સંસદીય બાબતોનું મંત્રાલય

ભારતીય બંધારણની પવિત્રતા, શક્તિ અને તેમાં સમાવિષ્ટ બાબતોને લઇને બંધારણ દિવસની ઉજવણી સંદર્ભે વેબીનાર યોજાયો


ભારતીય બંધારણની પવિત્રતા, શક્તિ અને તેમાં સમાવિષ્ટ બાબતોને લઇને બંધારણ દિવસની ઉજવણી સંદર્ભે વેબીનાર યોજાયો

Posted On: 25 NOV 2020 6:20PM by PIB Ahmedabad

દેશના છેવાડાનો માણસ પણ તેના હક્કથી વંચિત ન રહી જાય તેનો ખ્યાલ રાખતું ભારતીય બંધારણ દેશના તમામ નાગરિકોના હિતોનું રક્ષણ કરે છે. ત્યારે રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજોને પાળવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. બંધારણ દિવસની ઉજવણી સંદર્ભે આયોજીત વેબીનારને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલે આ વાત કહી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે સાંપ્રત સમયમાં દેશના પ્રત્યેક નાગરિકે બંધારણે તેને આપેલા અધિકારો ભોગવવાની સાથે-સાથે દેશ પ્રત્યેની તેની ફરજો પ્રત્યે વધુ સભાન થવાની જરૂર છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માસ્ક પહેરવો અને વારંવાર હાથ ધોવા તેમજ સામાજિક અંતર જાળવવું એ આપણી ફરજ છે. જેનું પાલન કરીને પણ આપણે આપણા દેશ અને દેશના બંધારણ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરી શકીયે છીએ.  

       ભારતીય બંધારણ પ્રત્યેની આસ્થામાં વધારો થાય અને તેના મૂલ્યો જન-જન સુધી પહોંચે તે માટે 26 નવેમ્બરે ભારતીય બંધારણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. જેની પૂર્વ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો-અમદાવાદ,ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ અને પાલનપુર દ્વારા 'ભારતીય બંધારણઃ નાગરિકોના હક્ક અને કર્તવ્ય' વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, મોડાસા પ્રાંત અધિકારી શ્રી મયંક પટેલ, ગુજરાત યુનિવર્સિટી સ્કુલ ઓફ લો- અમદાવાદના ડીરેક્ટર શ્રી કૌશિક રાવલ તેમજ ફુલછાબ દૈનિક, રાજકોટના એડીટર શ્રી કૌશિક મહેતા વેબીનારમાં મુખ્ય વકતા સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં.

     બંધારણમાં લખાયેલા અક્ષરોને જીવંત કરવા એ આપણા સૌનું એટલે કે દેશના પ્રત્યેક નાગરિકનું કામ છે તેમ જણાવતાં સ્કુલ ઓફ લો- અમદાવાદના ડીરેક્ટર શ્રી કૌશિક રાવલે હક્ક અને ફરજને એક સિક્કાની બે બાજુ ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે એક વ્યક્તિના અધિકારોનું પોષણ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે બીજો વ્યક્તિ પોતાની ફરજ અદા કરે છે. જેમ કે 6થી 14 વર્ષના બાળકને બંધારણે શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો છે પરંતુ તે માટે તેના માતા-પિતાએ તેને શિક્ષણ આપવાની પોતાની ફરજ પણ અદા કરવી જરૂરી બને છે.

       બંધારણે આપણને આપેલા હક્ક વિશે તો સૌ કોઇ જાગૃત છે પરંતુ આપણી ફરજો કઇ કઇ છે અને તેનું પાલન કેવી રીતે કરવું તેના વિશે વધુ જાગૃત થવાની જરુર છે તેવું કહેતાં વરિષ્ઠ પત્રકાર શ્રી કૌશિક મહેતાએ બંધારણને જાણવા અને સમજવા માટે બંધારણ દિવસની માત્ર એક દિવસ પૂરતી ઉજવણી ન રાખતા બંધારણની ચર્ચા વારંવાર થવી આવશ્યક ગણાવી હતી. વધુમાં તેમણે બંધારણમાં રહેલ કેટલીક અસ્પષ્ટ બાબતો પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું તેમજ અત્યાર સુધીમાં બંધારણમાં થયેલ 100થી વધુ સુધારાઓને જરુરી ગણાવી એ પ્રકારે સતત બંધારણમાં આવશ્યક સુધારાઓ થતા રહે તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

      વેબીનારનું સંચાલન ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. વેબીનારમાં જોડાયેલ લોકોએ વક્તાઓ સાથે સંવાદ કરવાની સાથે અંતમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.



(Release ID: 1675734) Visitor Counter : 173