સંરક્ષણ મંત્રાલય

સાઇક્લોથોન: 1971ના યુદ્ધમાં કબજે કરાયેલા ‘પરબત અલી’ની ફરી મુલાકાત લીધી

Posted On: 30 NOV 2020 9:36PM by PIB Ahmedabad

30 નવેમ્બર 2020ના રોજ ભારતીય સૈન્યના ‘કોણાર્ક કોર્પ્સ’ના 20 સાઇકલિસ્ટ્સની ટીમે પશ્ચિમી રાજસ્થાનમાં જલીપાથી મ્યાજલાર સુધીનું 220 કિમીનું અંતર કાપ્યું હતું. આ ટીમને 1971ના પીઢ યોદ્ધા સુબેદાર મેજર સગતસિંહે (નિવૃત્ત) લીલીઝંડી બતાવીને રવાના કરી હતી જેણે ઓપરેશન કેક્ટસ લીલીમાં ભાગ લીધો હતો.

 

આ સંપૂર્ણ સાઇક્લોથોનનો પ્રારંભ 26 નવેમ્બર 2020ના રોજ થયો હતો અને અલગ અલગ ટીમો દ્વારા વિભિન્ન અંતર સાથે આ રેલીમાં કુલ 1971 કિમીનું અંતર કાપવામાં આવશે. કચ્છના સરહદી પીલ્લર 1175થી આ રેલીનો પ્રારંભ થયો હતો અને 1971 કિમીનું અંતર કાપ્યા પછી 05 ડિસેમ્બર 2020ના રોજ રાજસ્થાનના લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે.

 

સાઇકલિસ્ટ્સની ટીમે બારમેર ખાતે વિરામ કર્યો હતો જ્યાં, આપણા જવાનોને “શહીદ ચોક” ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ, આ ટીમ રામસર અને ગાદ્રા શહેર જવા રવાના થઇ હતી જ્યાં સ્થાનિક લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમને આવકાર આપ્યો હતો. અહીં ઉપસ્થિત લોકોને કોવિડ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને જેમણે માસ્ક નહોતા પહેર્યાં તેમને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બાળકોને રાષ્ટ્રધ્વજ અને મીઠાઇઓ પણ આપવામાં આવ્યા હતા તેમજ વયસ્ક નાગરિકોમાં મીઠાઇનું વિતરણ કરાયું હતું. અહીં યુવાનોને 1971ના યુદ્ધના જવાનોની ગાથા અને તેમના બલિદાનની વાતો કહેવામાં આવી હતી. 1971ના યુદ્ધ વખતે તેમના પૂર્વજો અને વયસ્ક નાગરિકોએ જે હિંમત અને સહકાર દાખવ્યા તેની વાતો અને તેમણે કેવી રીતે પોતાના તરફથી સૈન્યને તમામ પ્રશાસનિક અને નૈતિક સહકાર આપીને યુદ્ધમાં લડત આપી હતી તેની વાતો યાદ કરી હતી.

ગાદ્રા શહેર ખાતે, સ્થાનિક લોકો સાથે મુલાકાત ઉપરાંત, આ ટીમે ભારતીય રેલવેના “શહીદ સ્મારક” ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ “સ્મારક” આપણને 1965ના યુદ્ધ દરમિયાન ભારતીય રેલવેના 17 કર્મચારીઓએ વહોરેલી શહીદીની યાદ અપાવે છે જેમણે પાકિસ્તાની એરફોર્સ દ્વારા ભારે બોંબમારો ચાલતો હોવા છતાં, રેલવે ટ્રેકના ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ કર્યું હતું અને તેના કારણે આપણા જવાનોને તમામ જરૂરી માલસામાન સતત પહોંચાડવાનું સુનિશ્ચિત કરી શકાયું હતું. સ્થાનિક લોકોએ દેશભક્તિનો સૂત્રોચ્ચાર કર્યો હતો અને મુનાબાઓ ખાતે રવાના થઇ રહેલી સાઇક્લોથોન ટીમને વિદાય આપી હતી.

ત્યારબાદ, આ ટીમ મુનાબાઓ ખાતે પહોંચી હતી જે ઐતિહાસિક બલિદાનનું સ્થળ છે. મુનાબાઓ આપણી સરહદનું છેલ્લું રેલવે સ્ટેશન છે અને 1971ના યુદ્ધ વખતે શત્રુની હદમાં ઘણે આગળ સુધી વધવા માટેનું તે મુખ્ય બેઝ રહ્યું હતું. મુનાબાઓ ખાતેથી ભારતીય સૈન્ય તમામ અવરોધો વચ્ચે પણ વીજળી વેગે આગળ વધ્યું હતું અને “ઓપરેશન કેક્ટસ લીલી” હેઠળ દુશ્મનના પ્રદેશમાં 60 કિમી આગળ વધીને “પરબત અલી” નામની એક મોટી જગ્યા કબજે કરી હતી. “પરબત અલી” પર કબજો કરવાથી પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ એવા નયાચોર શહેર પર જોખમ ઉભું થયું હતું અને આમ તેમનું મનોબળ તુટ્યું હતું અને આપણા માટે વિજયનો માર્ગ ખુલ્લો થયો હતો.

સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કર્યા પછી અને આપણા શહીદોને યાદ કર્યા બાદ આ ટીમ મ્યાજલાર ખાતે તેમના મુકામ પર જવા રવાના થઇ હતી. આ ટીમે આખા દિવસની સફર પુરી કરીને રાષ્ટ્રભક્તિને સંદેશો ફેલાવ્યો હતો અને જેમના માટે કંઇ જ અશક્ય નથી તેવા ભારતીય સૈન્યનો જુસ્સો બતાવ્યો હતો.



(Release ID: 1677293) Visitor Counter : 114