કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વમાં દેશના કરોડો ખેડૂતોને સુખી, સંપન્ન, સમૃદ્ધ, આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે ઐતિહાસિક કૃષિ સુધારાઓને કાયદાનું સ્વરુપ મળતા ખેડૂતોને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે -શ્રીમતી સ્મૃતિ ઇરાની
નવા કૃષિ કાયદાઓના અમલથી દેશનો ખેડૂત કોઈપણ કંપની, વેપારી કે સંગઠનને કે જ્યાં તેને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય ત્યાં પોતાની પેદાશ વેચવા માટે સ્વતંત્ર બન્યો છે -શ્રીમતી સ્મૃતિ ઇરાની
નવા કૃષિ કાયદાઓના અમલ બાદ ખેડૂતોને ખરા અર્થમાં આઝાદી અપાવવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે -શ્રીમતી સ્મૃતિ ઇરાની
વર્ષોથી ખેડૂતોનું શોષણ થતું આવ્યું છે, ખેડૂતોના શોષણને અટકાવવા અને તેમને પ્રગતિના પંથે અગ્રેસર કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે -શ્રી સી.આર.પાટીલ
Posted On:
05 OCT 2020 8:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતહિતના કરાયેલા સુધારાઓ અંગે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના કરોડો ખેડૂતોને સુખી, સંપન્ન, સમૃદ્ધ, આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે ઐતિહાસિક કૃષિ સુધારાઓને સંસદના ગત સત્રમાં પસાર કરી કાયદાનું સ્વરુપ આપવામાં આવ્યું, જેનાથી દેશના ખેડૂતોને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. પરંતુ દુર્ભાગ્ય છે કે, ખેડૂતોને સશક્ત બનાવવા લેવાયેલા આ ક્રાંતિકારી નિર્ણયોનો કેટલાક લોકો ફક્ત અને ફક્ત પોતાના રાજકીય સ્વાર્થ માટે આ બાબતે ભ્રમિત કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિંદનીય બાબત છે કે, જ્યારે દેશના પ્રત્યેક ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે પણ આ ઐતિહાસિક નિર્ણયો અંગે દુષ્પ્રચાર થઈ રહ્યો છે તે અંત્યત દુઃખદ અને ખેદજનક બાબત છે.
મંત્રીશ્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશનો ખેડૂત પોતાની પેદાશને પોતાની સ્થાનિક એપીએમસીની વ્યવસ્થામાં વેચવા માટે મજબૂર હતો, આ નવા કૃષિ કાયદાઓના અમલથી દેશનો ખેડૂત કોઈપણ કંપની, વેપારી કે સંગઠનને કે જ્યાં તેને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય ત્યાં પોતાની પેદાશ વેચવા માટે સ્વતંત્ર બન્યો છે, દેશના કરોડો ખેડૂતો વચેટીયાઓથી મુક્ત થવા જઈ રહ્યા છે.
આ નવા કૃષિ કાયદામાં વેપારીઓ દ્વારા ખેડૂતોને પોતાની પેદાશનું પેમેન્ટ 3 દિવસમાં ચૂકતે કરવાની જોગવાઈ કરવામાં આવી છે, ખેડૂતોને સમયસર અને ઝડપી પેમેન્ટ મળે તે પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુદ્રઢ બનાવી ખેડૂતોને સમૃદ્ધ કરવા અનિવાર્ય છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 6 વર્ષથી ખેડૂતહિતના પરિણામલક્ષી નિર્ણયો કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જ્યારે જન ધન યોજના થકી બેંકમાં ખાતું ખોલવા દેશની જનતાને આહવાન કર્યું ત્યારે પણ વિરોધ થયો હતો પરંતુ જનધન યોજનાના ફળસ્વરૂપે જ આજે દેશના કરોડો લાભાર્થીઓ બેન્ક વ્યવસ્થા સાથે જોડાયા અને સરકારની વિવિધ સહાય સીધી બેન્ક ખાતામાં મળી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 93000 કારોડ રૂપિયા દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિ સ્વરૂપે સીધા તેમના ખાતામાં આપવામાં આવ્યા છે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા 1 લાખ કરોડ રૂપિયા, મત્સ્યઉદ્યોગ માટે 20 હજાર કરોડ તેમજ પશુઉછેર અને રસીકરણ માટે 13,500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
૨૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સાંભળ્યું ત્યારે તેમણે સપનું સેવ્યું હતું કે, દેશમાં કૃષિક્ષેત્રે ક્રાંતિ આવે, ઉત્તમ કક્ષાનું અને વૈશ્વિક ગુણવતાનું કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ ઉપલબ્ધ થાય, અદ્યતન ટેક્નોલોજીનો ખેડૂતોને મહત્તમ લાભ મળે અને ખેડૂતો સુખી, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનીને દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન પૂરું પાડે, આ તમામ બાબતોને લક્ષમાં રાખીને દેશના પ્રત્યેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ, દેશના 11 કરોડ 90 લાખ જેટલા સોઈલ હેલ્થ કાર્ડ તથા તાજેતરમાં ઘડાયેલા કૃષિ સુધાર કાયદાઓ જેવા નિર્ણયો લઈને ટ્રાન્સફોર્મ, પર્ફોર્મ અને રીફોર્મના સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો છે.
નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધાર કાયદાઓ અંગે માહિતી આપવા માટે દેશભરમાં કેન્દ્રીય મંત્રીશ્રીઓ અલગ અલગ સ્થાનોએ જઈ થઇ રહેલા ભ્રામક પ્રચારને ખાળવા તથા દેશના નાગરિકો આ કાયદાની વાસ્તવિક્તાથી માહિતગાર કરી રહ્યા છે. વર્ષોથી ખેડૂતોનું શોષણ થતું આવ્યું છે, ખેડૂતોના શોષણને અટકાવવા અને તેમને પ્રગતિના પંથે અગ્રેસર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવેલા નિર્ણયો નકારાત્મકતા ફેલાવી દેશના ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, પરંતુ ખેડૂતો સુપેરે જાણે છે કે તેમનું હિત શેમાં છે. સ્વામીનાથન આયોગના સૂચનો તેમજ અન્ય જોગવાઈઓ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા આ નવા કૃષિ કાયદાથી આગામી સમયમાં ખેડૂતોને ચોક્કસપણે લાભ થશે.
(Release ID: 1661846)
Visitor Counter : 169