્યાં સુધી સેનાના જવાનો સરહદ પર પહોંચ્યા નહોતા, ત્યાં સુધી સીઆરપીએફએ સ્થિતિને બરોબર સંભાળી રાખી હતી. શ્રી શાહે 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર થયેલા હુમલા વિશે કહ્યું હતું કે, જ્યારે લોકશાહીના મંદિર પર હુમલો થયો હતો, ત્યારે એ દિવસે સીઆરપીએફના જવાનોની સતર્કતા, વીરતા અને બલિદાનને કારણે લોકશાહીના મંદિરમાં આતંકવાદીઓ પ્રવેશી પણ શક્યાં નહોતાં અને તેમને તેમના નાપાક ઇરાદામાં સફળતા મળી નહોતી.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સીઆરપીએફના 2200થી વધારે જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, પુલવામામાં હુમલાની ઘટનાને કમનસીબ હુમલા તરીકે યાદ કરવામાં આવે છે, જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટના પછી ભારતે પહેલી વાર ઇંટનો જવાબ પત્થરથી આપીને વીર જવાનોને ઉચિત શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, સીઆરપીએફએ 2,000થી વધારે મેડલ મેળવ્યાં છે, જેના પર દેશને ગર્વ છે અને ગૃહ મંત્રી હોવાના નાતે મને પણ એનું ગૌરવ છે. આ પુસ્તકના માધ્યમથી દેશ અને દુનિયામાં સીઆરપીએફની ગાથા પહોંચશે. શ્રી શાહે કહ્યું હતું કે, આપણું લક્ષ્ય રાષ્ટ્રની સુરક્ષા અને દેશનો વિકાસ જ હોઈ શકે અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે બધા આપણી જવાબદારીનું વહન કરીને આ પ્રયાસને બળ આપવું જોઈએ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લા સહિત કેન્દ્ર અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(Release ID: 1699572)
Visitor Counter : 103