સંરક્ષણ મંત્રાલય

રાજ્ય શિક્ષણ વિભાગ ગુજરાત NCCને ફ્લાઇટ સિમ્યુલેટર્સ મેળવવામાં મદદ કરે છે

Posted On: 01 OCT 2020 5:13PM by PIB Ahmedabad

NCC નિદેશાલય, ગુજરાત, દાદાર અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા નિદેશક મેજર જનરલ રોય જોસેફે 01 ઓક્ટોબર 2020ના રોજ અમદાવાદમાં નં. 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન ખાતે ફર્સ્ટ જનરેશન એર માઇક્રોલાઇટ ફ્લાઇટ સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત નિદેશાલયમાં પ્રથમ વખત, અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફ્લાઇટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણ વિભાગના સતત સહકારના કારણે શક્ય બન્યું છે. NCC નિદેશાલય ગુજરાત દ્વારા બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું પરિચાલન કરવામાં આવે છે જે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના એર યુનિટ્સ હેઠળ સ્થિત છે. બે ફ્લાઇટ સિમ્યુલેટરમાંથી નં. 1 ગુજરાત એર સ્કવૉડ્રન, વડોદરા (Virus) ખાતે એક અને નં. 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન, અમદાવાદ (Zen Air) ખાતે એકનું પરિચાલન શરૂ થઇ ગયું છે. સિમ્યુલેટર ઉમેરવામાં આવ્યા તે માત્ર નિદેશાલય નહીં પરંતુ કેડેટ્સ માટે પણ ઘણી મોટી સિદ્ધિ છે. આનાથી કેડેટ્સને અત્યંત લાભ થશે કારણ કે ફ્લાઇટ સિમ્યુલેટર ગ્રાઉન્ડ સ્તરે સલામતી સાથે વધુ અનુભવી પાઇલટ્સને ઇમરજન્સી પ્રક્રિયાઓ અથવા અસામાન્ય પરિસ્થિતિ માટે પ્રેક્ટિસ કરવામાં મદદરૂપ થઇ શકે છે અને શરૂઆત કરનારાઓ માટે તે આશીર્વાદ સમાન છે. ફ્લાઇટ સિમ્યુલેટરની ડિઝાઇન અને કંટ્રોલ્સ વાસ્તવિક માઇક્રોલાઇટ્સની અદ્દલ સમાન છે, તેમજ તમામ ઇમરજન્સી અને હવામાન સંબંધિત પરિસ્થિતિઓનું પણ સિમ્યુલેશન થઇ શકે છે. એર કેડેટ્સને તાલીમ આપવામાં ફ્લાઇટ સિમ્યુલેટર્સથી ખૂબ લાંબાગાળાનો ફાયદો થશે. આનાથી ઉડ્ડયન ક્ષેત્રે તેમને પોતાની ક્ષિતિજોનું વિસ્તરણ કરવામાં મદદ મળવાની સાથે સાથે, નાગરિક અને સશસ્ત્ર દળો એમ બંને પ્રકારના ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પણ મદદરૂપ થશે. ગુજરાત નિદેશાલય સતત પોતાના કેડેટ્સને તાલીમ આપવા માટે નવા માધ્યમો પૂરા પાડવા તત્પર રહે છે અને આયોજન કરે છે.



(Release ID: 1660677) Visitor Counter : 125