સંરક્ષણ મંત્રાલય

ગુજરાતમાં મોટાપાયે વિસ્તરણ કામગીરી માટે NCCએ તમામ તૈયારીઓ કરી

Posted On: 18 AUG 2020 12:50PM by PIB Ahmedabad

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી.

ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7 ગુજરાત બટાલિયન NCC મહેસાણા અને 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન NCC અમદાવાદનો સમાવેશ થાય છે. અબડાસા, નખત્રાણા, લખપત, ભૂજ ભચાઉ, સાંથલપુરના સરહદી તાલુકા અને ગાંધીનગરના એરફોર્સ તાલુકા ખાતે કુલ 980 સિનિયર ડિવિઝન/ સિનિયર વિંગ અને 2650 જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સની NCCમાં નોંધણી કરવામાં આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, છ નૌસેના NCC યુનિટ્સ પહેલાંથી જ વર્ષ 2017માં વિસ્તરણના ત્રીજા તબક્કામાં ઉભા કરવામાં આવ્યા છે જેમાં પોરબંદર, ભૂજ, ગાંધીધામ, વેરાવળ, જામનગર અને નવસારી યુનિટ્સનો સમાવેશ થાય છે અને કુલ 15,000 વધારાની જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી. NCCના નૌસેનાના કેડેટ્સને દરિયાઇ પોલીસ સાથે સંકલન કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગની તાલીમ આપવામાં આવશે.

વિસ્તરણની યોજના રાજ્ય સરકાર સાથે સંકલન કરીને અમલમાં મુકવામાં આવશે અને હવે 34 સંસ્થાઓને ઓળખી કાઢવામાં આવી છે જ્યાં NCCનો પ્રારંભ કરવામાં આવશે. અન્ય સંસ્થાઓ સાથે પણ જોડાણ માટે સંપર્કવ્યવહાર ચાલુ છે.

આનાથી માત્ર સરહદી વિસ્તારોના યુવાનોને સૈન્યની તાલીમ અને જીવનમાં શિસ્તના પાઠ શીખવા મળશે તેવું નથી પરંતુ આનાથી તેઓ સશસ્ત્ર દળોમાં જોડવા માટે પ્રેરિત પણ થશે.



(Release ID: 1646633) Visitor Counter : 105