ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરના 20 ગામડાંના 200 પ્રશિક્ષિત પરિવારોના કુંભારોને વીજળીથી ચાલતા ચાકડાનું વિતરણ કર્યું


સમાજના ગરીબ અને વંચિત વર્ગને સશક્ત બનાવીને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા એ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે

વીજળીથી ચાલતા ચાકડાના વિતરણથી અમદાવાદ જિલ્લાના પ્રજાપતિ સમાજના 200 પરિવારોને નવી દિશા મળી રહી છે

કુંભાર સશક્તિકરણ યોજના દેશની પરંપરાગત કળાને પુનર્જીવિત કરવાની દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક અભૂતપૂર્વ પહેલ છે

ખાદી અને ગ્રામોદ્યોગ પંચે કુંભાર ભાઇઓ – બહેનોને પ્રશિક્ષિત કરીને અન્ય ઉપકરણોનું પણ વિતરણ કર્યું છે જેનાથી તેમનું કામ સરળ થશે અને સમયની બચત થશે તેમજ તેમના ઉત્પાદન અને આવકમાં પણ વધારો થશે

Posted On: 30 SEP 2020 8:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના 20 ગામડાંમાં 200 પ્રશિક્ષિત પરિવારોના કુંભારોને વીજળીથી ચાલતા ચાકડાનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સમાજના ગરીબ અને વંચિત વર્ગને સશક્ત કરીને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા એ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ કહ્યું હતું કે, ગરીબોના ઘરમાં દીવા પ્રગટાવવા અને તેમને રોજગારી આપવાથી મોટું બીજું કોઇ જ કામ નથી. વીજળીથી ચાલતા ચાકડાના વિતરણથી અમદાવાદ જિલ્લાના પ્રજાપતિ સમાજના 200 પરિવારોને નવી દિશા મળી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કુંભાર સશક્તિકરણ યોજના દેશની પરંપરાગત કળાને પુનર્જીવિત કરવાની દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક મહત્વપૂર્ણ પહેલ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે કુંભાર ભાઇઓ- બહેનોને તાલીમ આપીને અન્ય ઉપકરણોનું પણ વિતરણ કર્યું છે જેનાથી તેમનું કામ સરળ થઈ જશે અને સમયની બચત થવાની સાથે-સાથે તેમના ઉત્પાદન તેમજ આવકમાં પણ વૃદ્ધિ થશે.

Image

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો વિશેષ આગ્રહ કર્યો છે. આજે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી રહી છે, ઘરોમાં માટીના વાસણોનો ઉપયોગ કરવાનું ચલણ પણ વધી રહ્યું છે. લોકો રોટલી બનાવવા માટે લોખંડના બદલે માટીની તાવડીનો ઉપયોગ કરવા લાગ્યા છે. લોકોએ ફ્રીજનું પાણી પીવાના બદલે હવે માટલાનું પાણી પીવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન અને બીજી જગ્યાઓ પર પ્લાસ્ટિકની ચીજોનો ઉપયોગ બંધ કરીને કુલડી અને માટીના દીવા જેવી વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી રોજગારીને પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે. થોડા દિવસોમાં જ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને તે પછી શરદ પૂનમ તેમજ દિવાળીના તહેવાર આવશે જેથી દીવા અને માટીની અન્ય ચીજવસ્તુઓની ખપતમાં વધારો થશે.

Image

શ્રી અમિત શાહે ખાદી અને ગ્રામોદ્યોગ પંચને રેલવે સાથે પ્રજાપતિ સમાજનું જોડાણ કરવાની અપીલ કરી હતી જેથી તેઓ એક સંસ્થા બનાવીને રેલવેને પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સહકારી મોડેલ મજબૂત છે. તાલુકા સ્તરની સહકારી સંસ્થા પ્રજાપતિ સમાજની કુલડીઓ ખરીદે જેથી સામાન વેચવા માટે ક્યાંય બહાર જવાની જરૂરિયાત ઉભી થશે જ નહીં.

આ અગાઉ, શ્રી અમિત શાહે 24 જુલાઈના રોજ ગાંધીનગર જિલ્લા ઉપરાંત ગામડાંના 40 કુંભાર પરિવારોમાં વીજળીથી ચાલતા ચાકડાનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના 840 કુંભાર પરિવારોમાં વીજળીથી ચાલતા ચાકડાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી તેમના ગૃહ સ્થાન પર જ રોજગારી ઉપલબ્ધ થઇ શકી છે.

Image

ગાંધીનગર અને અમદાવાદમાં ઘણી મોટી સંખ્યામાં કુંભાર પરિવારો વસવાટ કરે છે જેઓ તેના પરંપરાગત ચાકડા પર માટીના વાસણો, દીવા અને કુંડા વગેરે બનાવીને તેને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ વેચે છે. આવા પ્રશિક્ષિત પરિવારોને વીજળીથી ચાલતા ચાકડા આપવાથી તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની સાથે-સાથે તેમની આવક પણ વધશે. કુંભાર સશક્તિકરણ યોજનાના ફળસ્વરૂપે તેમની આવક દર મહિને 2,500 – 3,000 રૂપિયા હતી ત્યાંથી વધીને દર મહિને રૂપિયા 10,000 સુધી પહોંચી ગઇ છે.

Image

ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ પંચની કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને 10 દિવસની તાલીમ પણ આપવામાં આવી રહી છે. સાથે જ, કુંભાર પરિવારોને બ્લંજર મશીનો તેમજ પગ મિલનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી માટીનું મિશ્રણ કરવાનું કામ ખૂબ જ સરળ થઈ જશે અને ઓછા સમયમાં વધુ માટી તૈયાર કરી શકાશે. વીજળીથી ચાલતા ચાકડા પર કુંભાર તેમના ચાકડાની ગતિને નિયંત્રિત પણ કરી શકશે જેથી કામ કરવામાં વધુ સરળતા રહેશે અને ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થશે.

આ યોજનાનો ઉદ્દેશ વીજળીથી ચાલતા ચાકડાના માધ્યમથી કુંભારોની ઉત્પાદન ક્ષમતા વધારવાનો છે જેથી તેમની આવકમાં વધારો થાય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે, કુંભાર સમુદાયને સશક્ત કરીને તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે. કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં વીજળીથી ચાલતા 17000 ચાકડાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી લગભગ 70000 કારીગરોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

SD/GP/BT



(Release ID: 1660451) Visitor Counter : 170


Read this release in: English