મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

કેન્દ્રની મહિલાઓલક્ષી વિવિધ કલ્ચાણકારી યોજનાઓથી સંતુષ્ટ છે દેશની મહિલાઓ, યોજનાઓના લાભથી સંતોષાઇ છે ઘર-પરિવારની પ્રાથમિક જરૂરિયાતો


કોરોના સંકટના સમયમાં કેન્દ્ર સરાકારે ટાળી છે ગૃહિણીઓની સમસ્યા, જનધનથી આપી આર્થિક મદદ તો અન્ન યોજનામાં મળી રહ્યું છે મફત અનાજ અને ઉજ્જવલા યોજનાથી મળે છે ગેસ સિલિન્ડર

Posted On: 29 JUL 2020 4:23PM by PIB Ahmedabad

કહેવાય છે કે સંકટના સમયે નાની અમથી મળતી મદદ પણ ઘણી મોટી પૂરવાર થતી હોય છે. જે ડૂબતાને તરણુ મળવા સમાન હોય છે. કોરોના મહામારીના સંકટના સમયમાં પણ કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ આવી જ રીતે સંકટનાશક સાબિત થઇ રહી છે. જે મુશ્કેલીનો સામનો કરી રહેલાંઓની વ્હારે આવી છે. વર્તમાન કોરોના સંકટનો સામનો આમ તો સૌ કોઇ કરી રહ્યું છે. પરંતુ દેશના ગરીબ અને નાના મધ્યમવર્ગીય પરિવારોમાં વિશેષ કરીને મહિલાઓ કે, જે એક ગૃહિણી તરીકે પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી નિભાવે છે તેમની મુશ્કેલી ઘણી વધી છે. કેટલાંકના આવકના સ્ત્રોત બંધ થવાથી કે કેટલાંક પરિવારોની આવક ઓછી થઇ જવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. એવા સમયે ઓછા રૂપિયે અને ઓછા ખર્ચે પણ પરિવારના સૌ સભ્યોને સંભાળી ગુજરાન ચલાવવાની જવાબદારી મહિલાઓના શિરે આવી પડી છે. તેવા સમયે આવી મહિલાઓને સાથ મળ્યો છે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારની વિભિન્ન મહિલાઓલક્ષી કલ્યાણકારી યોજનાઓનો. આમ તો કેન્દ્રની મહિલાઓલક્ષી અનેક યોજનાઓ ચાલી રહી છે. પરંતુ કોરોના સંકટને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે રજૂ કરેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તેમજ આત્મનિર્ભર ભારત પેકેજમાં પણ મહિલાઓને સહાય સાથે વિભિન્ન યોજનાઓનું પણ અમલીકરણ કર્યું છે. જેમાં ગરીબ પરિવારોના પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તેનું ધ્યાન રખાયુ છે.

ખોરાક એ સર્વેની પહેલી જરૂરિયાત છે, જેને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યાન્વીત કરી છે. લોકડાઉનના સમયથી શરુ થયેલ આ યોજનામાં પહેલા ત્રણ મહિના એટલે કે એપ્રિલ, મે અને જુન મહિનામાં દેશના 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્ચે અનાજ પુરું પાડવામાં આવ્યું છે. આ યોજનાની ઉપયોગીતાને ધ્યાને રાખી આવનાર પાંચ મહિના સુધી એટલે કે નવેમ્બર, 2020 સુધી આ યોજનાનું વિસ્તરણ પણ કરી દેવાયું છે. આમ અન્ન યોજનામાં આવનાર પાંચ મહિનામાં કુલ રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી વધુ NFSA રાશનકાર્ડ ધરાવતાં ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરીત કરવામાં આવશે. આ સાથે આ અન્ન યોજનાનો કુલ ખર્ચ દોઢ લાખ કરોડથી વધુનો થશે. જેનાથી ગરીબ પરિવારો ખુબ ખુશ છે. અનાજની જરૂરિયાત પૂરી થતાં ખુશી વ્યક્ત કરતાં પરિવારોની ખુશીમાં વધારો કર્યો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાએ. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1 એપ્રિલ 2020થી ત્રણ મહિનાના સમયગાળા સુધી વિનામૂલ્યે ઘરેલુ ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.  જેનાથી ગરીબવર્ગને લોકડાઉનના સમયગાળામાં ઘણી મોટી રાહત મળી છે. હવે વધુ ત્રણ મહિના સુધી આ યોજનાનું વિસ્તરણ કરાયું છે. જેથી હવે દેશભરના 8 કરોડથી વધુ ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને 1 જુલાઇ, 2020થી વધુ ત્રણ મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. મહત્વનું છે કે, આ ઉજ્જ્વલા યોજના હેઠળના મહિલા ગેસ ધારકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી સમયે ચૂકવવા પડતા રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સહાય પેટે પરત આપવામાં આવે છે. અને એ પ્રકારે તેમને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર પ્રાપ્ત થાય છે. દેશભરમાં આ યોજના હેઠળ એપ્રિલથી જૂન 2020 દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા 9709.86 કરોડ હસ્તાંતરિત કરવામાં આવી ચૂક્યા છે. અને આવા લાભાર્થીઓને 11.97 કરોડ સીલિન્ડર આપવામાં આવ્યાં છે. આ યોજનાથી અન્ન મળ્યા બાદ રસોઇ બનાવવા રાંધણગેસની જરૂરિયાત પણ વિનામૂલ્ચે પ્રાપ્ત થઇ જતાં મહિલાઓની મુશ્કેલી પણ દૂર થઇ અને ખુશી બેવડાઇ ગઇ છે.

