સંરક્ષણ મંત્રાલય

NCC કેડેટ્સની સૈન્યદળમાં અધિકારી તરીકે જોડાવવા પસંદગી કરાઇ

Posted On: 23 AUG 2020 1:25PM by PIB Ahmedabad

બે NCC કેડેટ્સ સુરતના સ્વપ્નિલ કે. ગુલાલે અને ભાવનગરના જયદત્તસિંહ પી. સરવૈયાની અનુક્રમે ભૂમિદળ અને હવાઇદળમાં અધિકારી તરીકે જોડાવવા માટે પસંદગી કરવામાં આવી છે. સ્વપ્નિલ NCCની વિશેષ પ્રવેશ યોજના થકી જોડાયો હતો, જેમાં A/B ગ્રેડિંગ સાથે NCC 'C' પ્રમાણપત્ર ધરાવતાં કેડેટ્સને સીધા ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત થવાની સુવિધા આપવામાં આવે છે. જ્યારે જયદત્તસિંહ ભારતીય હવાઇ દળમાં એરોનોટિકલ એન્જિનિયર બનવા માટે AFCAT લેખિત પરીક્ષામાં ઉર્તિણ થયો છે. બન્ને કેડેટ્સ હવે તેમની સંબંધિત તાલીમ સંસ્થાઓ OTA, ચેન્નાઇ અને હૈદરાબાદના દુંડિગલ ખાતે આવેલી એર ફોર્સ એકાદમીમાં આકરી તાલીમ પ્રાપ્ત કરવા માટે જોડાશે.

ગુજરાત બટાલિયન 5નો NCC કેડેટ અને સુરતની પી.ટી.સાર્વજનિક વિજ્ઞાન કોલેજનો વિદ્યાર્થી સ્વપ્નિલ કે ગુલાલે ભારતીય સૈન્યમાં 49 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કર્યા પછી લેફ્ટનન્ટ તરીકે નિમણૂંક મેળવશે.

PDPUના સિનિયર અન્ડર ઓફિસર જયદત્તસિંહ પી. સરવૈયાએ એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) પાસ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. અગાઉ PDPUના વધુ એક NCC કેડેટ આચલ ધર્મેન્દ્રકુમાર જોશી ભારતીય નૌસેનાની વહીવટી શાખા (સામાન્ય સેવા)માં સ્થાયી કમિશન માટે એઝિમાલા ખાતે આવેલી ભારતીય નૌસેના એકાદમીમાં જોડાયો હતો.

આ યુવાનોએ તેમની સફળતાનો શ્રેય NCC કેડેટ તરીકે તેમને મળેલી તાલીમની સાથે સાથે કોલેજ અને પરિવાર પાસેથી પ્રાપ્ત થયેલી સહાયતાને આપ્યો હતો. NCCએ તેમને સૈન્ય દળોમાં જરૂરી શિષ્ટતા, કર્તવ્ય, ભાઇચારો અને પોતાની કારકિર્દી પસંદ કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું.

તાજેતરના મહિનાઓમાં NCC કેડેટ્સ પોતાની 'યોગદાન' ક્વાયત અંતર્ગત રાજ્ય પ્રશાસનને લૉકડાઉન દરમિયાન કતાર વ્યવસ્થાપન, ટ્રાફિક વ્યવસ્થાપન, ડેટા સંચાલન, વરિષ્ઠ નાગરિકોને મદદ, અન્ન વિતરણ અને સામાજિક અંતર માટે જાગૃતિ અભિયાનોના સંદર્ભમાં સહાયતા પૂરી પાડી રહ્યાં છે. ઉપરાંત કેડેટ્સ આત્મનિર્ભર ભારત, હોસ્પિટલોમાં ઘટી રહેલી રક્ત આપૂર્તિ દરમિયાન રક્તદાન, એક ભારત શ્રેષ્ઠ ભારત, વૃક્ષારોપણ ઝૂંબેશ અને તાજેતરમાં ફિટ ઇન્ડિયા અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવાની સાથે સાથે તે અંગે જાગૃતિ ફેલાવી રહ્યાં છે. તેમના આ પ્રયત્નોની સત્તાધિકારીઓ સહિત જાહેર જનતા દ્વારા વ્યાપક સરાહના કરવામાં આવી છે.

ગુજરાતના NCC મહાનિર્દેશક મુખ્ય શહેરોમાં તેમની દેખરેખ હેઠળ કાર્યરત અમદાવાદ, વડોદરા, જામનગર, વીવી નગર અને રાજકોટ ખાતે આવેલા વડામથકોના પાંચ ગ્રૂપ હેઠળ 43 યુનિટ્સ ધરાવે છે. દરિયાકાંઠાના અને સરહદી વિસ્તારોમાં NCCના વધુ વિસ્તારણ માટે રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે કરેલી જાહેરાત સાથે વધુ 34 શૈક્ષણિક સંસ્થાઓને તેનો લાભ પ્રાપ્ત થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર, ભૂજ, ગાંધીધામ, વેરાવળ, જામનગર અને નવસારી ખાતે છ નૌસેના NCC યુનિટ્સ પહેલેથી ઊભા કરવામાં આવ્યાં છે.

આ કેડેટ્સની પસંદગી ગુજરાતના યુવાનોને સૈન્ય દળોમાં જોડાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.



(Release ID: 1648016) Visitor Counter : 142