સંરક્ષણ મંત્રાલય

1971 ભારત – પાકિસ્તાન યુદ્ધમાં વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીની નિમિત્તે કોણાર્ક કોર્પ્સ દ્વારા સાઇકલ રેલીનું આયોજન

Posted On: 24 NOV 2020 6:09PM by PIB Ahmedabad

ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં 1971 કિલોમીટર લાંબી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સશસ્ત્રો દળોના વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 03 ડિસેમ્બર 2020ના રોજ, 1971માં થયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર સૈન્યના વિજયના નિર્ણાયક દિવસના 50મા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે.

ભારતીય સશસ્ત્ર દળો અને અર્ધ લશ્કરી દળોના જવાનોમાં સાહસની ભાવના જગાવવાના ઉદ્દેશથી કોણાર્ક કોર્પ્સના જનરલ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટેનન્ટ જનરલ અનિલ પુરી, સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા આ સાઇકલ રેલીની પરિકલ્પના કરવામાં આવી છે. આ સાઇકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક- સેનિટાઇઝેશન (SMS) રહેશે. આ રેલી મારફતે ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાનિ પામનારા તેમજ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભો, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને તેમને કોઇપણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં આવશે. 1948, 1965 અને 1971ના યુદ્ધના જવાનો અને વીર નારીઓને 10 દિવસની આ રેલી દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

આ સાઇકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામા આવશે જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાઇકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલી લખપત નજીકથી 26 નવેમ્બર 2020ના રોજ શરૂ થશે અને 06 ડિસેમ્બર 2020ના રોજ લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે.

1971ના યુદ્ધના જવાન 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહ જ્હાલા આ રેલીને સવારે 0700 કલાકે લખપત પોસ્ટ વિસ્તારમાંથી લીલીઝંડી બતાવી રવાના કરશે. 26 નવેમ્બર 2020ના રોજ 1000 કલાકથી ભૂજ સ્ટેશનમાં પશ્ચિમ દ્વાર પર તબીબી શિબિરનું આયોજન કરવામાં આવશે. પ્રથમ લેગ ટીમનું 1830 કલાકે ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવશે.



(Release ID: 1675361) Visitor Counter : 144