ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે વિડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતનાં અમદાવાદમાં રૂ. 55 કરોડના ખર્ચે નવનિર્મિત થલતેજ-શીલજ-રાચરડા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યાં પછી દેશમાં મૂળભૂત સુવિધાઓની દિશામાં જે સમસ્યાઓ હતી એનો અંત લાવવા માટે ભગીરથ અભિયાન શરૂ કર્યું છે
એક લાખ રેલવે ક્રોસિંગને ઓવરબ્રિજ કે અંડરબ્રિજના માધ્યમથી ફાટકરહિત બનાવવાનું કાર્ય શરૂ થયું છે
વર્ષ 2009થી વર્ષ 2014 દરમિયાન લગભગ 900 માનવરહિત ક્રોસિંગનો અંત લાવવાનું કામ થયું હતું, જ્યારે વર્ષ 2014થી વર્ષ 2019 વચ્ચે લગભગ 3584 માનવરહિત ક્રોસિંગનો અંત લાવવાનું કામ થયું છે
કોરોનાકાળ દરમિયાન ભારત સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી છે, પણ ભારતનું અર્થતંત્ર અત્યારે ઝડપથી ઊભું થયું છે, જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે
શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો, જે પૂર્ણ થવાની સાથે આપણે કોવિડ રોગચાળા પર સંપૂર્ણ વિજય મેળવીને દેશની પ્રગતિને વધારે વેગ આપવાનું કામ કરીશું
Posted On:
21 JAN 2021 7:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના અમદાવાદ શહેરમાં રૂ. 55 કરોડના ખર્ચે નવનિર્મિત થલતેજ-શીલજ-રાચરડા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે, શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યાં પછી દેશમાં મૂળભૂત સુવિધાઓની દિશામાં જે સમસ્યાઓ હતી એનો અંત લાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યું છે. દેશમાં લગભગ એક લાખથી વધારે રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની બહુ મોટી સમસ્યા હતી. આખા દિવસમાં 100થી વધારે વાર રેલવે ફાટક ખુલતાં અને બંધ થતાં હતાં, જેનાથી પેટ્રોલ-ડિઝલનો બહુ વધારે ખર્ચ થવાની સાથે સમય પણ બરબાદ થતો હતો. આને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો અને રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલનાં નેતૃત્વમાં એક મોટું અભિયાન શરૂ કર્યું, જેમાં લગભગ એક લાખ રેલવે ક્રોસિંગને ઓવરબ્રિજ કે અંડરબ્રિજના માધ્યમથી ફાટકરહિત બનાવવાનું કામ શરૂ થયું. આ યોજના અંતર્ગત આજે આ ઓવરબ્રિજનું લોકાર્પણ થયું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ મતદારોને અભિનંદન આપીને શ્રી શાહે કહ્યું હતું કે, આપણા વિકાસ વચ્ચે જે એક મોટો અવરોધ હતો, એને દૂર કરવાનું કામ આજે ભારત સરકાર અને ગુજરાત સરકારે કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, રેલવે સહિત તમામ માનવરહિત ફાટકનો અંત લાવવાનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત વર્ષ 2022 સુધી દેશની અંદર લગભગ એકપણ માનવરહિત ફાટક નહીં હોય, જેથી દુર્ઘટનાઓ ઓછી થઈ જશે. નવનિર્મિત ઓવરબ્રિજના તુલનાત્મક આંકડા રજૂ કરીને શ્રી અમિત શાહે કહ્યું કે, વર્ષ 2009થી વર્ષ 2014 સુધીમાં લગભગ 900 માનવરહિત ક્રોસિંગને સમાપ્ત કરવાનું કામ થયું હતું. એની સરખામણીમાં વર્ષ 2014થી વર્ષ 2020 સુધી લગભગ 3584 માનવરહિત ક્રોસિંગને ખતમ કરવાનું કામ થયું છે. લગભગ 3.5 ગણું વધારે કામ થયું છે અને અત્યાર સુધી 8900થી વધારે ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
