સંરક્ષણ મંત્રાલય
કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત સ્વર્ણિમ વિજય વર્ષ 1971ની સાઇક્લોથોન ચોથા ચરણમાં પહોંચી
Posted On:
29 NOV 2020 5:45PM by PIB Ahmedabad
16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સૈન્ય દ્વારા બાંગ્લાદેશની મુક્તિ એ ઇતિહાસના પાનાઓમાં સોનેરી અક્ષરે લખાયેલો દિવસ છે. આ ઐતિહાસિક ઘટનાની સુવર્ણ જયંતિની ઉજવણી કરવા માટે યોજવામાં આવેલી સાઇક્લોથોનના બકસરથી જલીપા સુધીના ચોથા ચરણનો પ્રારંભ 29 નવેમ્બર 2020ના રોજ 1962, 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લેનારા પીઢ યોદ્ધા માનદ કેપ્ટન હીરસિંહ ભાટી (નિવૃત્ત)એ લીલીઝંડી બતાવીને રેલીને રવાના કરતા સાથે થયો હતો. તેઓ તીથવાલ સેક્ટરમાં હાથ ધરાયેલા ઓપરેશન્સમાં સામેલ હતા. હાલમાં તેઓ નિવૃત્ત જવાનો માટેના સંગઠન થાર કે વીરના સંરક્ષક તરીકે સેવા આપી રહ્યાં છે. બોગરા બ્રિગેડના જવાનોએ સાઇકલો પર સવાર થઇને બારમેર જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી 220 કિમીનું અંતર કાપ્યું હતું. આ ટીમ એવા વિસ્તારોમાંથી પસાર થઇ હતી જ્યાં બારમેર સેક્ટરમાં 1971ના યુદ્ધ દરમિયાન દાલી, ખિન્સાર, ચાચરો અને ગાદ્રા રોડના સૈન્ય દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને ચાચરો (10 PARA SF) અને ગાદ્રા રોડ (1 ગરવાલ રાઇફલ્સ) પર તેમનું યુદ્ધ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ દરમિયાન ટીમે 1971ના યુદ્ધ દરમિયાન આપણા શૂરવીર જવાનોના શૌર્ય અને બલિદાનનો સંદેશો ફેલાવ્યો હતો. આ પ્રસંગની ઉજવણી માટે, 1971ના યુદ્ધ દરમિયાન બસંતારના યુદ્ધમાં પોતાની ઉત્તમ ભૂમિકા બદલ મહાવીર ચક્રથી સન્માનિત લેફ્ટેનન્ટ જનરલ હનુતસિંહને શ્રદ્ધાંજલી પાઠવવા માટે અહીં જાસોલ ગામ દ્વારા પુષ્પાંજલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1965ના યુદ્ધમાં પોતાના દળોને સહકાર આપવા માટે મુનાબાઓ ખાતે વિસ્ફોટકોનું પરિવહન કરતી વખતે શહીદ થનારા 17 રેલવે કર્મચારીઓના સન્માનમાં ગાદ્રા રોડ સ્મારક ખાતે પણ પુષ્પ માળાઓ અર્પણ કરવામાં આવી હતી. વધુમાં, 1971ના યુદ્ધના સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી માટે બારમેર શહીદ સ્મારક ખાતે પણ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. યુદ્ધના પીઢ જવાનો, વીર નારીઓ અને બારમેર તેમજ આસપાસના જિલ્લાના નિવૃત્ત સૈનિકોના સંપર્કના પ્રયાસોના ભાગરૂપે જલીપા મિલિટરી સ્ટેશન ખાતે તબીબી અને સહાયતા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમને જરૂરી તબીબી સહાયતા આપવામાં આવી હતી અને વેટેરન સેલના પ્રતિનિધિઓ, સ્ટેશન હેડક્વાર્ટર્સ જલીપા અને જિલ્લા સૈનિક બોર્ડ, બારમેર દ્વારા તેમની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલવામાં આવ્યા હતા. કોવિડની પરિસ્થિતિના કારણે જેઓ શિબિર સુધી નહોતા આવી શક્યા તેમને ટેલિફોન કૉલ કરીને તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમો આપણા દેશનું ગૌરવ જાળવવા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા બહાદુર જવાનોને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે અને લાંબાગાળે સ્થાનિક યુવાનોને ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
(Release ID: 1676999)
Visitor Counter : 125