માહિતી અને પ્રસારણ મંત્રાલય

સતત ચૌદમા દિવસે વિજય રથ રાજ્યમાં કોવિડ જાગૃતિનો સંદેશ ચરિતાર્થ કરી રહયો છે


માસ્ક, આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ અવિરતપણે ચાલુ

Posted On: 20 SEP 2020 6:27PM by PIB Ahmedabad

આજથી તેર દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં એક અભિયાનની શરૂઆત થઇ હતી અને એ અભિયાન હતું 'કોવિડ વિજય રથ જાગૃતિ અભિયાન'. કોવિડ વિજય રથનો મુખ્ય ઉદેશ રાજ્યના દૂર સુદૂરના દરેક ગામમાં ફરી લોકોને વર્તમાનમાં ચાલી રહેલ કોરોના મહામારી વિશે જાગૃત કરવાનો છે, સાથે જ રથ પર સવાર કલાકારો ભવાઈ, નાટક, ભજન, ડાયરો, જાદુ વગેરે દ્વારા કોરોના જાગૃતિ સંદેશ, પોષણનું મહત્વ અને સરકારની વિવિધ પહેલ વિષે લોકોને માહિતગાર કરી રહ્યા છે.

આજે ચૌદમા દિવસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપુરા ગામેથી વિજય રથનું પ્રસ્થાન થયું હતું. આ વિજય રથયાત્રાને સરપંચ શ્રી વિપુલભાઈ પરમારે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ભોજપુર, શાપર, રીબડા ગામ, કોઠારીયા ટીબી હોસ્પિટલ અને રાજકોટ શહેરી વિસ્તારમાં ભ્રમણ કરીને સાંજે 4 વાગે મિલપરા ખાતે રોકાણ કર્યું હતું. કલાકારોએ રસ્તામાં આવતા સ્થાનિકોમાં આયુર્વેદિક ઇમ્યુનીટી બુસ્ટર દવાઓનું વિતરણ પણ કર્યું હતું.

કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઇને ભારત સરકાર તથા યુનિસેફના ઉપક્રમે લોક જાગૃતિ અંગેનો વિજય રથ આજે ચૌદમા દિવસે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા ગામથી સામાજિક આગેવાન જગદીશભાઈએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ. ભચાઉ ગામ, મનફરા ગામ, જોગમાતા મંદિર વગેરે વિસ્તારોમાં લોકોને કોરોના મહામારીમાં સચેત અને સલામત કેવી રીતે રહેવું તે અંગેના જ્ઞાનનો પ્રસાર કર્યો હતો.   

ઉત્તર ગુજરાત ઝોનના રથનો બનાસકાંઠા જિલ્લા બાદ હવે પાટણ જિલ્લામાં આજે છેલ્લો દિવસ છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામેથી આજ રોજ અગ્રણી ઉધોગપતિ, સમાજસેવક તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ( GIDC ) ના ચેરમેન શ્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે લીલીઝંડી આપી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પરિસરમાથી પ્રસ્થાન થયું હતું. સમગ્ર દિવસ દરમિયાન કાકોશી ચાર રસ્તા, દેથળી ચોકડી, જાપલીપોલ ટાવર એરિયા, સિવિલ, બિંદુ સરોવર તેમજ ખળી ચાર રસ્તા જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોવિડ અંગે શું સાવચેતી રાખવી, કેવી રીતે સુરક્ષિત રેહવુ, માસ્કનો ઉપયોગ અનિવાર્ય કરવો, સામાજિક અંતર જાળવવું, પોષણનું મહત્વ અને સરકારની વિવિધ પહેલ વગેરે બાબતોની સમજ આપવામાં આવી. લોકોને માસ્ક તથા આયુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું.  

કોવિડ વિજય રથની અવિરત યાત્રાનો આ સિલસિલો આજે સુરત જિલ્લના બારડોલી તાલુકાના કડોદ ગામ, વગેરે ગામોમાં ફર્યો અને લોક જાગૃત્તિનો સંદેશ ફેલાવ્યો સાથે જ કલાકારો દ્વારા સામાજિક અંતરનું પાલન કરીને લોકોને સાવચેતી, સુરક્ષા અને સલામતીની શીખ આપવામાં આવી હતી. કલાકારો દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કની અનિવાર્યતા વિશે સમજણ આપવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા મુકામે ફાયર ફાઈટર સુપરવાઈઝર ગોહિલ દિલીપસિંહ વખતસિંહે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.  દિવસ દરમિયાન રથે છાપોરા ગામ, મોટી પાલ્લી, કાંઠા, વાંસીયા તળાવ, લુણાવાડા નગરપાલિકા વિસ્તાર, સેલાં દરવાજા ખોડિયાર મંદિર વગેરે વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિક લોકમાં માસ્ક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું.

આ 5 રથ દરરોજ સવારે 10 વાગે યાત્રાનો પ્રારંભ કરીને 60 કિલોમીટર ફરી સાંજે 4 વાગે રોકાણ કરે છે. જુદા-જુદા વિસ્તારોમાં લોક જાગૃત્તિ કળા નિદર્શન અને સામાજિક અંતર જાળવીને કલાકારો દ્વારા રથની યાત્રાને સાર્થક બનાવાઈ છે. અદમ્ય ઉત્સાહ સાથે લોકો પણ રથને આવકાર આપે છે અને જાગૃકતાની આ અનોખી પહેલને સ્વીકારીને કોવિડ અંગે સમજણ મેળવી રહ્યા છે.

 

SD/BT



(Release ID: 1657016) Visitor Counter : 188