શ્રી અમિત શાહે કહ્યું કે, દેશને આઝાદી મળ્યાનાં 70 વર્ષ પછી પણ 20 હજારથી વધારે ગામડાંઓ એવા હતાં, જ્યાં વીજળીનો પુરવઠો પહોંચ્યો નહોતો. બે વર્ષની અંદર વર્ષ 2017 સુધી ભારતના તમામ ગામડાંઓમાં વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું. વળી દેશમાં 60 કરોડ લોકો એવા હતા, જેમના કુટુંબમાં એકપણ સભ્યને બેંકમાં ખાતું નહોતું. અત્યારે હું ગૌરવ સાથે કહી શકું કે તમામ પરિવારો પાસે ઓછામાં ઓછું એક બેંક ખાતું છે અને આ કાર્ય પણ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. લગભગ 30 કરોડની વસ્તી અને 10 કરોડથી વધારે પરિવારોની પાસે ઘરનું ઘર નહોતું. અત્યારે જે રીતે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હાઉસિંગ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, એના પગલે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, 15 ઓગસ્ટ, 2022 સુધી દેશના તમામ નાગરિકોને ઘર આપવાની વ્યવસ્થા શ્રી નરેન્દ્ર મોદીની સરકાર કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, જો ગરીબના ઘરમાં બિમારી આવે છે, તો મોંઘી સારવાર ગરીબ કેવી રીતે કરાવે એ મોટી સમસ્યા હોય છે. પણ આયુષ્માન ભારત યોજના લાવીને પ્રધાનમંત્રી મોદીએ તમામ 60 કરોડ ગરીબોને રૂ. 5 લાખ સુધીની તમામ સ્વાસ્થ્ય સેવાઓ મફતમાં મળે એવી વ્યવસ્થા કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની તમામ યોજનાઓનો ગુજરાતને સૌથી વધુ લાભ મળ્યો છે. એનું મૂળ કારણ ઝડપથી નિર્ણય લેવાની પદ્ધતિ અને અમલીકરણ એટલે કે ત્વરિત કાર્ય કરવાની વ્યવસ્થા છે. ગુજરાતમાં અનેક પ્રકારની માળખાગત સુવિધાઓના કામ અતિ સુંદર રીતે પૂર્ણ થયા છે. હજુ તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત અને અમદાવાદમાં મેટ્રોના બીજા તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું. આપણા અમદાવાદમાં બીઆરટીએસ પ્રોજેક્ટ જેવા અન્ય કાર્યો પણ સારી રીતે ચાલી રહ્યાં છે. પીવાના પાણીની સુવિધા, રસ્તાઓને બંદર સાથે જોડવાનું કામ, યાત્રાધામને રસ્તાઓ સાથે જોડવા, 24 કલાક વીજળીનો પુરવઠો પહોંચાડવો અને ખેડૂતોને દિવસમાં વીજળી આપવાનું કામ – આ તમામ ક્ષેત્રોમાં ગુજરાત સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. એના પરિણામ સ્વરૂપે માળખાગત સુવિધાના ક્ષેત્રમાં છેલ્લાં 20 વર્ષમાં જેટલું કાર્ય થયું છે એટલા કાર્યો મોદી સરકારે 6 વર્ષમાં પૂર્ણ કર્યા છે.
શ્રી અમિત શાહે કહ્યું કે, કોરોનાને કારણે ભારત સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી છે, પણ ભારતનું અર્થતંત્ર અત્યારે ઝડપથી ઊભું થઈ ગયું છે, જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. હજુ તાજેતરમાં પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર અર્થતંત્રનાં વિકાસ માટે અતિ મહત્ત્વપૂર્ણ સૂચકાંક ગણાતા વીજળીનો વપરાશ છેલ્લાં મહિનામાં અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. એનો અર્થ એ છે કે, આપણું અર્થતંત્ર ફરી પાટે ચઢી ગયું છે. દુનિયાનાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમનો શુભારંભ પણ શ્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. આ કાર્યક્રમ ગુજરાતમાં પણ ઝડપથી ચાલી રહ્યો છે. શ્રી શાહે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, રસીકરણની આ પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે આપણે કોવિડ રોગચાળા પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરીને દેશના વિકાસની ગતિને વધુ વેગ આપી શકીશું.
SD/GP
(Release ID: 1690980)
Visitor Counter : 147