નાણા મંત્રાલય

સુગમ્ય રીતે સરળ પધ્ધતિથી કર વસુલવા આમૂલ પરિવર્તનો સાથે આવકવેરા વિભાગ સજ્જ : શ્રી અમિત જૈન


માનવસંપર્ક રહિત નવી પ્રણાલીમાં કરદાતાને ડિજિટલી શિક્ષિત કરવાની આવશ્યકતા છે : ડૉ. ધીરજ કાકડિયા

Posted On: 06 OCT 2020 5:36PM by PIB Ahmedabad

ગુજરાત ઇન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર શ્રી અમિત જૈને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને આયકર વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યોજાયેલ વેબિનારમાં બોલતા જણાવ્યું હતું કે કર પ્રણાલીમાં પારદર્શકતા લાવવા ભારત સરકારના નિર્દેશ અનુસાર આમૂલ પરિવર્તન કરાઈ રહ્યા છે. તારીખ 13 ઓગસ્ટ, 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારદર્શક પ્રણાલી સુનિશ્વિત કરવા ફેસલેસ એસેસમેન્ટ એટલે કે માનવ સંપર્ક રહિત આકારણીનો આરંભ કરાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ નવી અમલી બનેલી માનવસંપર્ક રહિત પ્રણાલી કરદાતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. આવક વેરા અધિકારીઓની જગ્યાએ હવે આકારણી, સર્વે અને અપીલની કામગીરી કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોનિક પધ્ધતિથી કરવામાં આવશે.  

માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બી તેમજ આર.ઓ.બીના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ કહ્યું કે, માનવસંપર્ક રહિત આવકવેરા કર પ્રણાલીમાં જે ઉદેશો સમાયેલા છે તેમાં મુખ્યત્વે ડિજિટલ ડ્રાઈવ, ઈઝ ઓફ લીવીંગ અને ભ્રષ્ટાચાર નિર્મૂલન મુખ્ય છે. નવી પ્રણાલીમાં કરદાતાને ડિજીટલી શિક્ષિત કરવાની આવશ્યકતા પર ભાર આપતા ડૉ. કાકડિયાએ ઉમેર્યું કે, માત્ર આવકવેરા વિભાગની જ નહીં, પરંતુ તમામ ઇન્કમટેક્સ પ્રોફેશનલની એ જવાબદારી છે કે કોમ્પ્યુટર ડ્રીવન આ સિસ્ટમથી દૂર સુદુરના વિસ્તારોમાં રહેતા કરદાતાઓ મુશ્કેલી વગર કર જમા કરાવી શકે તેમજ કોઈના દ્વારા પ્રામાણિક કરદાતાઓની કનડગત ન થાય તેનું ધ્યાન રાખવું. આવકવેરા કચેરીના ધક્કા બંધ થાય અને રાષ્ટ્રનિર્માણમાં લોકોનું યોગદાન વધે તે વિચાર પણ નવી પ્રણાલીમાં કેન્દ્ર સ્થાને છે એમ અપર મહાનિદેશક શ્રી એ જણાવ્યું હતું.

વેબિનારમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અને ગાંધીનગર વગેરે જિલ્લાઓમાંથી અગ્રણી વેપાર પ્રતિનિધિઓ, ચાર્ટડ અકાઉન્ટન્ટ, ઇન્કમટેક્સ એડવોકેટ વગેરેએ લાભ લઈ માનવસંપર્ક રહિત પ્રણાલીને આવકારી હતી. આ નિષ્ણાતોએ આવકવેરા વિભાગને સૂચારુ વ્યવસ્થાપન અર્થે કેટલાક સૂચનો પણ કર્યા હતા. મોટી સંખ્યામાં કરદાતાઓએ ઓનલાઈન ભાગીદારી કરી વેબિનારમાં પ્રશ્નોતરીના માધ્યમથી જાણકારી મેળવી હતી. તમામનો સામાન્ય સૂર હતો કે આવનારા ટૂંક સમયમાં નવી આવકવેરા પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે ખૂબ લોક ચાહના પ્રાપ્ત કરશે.  

 



(Release ID: 1662062) Visitor Counter : 171