કાપડ મંત્રાલય

ટેકનિકલ ટેક્ષટાઇલ ઉજ્જવળ ભવિષ્ય ધરાવતો ઉદ્યોગ છે અને એમાં સામેલ થાવઃ સ્મૃતિ ઇરાની


શ્રીમતી ઇરાનીએ સુરત ઇન્ટરનેશનલ ટેક્ષટાઇલ એક્ષ્પોનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 09 JAN 2021 2:26PM by PIB Ahmedabad

કાપડ ઉદ્યોગે કોવિડ રોગચાળાના પડકારો સફળતાપૂર્વક ઝીલ્યાં છે. કેન્દ્રીય કાપડ ઉદ્યોગ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ આજે સુરતમાં સુરત ઇન્ટરનેશનલ ટેક્ષટાઇલ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે,  આ ઉદ્યોગ રોગચાળા અગાઉ ઝીરો પીપીઇ કિટનું ઉત્પાદન કરતો હતો, પણ અત્યારે દુનિયામાં પીપીઇ કિટનું બીજું સૌથી વધુ ઉત્પાદન કરતા ઉદ્યોગ તારીકે સામેલ થયો છે. વળી આ ઉદ્યોગ શરૂઆતમાં 2 પીસ એન-95 માસ્કનું ઉત્પાદન કરતો હતો, પણ અત્યારે દરરોજ 32 લાખ પીસ માસ્કનું ઉત્પાદન કરે છે.

 

મંત્રી શ્રીમતી ઇરાનીએ ઉમેર્યું હતું કે, ટેક્ષટાઇલ ઉદ્યોગ સનરાઇઝ ક્ષેત્ર (પ્રગતિ તરફ આગેકૂચ કરતો ઉદ્યોગ) છે. તેમણે ઉદ્યોગસાહસિકોને આ ઉદ્યોગમાં સામેલ થવાની અપીલ કરી હતી. સનરાઇઝ ક્ષેત્રો એવા ક્ષેત્રો છે, જે ઉજ્જવળ ભવિષ્યની સાથે પરિપક્વતાનો લાંબો ગાળો ધરાવે છે. તેમણે માહિતી આપી હતી કે, આદરણીય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ટેકનિકલ કાપડ નીતિ માટે રૂ. 1480 કરોડ પ્રદાન કરવાની પહેલ હાથ ધરી છે, જે માનવનિર્મિત રેષાના ક્ષેત્રમાં વૃદ્ધિ તરફ દોરી ગઈ છે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ આ એક્ષ્પોમાં સહભાગી થયેલા દેશના 1100 પ્રદર્શકોના પ્રદર્શનની મુલાકાત લીધા પછી ખુશી અને ગર્વની લાગણી અનુભવે છે. શ્રીમતી ઇરાનીએ ખાસ કરીને સ્થાનિક કારીગર શ્રી ચંદ્રકાંત પાટિલની પ્રશંસા કરી હતી, જેમણે આયાતી મશીનથી અડધી કિંમતે ગુજરાતમાં ટેક્ષટાઇમ મશીન બનાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના કારીગરોના કૌશલ્યો અને પ્રદર્શનમાં મેક ઈન ઈન્ડિયાના લોગો સાથેના પ્રદર્શન સ્ટોલ આત્મનિર્ભર ભારતનું ઉજ્જવળ ભવિષ્ય પ્રદર્શિત કરે છે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી દેબાશ્રી ચૌધરી અને ટેક્ષટાઇલ ક્ષેત્રના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.


(Release ID: 1687287) Visitor Counter : 202


Read this release in: English