મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પોષણ માહમાં પોષણક્ષમ આહારની અનિવાર્યતા અંગે માતાઓ અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા
પોષણ રથ પર વિડિયોના માધ્યમથી બતાવવામાં આવી રહી છે ખાવા પીવાની અનેક રેસિપી
Posted On:
27 SEP 2020 6:15PM by PIB Ahmedabad
પોષણ ક્ષમ આહાર એ વ્યક્તિના વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોષણક્ષમ આહારની અનિવાર્યતા કોઈ પણ ઉંમરે જરૂરી હોય છે. વિશેષમાં જયારે બાલ્યવસ્થામાં પોષણ ક્ષમ આહારનું ઘ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના સર્વાંગી વિકાસમાં કોઈ અડચણ આવતી નથી. એટલે જ દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે ‘પોષણ માહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પોષણ માહ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ દીવની તમામ આંગણવાડીઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કોવિડ-19ને કારણે ઘણા લોકોને એકઠા કરવામાં આવ્યા નહોતા. દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટ દ્વારા ગર્ભવતી મહિલાઓને ટી.એચ.આર. આપવામાં આવે છે. આ સાથે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે. પોષણ માહ દરમિયાન મહિલાઓ વચ્ચે અનેક સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે વિસ્તારોમાં કુપોષણને દૂર કરવા માટે વહીવટીતંત્ર ઘણા પ્રયત્નો કરી રહ્યું છે. આંગણવાડીની બહેનો ઘરે-ઘરે જઈને મહિલાઓને કુપોષણ એટલે શું? તેમને અને બાળકોને પૂરતું પોષણ કેમ અનિવાર્ય છે? કુપોષણના લક્ષણો ક્યાં છે? વગેરે વિષે વિગતવાર માર્ગદર્શન આપી રહી છે.
દાદરા નગર હવેલી અને દમણ દીવના સમાજ કલ્યાણ સચિવ પૂજા જૈને જણાવ્યું હતું કે, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને જે માતા સ્તનપાન કરાવતી હોય તેમને વિભાગ તરફથી ઘણા લાભ આપવામાં આવે છે. સ્ત્રી ગર્ભવતી હોય ત્યારથી લઈને બાળકના જન્મ સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે. પોષણ માહ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણમાં પોષણ રથ કાઢવામાં આવ્યો છે, જે વિવિધ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે કાર્યરત છે. આ પોષણ રથ પર બાળક કુપોષણ મુક્ત રહે તેને માટે ખાવા પીવાની અનેક રેસિપી પણ વિડિયોના માધ્યમથી બતાવવામાં આવી રહી છે. લોકડાઉન સમયે, ટી.એચ.આર. તેમના બાળકો અને માતા માટે તેમના ઘરે મોકલવામાં આવ્યું છે. બાળકોનું વજન અને લંબાઈ પણ માપવામાં આવી હતી. કુપોષિત અને અતિકુપોષિત બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમની વૃદ્ધિ પર નજર રાખવામાં આવી રહી છે. ઘરે ઉપલબ્ધ વસ્તુઓમાંથી પોષક ખોરાક કેવી રીતે બનાવવો તે અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
દાદરા નગર હવેલીની આદિવાસી બેન ઉર્મિલાબહેને અમારા પીઆઈબીના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, આંગણવાડીના સહયોગના કારણે તેમનું બાળક કુપોષણથી મુક્ત છે. આંગણવાડી દ્વારા ટીએચઆર અને ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી પોષ્ટીક આહાર બનાવાની તાલીમ પણ આપવામાં આવે છે.
બાળકોને પોષણ યુક્ત ખોરાક આપવાની જવાબદારી માતાની હોય છે અને માતા જયારે માતૃત્વ ધારણ કરે ત્યારે પોતે પણ પોષણ યુક્ત ખોરાક લે તો એ આહારનો અને અન્નનો અંશ એના બાળકમાં જશે, પરિણામ સ્વરૂપે સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે અને સ્વસ્થ બાળક અને નાગરિક દેશની પ્રગતિમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરે છે.
SD/BT
(Release ID: 1659609)
Visitor Counter : 536