નાણા મંત્રાલય

કેન્દ્ર સરકારના વટહૂકમથી સહકારી બેંકો રીઝર્વ બેંકના નિયંત્રણમાં, પ્રકિયા થશે પારદર્શક અને થાપણદારોની થાપણ થશે સુરક્ષિત,


સહકારી બેંકોમાં થાપણદારોનો વધશે વિશ્વાસ, આરબીઆઇનું નિયંત્રણ ગેરવહીવટને અટકાવશે, કેન્દ્રના વટહૂકમને મળી રહ્યો છે આવકાર

Posted On: 02 JUL 2020 5:15PM by PIB Ahmedabad

         કોરોના મહામારીને નાથવા અને આર્થિક સંકટમાંથી બહાર આવવા કેન્દ્ર સરકાર મહત્વના નિર્ણયો સાથે અસરકારક પગલાંઓ લઇ રહી છે. તેવા સમયમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં વહીવટી પ્રક્રિયાને સરળ અને સુચારુ બનાવવા માટે પણ મોટા નિર્ણયો લેવાઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારે સહકારી બેંકોના મામલે આવો એક ઐતિહાસિક નિર્ણય વટહુકમ દ્વારા લાગુ પાડ્યો છે. દેશની તમામ સહકારી બેંકોને રીઝર્વ બેંકના નિયંત્રણમાં લાવવાનો નિર્ણય વટહૂકમ દ્વારા અમલી કરાવાયો છે. વર્તમાન સમયમાં સંસદનું સત્ર ચાલુ હોવાથી કેન્દ્રીય મંત્રીમંડળે વટહૂકમ દ્વારા નિર્ણયને મંજૂરી આપી છે. અગાઉ કો-ઓપરેટીવ બેંકોના મામલે રીઝર્વ બેંકની ભૂમિકા ઘણી મર્યાદિત હતી. તેમજ દેશમાં ઘણા સમયથી નાણાકીય ગેરવહીવટ અને બેંકોના ફડચામાં જવાના કિસ્સાઓ પણ સામે આવતા રહ્યાં છે. મહારાષ્ટ્રની પીએમસી બેંકના કિસ્સાએ પણ દેશભરના સહકારી બેંકના થાપણદારોને ચિંતામાં મૂકી દીધાં હતાં. સહકારી બેંકોમાં મોટેભાગે નાના અને મધ્યમવર્ગીય લોકોનાં ખાતા હોય છે. એવામાં એમની થાપણોની સુરક્ષા સામે મોટું જોખમ તોળાતું દેખાઇ રહ્યું હતું. જેને લઇને  પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લઇ આવા થાપણદારોની થાપણને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. નિર્ણયથી દેશની આશરે 1540 જેટલી બેંકો હવે આરબીઆઇના નિયંત્રણમાં આવી જશે. બેંકોનું ઓડિટ પણ આરબીઆઇ દ્વારા કરાશે. જેનાથી ઉચાપાત કે ગેરવહીવટના કિસ્સાઓ અટકશે. અને આમ થવાથી સહકારી બેંકો પર થાપણદારોનો વિશ્વાસ વધશે.

શ્રી દિલીપભાઇ સંઘાણી

       થાપણદારોના હિતને ધ્યાને રાખી કેન્દ્ર સરાકારે વટહૂકમ દ્વારા લાગુ પાડવાના નિર્ણયને દેશભરના સહકારી આગેવાનો તેમજ સહકારી બેંકના થાપણદારો આવકારી રહ્યાં છે. સહકારી અગ્રણી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીએ અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે દેશના સામાન્ય અને ગરીબવર્ગના લોકોની થાપણ સહકારી બેંકોમાં હોય છે જેને સુરક્ષિત કરવા માટે ભારત સરકારે  વટહૂકમ બહાર પાડી જે નિર્ણયો લીધાં છે તેનાથી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વિશેષ સત્તા પ્રાપ્ત થશે. સહકારી બેંકોના વહીવટદારોમાં ક્યારેક વહીવટી ભૂલોને લીધે અથવા તો ક્યારેક ગેરવહીવટને કારણે ઉચાપાત થવાના કે આર્થિક નુકસાન થવાના  કિસ્સા સામે આવે ત્યારે આરબીઆઇ તેમાં સીધો હસ્તક્ષેપ નહોતી કરી શકતી. પરંતું હવે  આરબીઆઇને સીધા અધિકારો પ્રાપ્ત થવાને કારણે દરેક થાપણદારોની થાપણ સુરક્ષિત બનશે તેમજ ગેરવહીવટ પર નિયંત્રણ પણ આવશે. હું નિર્ણયને આવકારું છું. અને નિર્ણય બદલ પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું.

કન્વીનર શ્રી ગિરીશભાઇ શાહ

       રાજકોટ નાગરિક સહકારી બેંક,ભાવનગર શાખાના કન્વીનર ગીરીશભાઇ શાહે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે કેન્દ્ર સરકારનો નિર્ણય ઐતિહાસિક છે. જેનાથી સહકારી બેંકોમાં લોકોનો વિશ્વાસ વધશે. થાપણદારોની થાપણની રક્ષા થશે. બેંકો વધુ મજબૂત બનશે. નાના અને મધ્યમવર્ગીય લોકો કે જે આવી બેંકમાં ખાતુ ધરાવે છે તેઓ નિર્ણયથી રાજી થયાં છે. પ્રધાનમંત્રીશ્રી અને ભારત સરકારના નિર્ણય બદલ અભિનંદન આપતા હું આભાર પણ વ્યક્ત કરું છું.

અગ્રણીશ્રી અજયભાઇ પટેલ

      સહકારી અગ્રણીશ્રી અજયભાઇ પટેલ જણાવ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયથી બેંકના ખાતેદારોનો વિશ્વાસ વધશે. રાજ્ય રજીસ્ટાર અને રીઝર્વ બેંક એમ બંને પાસે જે સત્તા હતી તેના બદલે રીઝર્વ બેંક પાસે જે સુપરવાઇઝરીંગ ઓથોરીટી આવી તેનાથી ખાતેદારોની સુરક્ષા વધશે. જે માટે હું કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારું છું.

       કેન્દ્રના નિયમના પાલનથી સહકારી બેંકોએ તેમનું માળખુ પણ બદલવું પડશે. સહકારી બેંક સામે જો કોઇ આર્થિક સંકટ ઉભુ થશે તો બોર્ડની દેખરેખ આરબીઆઇ દ્વારા કરાશે. બેંકોની વહીવટી પ્રક્રિયા પણ સરળ થશે. આમ સહાકારી બેંક અને બેંકના ખાતેદાર બંને માટે ફાયદાકારક કેન્દ્ર સરકારનો નિર્ણય ખરેખર સરાહનીય છે.

SD/GP


(Release ID: 1635920) Visitor Counter : 175