સંસ્કૃતિ મંત્રાલય

સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ અદમ્ય સાહસ, ત્યાગ અને સમર્પણની પ્રેરણા આપે છે- એડીજી ડો. ધીરજ કાકડિયા


નેતાજીના ગાંધીજી સાથેના વિચારોમાં મતભેદ હતા, પરંતુ મનભેદ નહીં- ડો. હરી દેસાઈ

સુભાષચંદ્ર બોઝના ગુજરાત પર થયેલા પ્રભાવો પર રીસર્ચ થવું જોઇએઃ- ડો. રીઝવાન કાદરી

Posted On: 21 JAN 2021 4:34PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક બ્યૂરો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો તેમજ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે “સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી મહોત્સવ” એ વિષય પર યોજાયેલા વેબિનારમાં ગુજરાત એકમના વડા અને પીઆબીના અપર મહાનિદેશક ડો. ધીરજ કાકડિયા એ જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝના ગુજરાત સાથેના સંબંધો વિશે વિગતવાર જાણવું હોય તો વિવિધ ઐતિહાસિક ઘટનાઓનો અભ્યાસ કરવો પડશે. તો જ નેતાજીને સાચા અર્થમાં સમજી શકીશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેના વિચારો કેટલીક બાબતોમાં અલગ હતા, પરંતુ ધ્યેય એક હતું. ભારતને આઝાદી અપાવવા નેતાજીએ તમામ પ્રયત્નો કરી સહયોગ પણ આપ્યો હતો. નેતાજીએ જાપાનના સહયોગથી લશ્કરી ઝુંબેશ ચલાવી હતી. તેઓમાં અદમ્ય સાહસ, ત્યાગ અને સમર્પણની ભાવના હતી. નેતાજી કોઇ એક વિચારમાં બંધાવા વાળા વ્યક્તિ નહોતા. નેતાજીના સૈન્યમાં દરેક કોમ, ધર્મ અને વર્ગના લોકો સામેલ હતા એમ પણ ડો. કાકડિયાએ ઉમેર્યુ હતું.

દૂરદર્શન સમાચાર વિભાગના ડાયરેકર શ્રી ધર્મેન્દ્ર તિવારીએ વેબિનારમાં નેતાજી પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે નેતાજી સ્વયં એક વિચાર હતા. મનમાં તેમની કલ્પના માત્રથી દેશભક્તિની ભાવનાની ઉર્જા ઉત્પન્ન થઇ જાય છે. તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરી બાદમાં તેને છોડી પણ દીધી હતી. તેઓ એક સશક્ત નેતાના રૂપમાં નિર્માણ પામ્યા. ભારતની આઝાદી માટે તેઓ કંઇ પણ કરવા તત્પર રહેતા. પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરોના ઇન્ચાર્જ ડાયરેક્ટર સરિતા દલાલે જણાવ્યું હતું કે નેતાજીએ આપેલા “તુમ મુઝે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા” આ સૂત્રથી આઝાદીની લડાઇ માટે પ્રબળ રાષ્ટ્રભાવના જાગી હતી, રાષ્ટ્રભક્તિની જ્વાલા, દેશ પ્રત્યેનો પ્રેમ સ્વતંત્રતા ચળવળમાં પેદા કરનાર તેઓ પ્રખર પુરુષ હતા.

સુપ્રસિધ્ધ ઇતિહાસકાર ડો. રીઝવાન કાદરીએ વેબિનારમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જો સુભાષચંદ્રને સંપૂર્ણ જાણવા હોય તો ઇતિહાસને નવેસરથી ખંખોળવો પડશે. ગુજરાત અને સુભાષચંદ્ર બોઝની વાતો ખૂબ જ અદભુત અને રોચક છે. નેતાજી સમયનું પાલન કરતા અને તેમનામાં મોટી-મોટી યોજના ઘડવાની શક્તિ હતી. ઇતિહાસને નવેસરથી તપાસીશું તો જ નેતાજીને ખરા અર્થમાં જાણી શકીશું અને તેમની જન્મજયંતીને સાચા અર્થમાં અંજલી આપવી હોય તો નવી પેઢીએ એના ગુણો આત્મસાત કરવા પડશે.

ચીમનભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનના ડાયરેક્ટર ડો. હરીભાઈ દેસાઈએ વેબિનારમાં જણાવ્યું હતું કે સરકારે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. નવી પેઢીને પ્રેરિત કરવા માટે આ એક અસરકારક પ્લેટફોર્મ આપે છે. ઘણી બાબતો પર નેતાજીના ગાંધીજી સાથે મતભેદો હતા પણ મનભેદ જરા પણ નહોતા રાખતા, લક્ષ્ય એક હતું કે દેશને આઝાદી અપાવવી. દરેક ધર્મનો આદર કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દસ્તાવેજો શોધી વાંચવાના પ્રયત્નો કરીશુ તો જ નેતાજીને ઉંડાણથી જાણી શકીશું.

 



(Release ID: 1690881) Visitor Counter : 278