માહિતી અને પ્રસારણ મંત્રાલય

સરદાર પટેલ સાચા અર્થમાં નવીન ભારતના નિર્માતા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી હતા.- ડૉ. ધીરજ કાકડિયા


સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓનુ વિલીનીકરણ કર્યું હતું

Posted On: 26 OCT 2020 8:19PM by PIB Ahmedabad

ઉત્તમ નિર્ણય શક્તિ અને મજબૂત મનોબળ ધરાવતા એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલ મતભેદોને વેગળા રાખીને સમાનતાની ભાવના પૂરી પાડે છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બી.ના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયા એ “રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલ” વિષય પર યોજાયેલ વેબિનારમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલને તેમના સાહસિક કાર્યો અને દ્રઢ ઈરાદાઓને કારણે લોહપુરુષ તથા સરદારના ઉપનામથી ઓળખવામાં આવે છે. સરદાર પટેલ માત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે જ નહિ, પરંતુ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું હતું. તેમજ 562 રજવાડાઓનું ભારત દેશમાં વિલીનીકરણ કરી નવીન અને અખંડ ભારતના નિર્માતા રહ્યા છે.

સરદાર પટેલની મુખ્ય લાક્ષણિકતા એ હતી કે, તેઓ આંખોથી સામે વાળી વ્યક્તિનુ મૂલ્યાંકન કરતા હતા, તેઓને શબ્દોની જરૂર નહોતી પડતી. સરદાર પટેલના જીવન ચરિતાર્થ વિશે બોલતા ઇતિહાસકાર શ્રી રીઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ બીજાની વાત સાંભળ્યા પછી જ પોતાની વાત રજુ કરતા હતા. તેઓ સ્વયં શિસ્તનુ પાલન કરતા પછી જ અન્યને નિયમ પાળવાનુ કહેતા હતા. તેઓએ ક્યારેય સત્તાની લાલચ રાખી નહોતી. નાના-નાના રજવાડાઓને એકીકૃત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. યુવાનોને એક મહત્વૂર્ણ શીખ આપતા તેમણે જણાવ્યું હતું કે, મન, તન અને ધનની પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સરદાર સાહેબ. ભારત અખંડ તો છે જ પરંતુ ભારતની અખંડતા મજબૂત બને અને દેશ શ્રેષ્ઠ બને તે માટે તેમણે યુવાનોના સહકારની આવશ્યકતા હોવાનુ પણ જણાવ્યું હતું.

પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરોના ઈન્ચાર્જ ડાયરેક્ટર સરિતા દલાલે જણાવ્યું હતું કે, સરદાર પટેલે સામ, દામ અને દંડથી રજવાડા એકઠા કરવાનું કામ કર્યું હતું. તેમના અખંડ ભારતના વિચારો અને તેના માટે બલિદાન આપવાનો ગુણ અદ્દભૂત હતો. સાદુ જીવન, અનેક વખત જેલવાસ તેમજ ગાંધીજીના અનુયાયી તરીકે તેમણે તેમનું જીવન વ્યતીત કર્યું હતું. તેમણે અખંડ ભારત મજબૂત કેવી રીતે બની રહે અને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે યુવા પેઢીની શું ભૂમિકા હોય શકે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

વરિષ્ઠ પત્રકાર અને જાણીતા લેખક શ્રી મણિભાઈ પટેલે કહ્યું હતું કે, સરદાર પટેલ સેવકની જેમ કામ કરતા અને સત્યાગ્રહી, સિપાહી, સેનાપતિ તરીકેની તેમની ભૂમિકા અદ્દભૂત હતી. ખેડૂતોના હિત માટે તેઓ સતત કાર્યરત રહેતા હતા. દેશના બંધારણના ઘડતરમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. અનેક આંદોલનોમાં તેમની આગેવાની અગ્રેસર રહી હતી.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગરના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશકુમાર સોનીએ વેબિનારમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલની નિર્ણય શક્તિ અને સમજણ શક્તિ એક સત્યાગ્રહી, સેવક અને મુત્સદી રાજનીતિજ્ઞ તરીકે અદ્દભૂત હતી. વિશ્વ સમક્ષ મહાન વ્યક્તિત્વ ધરાવતા એક ઉત્તમ યુગ પુરુષ તરીકે તેમની છબી આપણી સમક્ષ ઊભરી આવે છે. જીવનમાં કરેલા કાર્યો, ત્યાગ અને રાષ્ટ્ર ભાવના સરદારનાં રગે-રગમાં હતી. દરેક યુવાન સરદારના ગુણો પોતાના જીવનમાં ઉતારે અને રાષ્ટ્ર ભાવના, એકતા અને અખંડિત ભારત શ્રેષ્ડ ભારત બનાવવા ત્યાગની ભાવના પ્રગટાવે. રાષ્ટ્રનુ નિર્માણ તો છે જ, પરંતુ શ્રેષ્ઠ કરવા માટે આજના યુવાનો સરદારના આદર્શો અને ગુણોને જીવનમાં ચરિતાર્થ કરે તો જ સાચા અર્થમાં તેમનું સ્વપ્ન સાકાર થશે.



(Release ID: 1667664) Visitor Counter : 1505