સંરક્ષણ મંત્રાલય

ગુજરાતના રાજ્યપાલે NCC કેડેટ્સ દ્વારા યોજવામાં આવેલી રક્તદાન કવાયતની પ્રશંસા કરી

Posted On: 20 AUG 2020 6:19PM by PIB Ahmedabad

 ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કોવિડ-19 મહામારીના કારણે રાજ્યમાં ઉભી થયેલી રક્તની અછતને દૂર કરવા માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ અને સ્ટાફ દ્વારા નિઃસ્વાર્થ ભાવે યોજવામાં આવેલી રક્તદાનની કવાયતની પ્રશંસા કરી હતી.

ગુજરાતમાં કોવિડ-19 મહામારી દરમિયાન વિવિધ બ્લડ બેંકોમાં રક્તની અછત વર્તાતી હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, NCC ગુજરાત નિદેશાલય દ્વારા એક મહિના સુધી સમગ્ર રાજ્યમાં અલગ અલગ સ્થળે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરોનું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 26 જુલાઇના રોજ "કારગીલ વિજય દિવસ”ની ઉજવણી નિમિત્તે પણ યોજવામાં આવ્યો હતો. કેડેટ્સે આ રક્તદાન કારગીલ યુદ્ધમાં દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા વીર શહીદ સૈનિકોને સમર્પિત કર્યું હતું.

અમદાવાદ, વડોદરા, રાજપીપળા, ભૂજ, જામનગર સહિત રાજ્યના વિવિધ અન્ય શહેરોમાં યોજવામાં આવેલી શ્રેણીબદ્ધ રક્તદાન શિબિરોમાં કુલ 451 સ્ટાફ અને NCC કેડેટ્સે 405 યુનિટ રક્તનું દાન કર્યું હતું. સમગ્ર ગુજરાતના લોકોએ આ કામગીરીને ખૂબ જ બિરદાવી હતી.



(Release ID: 1647345) Visitor Counter : 109