વહાણવટા મંત્રાલય

ઇન્ડિયન પેડલીંગ લીગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા


સાયકલીંગ મારા માટે ફેશન નહી, પણ પેશન છે: મનસુખ માંડવીયા

મનસુખ માંડવીયા બન્યા ઇન્ડિયન વર્ચ્યુઅલ પેડલીંગ લીગના બ્રાંડ એમ્બેસેડર

Posted On: 15 AUG 2020 5:03PM by PIB Ahmedabad

ગ્રીન સાંસદ તરીકે જાણીતા કેન્દ્રીય શીપીંગ(સ્વતંત્ર હવાલો), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ વર્ચ્યુઅલ પેડલીંગ લીગનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતમાં સાયકલીસ્ટની સંખ્યા વધે અને ગુજરાત સાયકલ ફ્રેન્ડલી સ્ટેટ બને તે માટે ગુજરાતની પહેલી વર્ચ્યુઅલ લીગ તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦થી એક મહિના માટે યોજાશે. પેડલીંગ લીગના બ્રાંડ એમ્બેસેડર તરીકે સાયકલ પ્રેમી શ્રી મનસુખ માંડવીયા છે.

વર્ચ્યુઅલ ઉદ્ઘાટનને સંબોધતા શ્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે, “સાયકલીંગ મારા માટે ફેશન નહી, પણ પેશન છે. મારા નિવાસસ્થાનથી સંસદ ભવન સુધીનું અંતર હું સાયકલ દ્વારા પૂરું કરું છું. દેશના વધુમાં વધુ નાગરીકો જો નિયમિત સાયકલીંગ શરુ કરે તો સ્વસ્થ સમાજ બનશે, જેનાથી તંદુરસ્ત અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે. કાર્ય દરેકની સામુહિક જવાબદારી છે ત્યારે જવાબદાર નાગરિક તરીકે જો દરેક નાગરિક એક પગલું ભરે તો દેશ ૧૩૦ કરોડ ડગલાં આગળ વધશે. એક સાયકલ એન્થુઝીઆસ્ટ તરીકે હું કહીશ કે, સાયકલીંગ પરિવહન માટે સસ્તું અને ઇકો ફ્રેન્ડલી માધ્યમ છે. ફીટ નાગરિક દ્વારા ફીટ ઇન્ડિયા બનશે.”

વર્ચ્યુઅલ પેડલીંગ લીગનું કોન્સેપ્ટ અને પ્લાનિંગ બાઈક્સ ઇન્ડિયાનાં ડાયરેક્ટર અને સાયકલીસ્ટ ડૉ. ભૈરવી જોશીનું છે, જ્યારે સ્ટ્રેટજીક પ્લાનિંગ નાગપુરના બાઈસીકલ મેયર દિપાંતી પાલએ કર્યું છે. ગુજરાતના બાઈસીકલ મેયર દ્વારા યોજાનારી વર્ચ્યુઅલ પેડલીંગ લીગમાં ગુજરાતના ગાંધીનગર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, અંકલેશ્વર, ગોંડલ, જામનગર, પોરબંદર, ભુજ, જેતપુર, જસદણ જેવા શહેરો જોડાઈ રહ્યા છે.

કોરોના મહામારીના સમય દરમિયાન સાયકલનું વેચાણ વધી રહ્યું છે. આવા સમયે લોકો સાયકલીંગ કરતા થાય અને સાયકલીંગનો પ્રચાર પ્રસાર થાય તે ઉદ્દેશથી વર્ચ્યુઅલ પેડલીંગ લીગનો વિચાર કરવામાં આવ્યો. જે અંતર્ગત આઈ.પી.એલ.ની જેમ દરેક શહેરની એક ટીમ હશે જેમાં ટીમ ઓનર, લીડર અને કેપ્ટન હશે.

વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહમાં વલસાડ બાઈસીકલ મેયર ડૉ. ભૈરવી જોશી, સુરત બાઈસીકલ મેયર શ્રી સુનીલ જૈન, ગાંધીનગર બાઈસીકલ મેયર પીન્કી જહા તથા વિવિધ શહેરોના બાઈસીકલ મેયર તથા સાઈકલીંગ પ્રેમીઓ જોડાયા હતા.


(Release ID: 1646114) Visitor Counter : 198