સંરક્ષણ મંત્રાલય

ભારતીય સૈન્ય દ્વારા વડોદરા ખાતે યુદ્ધ શહીદોની વિધવાઓ અને પીઢ સૈનિકોને આર્થિક મદદ

Posted On: 15 JAN 2021 7:29PM by PIB Ahmedabad

ભારતીય સૈન્યની વડોદરા મિલિટરી ગેર્રિસન દ્વારા 73મા સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 15 જાન્યુઆરીના રોજ સ્ટેશન હેડક્વાર્ટર વડોદરા ખાતે એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યુદ્ધમાં શહીદોની વિધવાઓ અને દિવ્યાંગ પીઢ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેશન કમાન્ડરે ડાંગ, નવસારી, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાંથી આવેલી યુદ્ધ શહીદોની વિધવાઓ અને પીઢ સૈનિકોને ચેક અને ભેટનું વિતરણ કર્યું હતું. સ્ટેશન કમાન્ડરે શહીદ જવાનો અને યુદ્ધ શહીદોની વિધવાઓએ દેશની સેવા માટે આપેલા બલિદાન બદલ ભારતીય સૈન્ય વતી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સૈન્યના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકે ફિલ્ડ માર્શલ કોડંડેરા એમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો જેથી તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ સૈન્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૈન્ય દિવસે આપણા રાષ્ટ્ર અને તેના નાગરિકોની સુરક્ષામાં પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર જવાનોને સલામ આપીને તેમને માન આપવામાં આવે છે.



(Release ID: 1688887) Visitor Counter : 102