ગ્રામીણ વિકાસ મંત્રાલય

ગ્રામીણ વિકાસ મંત્રાલયની અનોખી પહેલ, સ્વરોજગારની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવતી સંસ્થા રૂડસેટ

Posted On: 28 OCT 2020 3:31PM by PIB Ahmedabad

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને બેંકોના સહયોગ દ્વારા ગ્રામીણ વિકાસ અને સ્વરોજગાર તાલીમ સંસ્થા (RUDSET - રૂડ સેટ)ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા પદ્મવિભૂષણ ડૉ. ડી વિરેન્દ્ર હેગડેના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના ધર્મસ્થળ મંજુનાથેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ કાર્યરત છે. રૂડસેટ સંસ્થા નિ:શુલ્ક તાલીમઆહાર તથા રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. રૂડસેટ સંસ્થાનું જમા પાસું તેની વ્યવહારુ, કાર્યક્ષમ અને કઠોર તાલીમ છે. રૂડસેટ સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગાર ખાસ કરીને ગ્રામ્ય કક્ષાના 18 થી 45 વર્ષની વયના યુવાનોને શોધી, તેમને તાલીમ લેવા પ્રોત્સાહિત કરી, તાલીમ પૂરી પાડી અને ત્યારબાદ સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો છે.  

ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં રૂડસેટ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થામાં 1થી 6 અઠવાડિયામાં તાલીમાર્થીઓને વિવિધ વિષયો જેમ કે ટેલરિંગ, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ, એસી અને ફ્રીઝ રીપેરીંગ, કોમ્પુટર- ડીટીપી, ઇલેક્ટ્રિશિયન, વિડીયોગ્રાફી, પશુપાલન, જીએસટી સહાયક, બીમા સખી, બેકરી પ્રોડક્ટ અને ફૂડ પ્રોસેસિંગ, હાર્ડવેર તથા નેટવર્કિંગ જેવા વિવિધ કાર્યક્રમોમાં ટૂંકા ગાળાની ઘનિષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ તાલીમ ખાસ કરીને ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નેશનલ રૂરલ લાઈવ્લીહૂડ મિશન (એનઆરએલમ), પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઇજીપી) અંતર્ગત એક વર્ષમાં 777 બેરોજગાર વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી હતી.

રૂડસેટ માત્ર તાલીમ જ નહીં પરંતુ તેની સાથે આગામી બે વર્ષ દરમિયાન રોજગાર પ્રાપ્ત થાય ત્યાં સુધી સંસ્થા દ્વારા સતત માર્ગદર્શન, બેંક દ્વારા લોન માટેની કાર્યવાહી, માર્કેટિંગ માટે મદદ સાથેના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવે છે. તાલીમાર્થીઓને સંસ્થામાં જ રહીને તાલીમ લેવાની હોય છે. આ તાલીમ દરમિયાન તમામ તાલીમાર્થીઓ ને જે-તે વિષયની પ્રેક્ટીકલ તથા વ્યવહારુ તાલીમ ઉપરાંત વ્યક્તિ વિકાસને લગતા અન્ય વિષયો જેમ કે લક્ષ નિર્ધાર, દ્રષ્ટિકોણ, સમયનું સંચાલન, સફળ સંદેશા વ્યવહાર, સમસ્યાઓનું સમાધાન, ક્વોલિટી મેનેજમેન્ટ, ભાવ નિર્ધારણ, બેંકની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આમ તાલીમાર્થી આત્મનિર્ભર બને ત્યાં સુધી તમામ મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં ઉપરોક્ત તમામ વિષયોમાં થઈ 777 ભાઈ-બહેનોએ તાલીમ લીધી છે. અને 242 ભાઈ-બહેનોને બેન્કમાંથી ધંધા રોજગાર માટે લોન પણ મેળવી છે. ગુજરાત રાજ્યમા 29 જિલ્લાઓમાં આવા આરસેટી (RSETI) નામ હેઠળ વિવિધ તાલીમ કેન્દ્રો ચાલે છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યભરમાંથી 20,700 ભાઇ-બહેન એ ઉપરોક્ત તમામ વિષયની તાલીમ લઇ તેમાંથી 9210 તાલીમાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી આત્મનિર્ભર બનવા માટે લોન મળે તેવી મદદ પણ કરવામાં આવી છે.

રુડ સેટ ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર શ્રી અરવિંદ મોથલીયાએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે આ સંસ્થા શિક્ષિત બેરોજગાર યુવાનોને વ્યવસાયલક્ષી ટૂંકાગાળાની અસરકારક અને વ્યવહારુ તાલીમ આપે છે. આ તાલીમ પ્રાપ્ત કર્યા બાદ યુવાનો પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બને છે. તાલીમ આપ્યા પછી પણ 2 વર્ષ સુધી વ્યવસાય શરુ કરવા અંગે માર્ગદર્શનની સાથે નાણાકીય સહાય તેમજ લોન લેવામાં સહાય પણ કરવામાં આવે છે. આ એક એવી સંસ્થા છે જે ટૂંકા ગાળામાં યુવાઓને તાલીમ આપીને યુવાનોના આત્મવિશ્વાસસ્વકૌશલ્યમાં વધારો કરે છે.

શ્રી અરવિંદ મોથલીયા

આ પ્રકારની તાલીમ લઇને તાલીમાર્થી ભાઈ-બહેનો ભારત સરકારનો અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે. જેમણે આવા કૌશલ વિકાસના તાલીમ કેન્દ્રોને પ્રોત્સાહન આપી બેરોજગાર ભાઈઓ તથા બહેનોને સ્વરોજગાર તરફ દોર્યા અને તેમને આત્મનિર્ભર બનાવ્યા સાથે-સાથે સંસ્થાના સંચાલકો પણ ભારત સરકાર દ્વારા આયોજનમાં મુકાયેલી વિવિધ પરિયોજનાઓ માટે પ્રધાનમંત્રી શ્રી તેમજ સરકારનો આભાર માને છે. ખેડા જિલ્લના નડિયાદના તાલીમાર્થી મૃણાલીબહેન પટેલે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે અહીં અમને સ્વરોજગારીની તાલીમ આપવામાં આવે છે, લોન માટેની એપ્લીકેશનમાં પણ મદદ કરવામાં આવે છે અમને આ તાલીમ મળી તે બદલ હું કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી શ્રીનો આભાર માનુ છું.

શ્રીમતી મૃણાલીબહેન પટેલ

નડિયાદ તાલુકાના મુરાડીના તાલીમાર્થી પિંકલ રબારીએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે મારો પોતાનો સ્વરોજગાર કેવી રીતે ઉભો કરવો તે અંગેની માહિતી મે અહીંથી મેળવી છે. આ સંસ્થામાં મેળવેલ તાલીમથી આત્મનિર્ભર બનવા માટે મારામાં આત્મવિશ્વાસ આવ્યો છે. હું સરકારની અને પ્રધાનમંત્રીની આભારી છું.

શ્રીમતી પિંકલ રબારી

રોજગારની તાલીમ માત્ર બેરોજગારી દુર નથી કરતી પરતું તાલીમ બાદ કામ મેળવવા દિશા સૂચન અને કામ કરવા માટેના અનેક પીઠબળ જેવા કે લોન, સહાય, કાર્ય કરવાની ધગશને અંકુરિત અને ફલિત કરવાનું ઉત્તમ, ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ કાર્ય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત આ અનોખી સંસ્થા કરી રહી છે.

 

SD/BT



(Release ID: 1668117) Visitor Counter : 509