મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “પોષણયુક્ત આહાર અને કિચન ગાર્ડન” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો
ઇફ્ફકો કંપની દ્વારા લાભાર્થીઓને શાકભાજી બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું
Posted On:
17 SEP 2020 2:59PM by PIB Ahmedabad
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાંધેજા, ગાંધીનગર ખાતે “રાષ્ટ્રીય પોષણ માહ” અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ નિમિતે જિલ્લાની આંગણવાડી મહિલા કાર્યકર્તાઓ માટે “પોષણયુક્ત આહાર અને કિચન ગાર્ડન” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લાના મેયરશ્રી રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રીએ પોતાના ઉદ્દબોધનમાં કુપોષણમુક્ત ભારત માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશભરમાં ચાલી રહેલ રાષ્ટ્રીય પોષણ અભિયાનને એક જન આંદોલન તરીકે લઈ દેશના તમામ વર્ગના લોકો અને વિવિધ સંસ્થાઓ આ જન આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું હતું તેમજ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશને કુપોષણમુક્ત બનાવી શકીએ તેવી અપીલ કરી હતી, તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લોકો સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે ઇફ્ફકો કંપનીએ લાભાર્થીઓને શાકભાજી બિયારણની કીટ પૂરી પાડી હતી. ડૉ. એન.એસ.પટેલ, સ્ટેટ માર્કેટિંગ મેનેજર, ઇફ્ફકો, ગુજરાત દ્વારા પોષણઆહારમાં શાકભાજી પાકોનું મહત્વ તેમજ સમતોલ આહાર વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠ, સાદરાથી વક્તાશ્રીઓ ઉષાબેન પટેલ અને જયશ્રીબેન મેહતા દ્વારા “પોષણયુક્ત આહાર અને તેનું મહત્વ” તેમજ “કુપોષણમુક્ત ભારતમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનની ભૂમિકા” વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાંત ભરત હડિયા દ્વારા “ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન”નું મહત્વ અને તેના ફાયદાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાની કુલ 43 આંગણવાડી મહિલા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કેવિકે, ઇફ્ફકો, આઈસીડીએસ અને આઈસીડબ્લ્યુડી વિભાગના કર્મચારીઓ ટીમવર્કથી જોડાયા હતા.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:
(Release ID: 1655581)
Visitor Counter : 236