માહિતી અને પ્રસારણ મંત્રાલય
પ્રધાનમંત્રી આવતીકાલે ટ્વીટ દ્વારા મહા જનઆંદોલનની શરુઆત કરશે
કોવિડ-19 અંગે "સાવચેતી સાથે અનલૉક" આ હેતુ હેઠળ આવતીકાલથી દેશવ્યાપી જનઆંદોલનનો પ્રારંભ થશે
Posted On:
07 OCT 2020 4:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 8 ઓક્ટોબર, 2020ના રોજ ટ્વિટના માધ્યમથી કોવિડ-19 જાગૃતિ અંગે દેશવ્યાપી મહા જનઅંદોલનની શરૂઆત કરશે. આ આંદોલનમાં મુખ્ય ત્રણ સંદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે - માસ્ક પહેરો અને સાચી તથા સરખી રીતે પહેરો, હાથ વારંવાર સાબુથી ધુઓ અને છ ફૂટનું સામાજિક અંતર જાળવીને તમામ કાર્યો કરો.

પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કોવિડ-19 સામે આવતીકાલથી મહા જનઆંદોલન શરૂ કરશે. તમામ સરકારી કચેરીઓમાં ત્રણ સંદેશ ઉપર બેનર લગાવવામાં આવશે. તમામ સરકારી કર્મચારીઓને કોવિડ અંગે રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરાયેલી એક સમાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. રાજ્યમાંની કેન્દ્ર સરકારની કચેરીઓ પણ રાજ્ય સરકારની કચેરીઓ સાથે ખભેખભા મિલાવી વિશેષ તકેદારી માટેના આ અભિયાનમાં જોતરાઈ જશે.
મહા જનઆંદોલનમાં લોકોની ભૂમિકા મુખ્ય હશે. મુખ્ય તહેવાર નવરાત્રી, દુર્ગાપૂજા, દિવાળી અને અન્ય ઉત્સવોને ધ્યાનમાં લઇને આવતા 2 મહિના સુધી બજારોમાં ભીડ વધવાની ભીતિ સેવાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને આ જનઆંદોલનનો પ્રારંભ કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા સાવચેતી માટે તેમજ અર્થતંત્રને ફરી ધમધમતું કરવાની પ્રક્રિયા માટે સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે આવનાર તહેવારો દરમિયાન કોરોનાનો ફેલાવો રોકવા માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આ ઉપરાંત, વધુ સાવચેતીના ભાગ રૂપે મુખ્ય જાહેર સ્થળો જેવા કે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બજાર, મોલ વગેરે સ્થાનોએ કોવિડ જાગૃત્તિના બેનર કે હોર્ડિંગ્સ દ્વારા કોવિડ જાગૃત્તિ અંગેના સંદેશનો પ્રસાર કરવામાં આવશે.

ગુજરાતમાં કેન્દ્ર સરકારના પ્રયાસરૂપે ચાલી રહેલા પાંચ કોવિડ વિજય રથના માધ્યમથી દરરોજ સેંકડો લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. “સાવચેતીને સંગ, જીતીશું જંગ” સૂત્ર સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ભ્રમણ કરી રહેલા આ રથ અને તેના ઉપર સવાર કલાકારો દ્વારા જાગૃતિના સંદેશને લોકો સુધી પહોંચાડી કોરોના મહામારી ઉત્સવના દિવસોમાં ફેલાઈ ન જાય તેની તકેદારીના વિશેષ પગલા લેવાશે. ગુજરાતમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો તેમજ કેન્દ્ર સરકારની અન્ય કચેરીઓએ આ મહા જનઆંદોલનને સફળ બનાવવા તેમજ સામૂહિક લડત દ્વારા અદ્રશ્ય દુશ્મન એવા કોરોનાને પરાસ્ત કરવા કમર કસી લીધી છે.
DK/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(Release ID: 1662318)
Visitor Counter : 239