માહિતી અને પ્રસારણ મંત્રાલય

'સાવચેતીને સંગ, જીતીશું જંગ', સાતમી સપ્ટેમ્બરે કોવિડ વિજય રથનું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ડીજીટલ ફ્લેગઓફથી કરાવશે પ્રસ્થાન

Posted On: 05 SEP 2020 7:18PM by PIB Ahmedabad

      કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનની શરુઆત થવા જઇ રહી છે. આ અભિયાન હેઠળ રાજ્યના પાંચ જુદા-જુદા ઝોનમાં જુનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપુર અને સુરતથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન થશે. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, સામાજિક અંતરનું પાલન થાય તે હેતુને લઇને નવતર અભિગમ અપનાવી સમગ્ર રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરનાર આ રથને 7 સપ્ટેમ્બર, 2020ના રોજ ડીજીટલ- સોશ્યલ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ડીજીટલ ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવશે.   

      કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સમયસૂચકતા સાથેના અસરકારક નિર્ણયો અને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયોને પગલે કરેલ ત્વરિત કામગીરીને કારણે કોવિડની ભીષણ અસરથી દેશને અને રાજ્યને બચાવવામાં મહદઅંશે સફળતા મળી હોવાના સંકેતો મળે છે. કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી આ અભિયાન શરુ કરાયું છે. કોવિડ-19 સામેની લડાઇમાં ધારદાર શસ્ત્ર તરીકે સામાજિક અંતર અને માસ્ક પહેરવું ફરજિયાત ગણાવાય છે. આ સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા કરાયેલા આયોજનને ડીજીટલ માધ્યમથી લોન્ચ કરાવવામાં આવનાર છે. રાજ્યના પાંચ ઝોનમાં આવેલી વિભાગની ઝોનલ કચેરીના શહેરો જુનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપુર અને સુરતમાંથી સ્થાનિક પ્રશાસનના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ રથનું પ્રસ્થાન ગાંધીનગરથી મુખ્યમંત્રી કાર્યાલયમાં ઉપસ્થિત રહીને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-ફલેગઓફ દ્વારા કરવામા આવશે. સાતમી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ આયોજીત થશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોદન અને ઇ-ફ્લેગઓફ સાથે જ પાંચ શહેરમાં હાજર વિશેષ મહાનુભાવો પણ લીલી ઝંડી આપી આ રથનું પ્રસ્થાન કરાવશે. આવનાર 44 દિવસ સુધી આ રથ રાજ્યના તમામ જિલ્લાના કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરશે. રથની સાથે-સાથે કલાકારો સામાજિક અંતર જાળવી કલાના માધ્યમ દ્વારા પણ લોકોમાં જાગૃતતા સંદેશને ફેલાવશે. અભિયાનમાં પ્રચાર-પ્રસારના તમામ માધ્યમોનો ઉપયોગ કરવાની સાથે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પણ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.      



(Release ID: 1651643) Visitor Counter : 308