સંરક્ષણ મંત્રાલય
સ્વર્ણિમ વિજય વર્ષ 1971 સાઇક્લોથોન: કોણાર્ક કોર્પ્સ દ્વારા રસ્તામાં મેળ મિલાપ કાર્યક્રમ અને જૈસલમેર ખાતે તબીબી શિબિરનું આયોજન
Posted On:
01 DEC 2020 6:23PM by PIB Ahmedabad
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીરૂપે કોણાર્ક કોર્પ્સ દ્વારા યોજવામાં આવેલી 1971 કિમી લાંબી સાઇકલ રેલીનો પ્રારંભ 26 નવેમ્બર 2020ના રોજ થયો છે. આ રેલીમાં ગુજરાત અને રાજસ્થાનના સમગ્ર સરહદી વિસ્તારને આવરી લેવાનું લક્ષ્ય છે.
આ સાઇક્લોથોનના છઠ્ઠા ચરણના ભાગરૂપે ભારતીય સૈન્યના બેટલ એક્સ ડિવિઝને મ્યાજલારથી જૈસલમેર સુધીનું અંતર પૂરું કર્યું હતું. સાઇકલ રેલીની ટીમને 1971ના ઓપરેશન કેક્ટસ લીલી હેઠળ સૈદુ પર કરવામાં આવેલા પ્રખ્યાત ઉંટ દરોડામાં ભાગ લેનારા 17 ગ્રેનેડિયર્સ ટીમના નાયક સોઢાસિંહે (નિવૃત્ત) લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. રેલીના સમગ્ર માર્ગ દરમિયાન ટીમે ભૂતપૂર્વ સૈનિકો અને યુદ્ધમાં શહીદી વહોરનારા જવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પોચના અને સામ ખાતે પીઢ સૈનિકો સાથે મેળ મિલાપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કોવિડ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સામ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ જવાનોને તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે બેટલ એક્સ ડિવિઝન દ્વારા જૈસલમેર મિલિટરી સ્ટેશન ખાતે તબીબી શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌની સક્રિય સહભાગીતા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓ તેમજ શહીદોના પરિવારજનોએ જૈસલમેર મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ તબીબી શિબિરમાં સૌને તબીબી સુવિધાઓ અને માર્ગદર્શન આપવા ઉપરાંત, કોવિડ-19 માહામારી અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેનાથી બચવા માટે નિવારાત્મક પગલાં અંગે સમજાવવાનો પ્રયાસ પણ કરાવવામાં આવ્યો હતો.
જૈસલમેર ખાતે, પીઢ સૈનિકો નાયક ભૈરો સિંહ (નિવૃત્ત), BSFમાં SM, નાયક છોટુસિંહ, શૌર્ય ચક્ર અને માનદ કેપ્ટન દેરાવરસિંહ તેમજ અન્ય લોકો દ્વારા ભવ્ય ધ્વજવંદન સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
(Release ID: 1677436)
Visitor Counter : 136