કોરોના સંકટે ગરીબ પરિવારો પર બહુ મોટું આર્થિક સંકટ પણ ઉભુ કર્યું છે ત્યારે આ સંકટને નાથવા સરકારે ત્વરિત નિર્ણય લઇ દેશની કરોડો જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં ત્રણ મહિના સુધી રૂપિયા 500 આર્થિક સહાય પેટે જમા કરાવ્યાં છે. જેનાથી આ મહિલાઓના પરિવારની આર્થિક જરૂરિયાત પૂર્ણ થઇ છે. ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવેલ આ આર્થિક સહાયમાં દેશની 20.65 કરોડ જનધન ખાતા ધારક મહિલાઓને તેનો લાભ મળ્યો છે. જેમાં પ્રથમ હપ્તામાં દેશભરમાં કુલ રૂપિયા 10,325 કરોડ, બીજા હપ્તામાં રૂપિયા 10,315 કરોડ અને ત્રીજા હપ્તામાં રૂપિયા 10,315 કરોડ એમ કુલ રૂપિયા 30,955 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ નાણાકીય સહાય દેશની મહિલાઓને મુશ્કેલીના સમયે બહુ મોટી મદદ સાબિત થઇ છે. જે માટે તે ભારત સરકારનો આભાર  પણ વ્યક્ત કરે છે.

શ્રીમતી રંજનબહેન વઢવાણા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હીણાજ ગામના રંજનબેન વઢવાણાએ અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે, તેમના પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળના બેંક ખાતામાં ત્રણ મહિના સુધી રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 1500 ભારત સરકારે જમા કર્યાં છે. આર્થિક કટોકટીના સમયમાં સરકારે કરેલી આ નાણાકીય સહાય તેઓ ક્યારેય ભૂલશે નહીં અને તે માટે તેઓ ભારત સરકારનો ખૂબખૂબ આભાર માને છે.

શ્રીમતી ઉમાબહેન

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હીણાજ ગામના ઉમાબેને અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. જેમાં તેમને મળેલા રાંધણગેસના સિન્ડરના રૂપિયા 750 સરકારે તેમના બેંક ખાતમાં પરત જમા કરેલા છે. આમ તેમને મફતમાં ગેસ સિલિન્ડર મળ્યો છે. અને આ યોજનામાં વધુ ત્રણ મહિના સુધી તેમને લાભ મળવાનો છે જે જાણીને ઘણો આનંદ થયો છે. મહિલાઓ માટે સરકારની આવી કલ્યાણકારી યોજના બદલ હું સૌ મહિલાઓ વતી ભારત સરકારનો આભાર માનું છું.

શ્રીમતી વીજુબહેન સોલંકી

ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરના મહિલા વીજુબેન સોલંકીએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, મને પાછલા ત્રણ મહિનામાં ભારત સરકારની અન્ન યોજના હેઠળ મફતમાં અનાજ મળ્યું છે. આ જુલાઇ મહિનામાં પણ ફરીથી મફતમાં અનાજ મળ્યું છે અને આવનાર પાંચ મહિના સુધી આ જ રીતે સરકાર તરફથી મફતમાં અનાજ મળવાનું છે જે જાણી ઘણી ખુશી થઇ છે. સરકારની આવી ગરીબોના હિતલક્ષી યોજનાથી અમારા પરિવારનું આવા કપરા સમયે પણ ગુજરાન ચલાવવું સંભવ બન્યું છે. જે માટે અમે સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે.

કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને અટકાવવા લીધેલાં મહત્વના પગલાંઓની સાથે-સાથે દેશના ગરીબ અને નાના મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીને પણ જાણી છે અને તેનું નિરાકરણ લાવવા ત્વરિત ધોરણે નિર્ણયો લઇ અસરકારક પગલાં પણ લીધા છે. જેનાથી દેશની કરોડો મહિલાઓ કે જે ગૃહિણીઓ છે તેમના પર આવેલી આફત ટળી છે. ઘર ચલાવવા જરૂરી નાણાં, ખોરાક માટે જરૂરી અન્ન અને તેને રાંધવા માટે જોઇતા રાંધણગેસ એમ ત્રણેય પાયાની જરૂરિયાતને કેન્દ્ર સરકારે પૂરી કરી છે. જે બદલ આનંદ સાથે સરકારની સરાહના થાય તે સ્વાભાવિક જ છે.

SD/BT


(Release ID: 1642031) Visitor Counter : 280