સંરક્ષણ મંત્રાલય

NCCના કેડેટ્સે ગુજરાતના 21 શહેરોમાં જરૂરિયાતમંદ લોકોમાં હાથે સીવેલા 25000 માસ્કનું વિતરણ કર્યું

Posted On: 27 MAY 2020 6:06PM by PIB Ahmedabad

કોવિડ-19 સામે લડાઇના ભાગરૂપે NCC યોગદાન કવાયત દ્વારા સતત સહકાર આપતા NCCના કેડેટ્સે ગુજરાતમાં અલગ અલગ 21 સ્થળોએ DM/ SDM/ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ લોકોમાં હાથે સીવેલા 25000 માસ્કનું વિતરણ કર્યું છે. આ કેટેડ્સની નિયુક્તિ વખતે વિતરણ કરવામાં આવેલા 10,000 માસ્ક ઉપરાંત આ વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત ડાયરેક્ટોરેટ અંતર્ગત પાંચ ગ્રૂપ હેડક્વાર્ટર્સ દ્વારા પોત-પોતાના વિસ્તારોમાં 5000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. માસ્કનું વિતરણ કરાયેલા જિલ્લામાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, ભૂજ, પોરબંદર અને જુનાગઢ વગેરે પણ સામેલ છે. આ અઠવાડિયે, NCC કેડેટ્સે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા હું પણ કોરોના વોરિયર અભિયાનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 22 મે 2020ના રોજ તેમણે પોતાના દાદા-દાદી સાથે ફોટા પડાવીને તેઓ નિઃસહાય અને વૃદ્ધ લોકોની કાળજી લેતા હોવાનું બતાવ્યું હતું. 24 મે 2020ના રોજ, તેમણે માસ્ક સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું અને 26 મે 2020ના રોજ, તેમણે આરોગ્ય સેતુ એપ્લિકેશનના ફાયદા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. તેમના ઉત્સાહની લોકો દ્વારા ખૂબ પ્રશંસા થઇ રહી છે અને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

 

NCC યોગદાન કવાયત અંતર્ગત 08 એપ્રિલ 2020ના રોજ કેડેટ્સની નિયુક્તિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 43 દિવસ પછી 19 મે 2020ના રોજ તે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, સરેરાશ 500- 500 કેડેટ્સ, 60 એસોસિએટેડ NCC અધિકારીઓ અને 80 કાયમી ઇન્સ્ટ્રક્ટર્સને 18 જિલ્લામાં 31 શહેરોમાં વધતી કાળઝાળ ગરમી વચ્ચે પણ દૈનિક ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા હતા. NCC અધિકારીઓ અને સુપરવાઇઝરોની દેખરેખ હેઠળ સ્વયંસેવક કેડેટ્સને મુખ્યત્વે કતાર અને ટ્રાફિક વ્યવસ્થાપન, રાહત સામગ્રી, દવાઓ, આવશ્યક અન્ન સામગ્રીઓ, ખાદ્ય ચીજોના પેકેટ્સના વિતરણ, ડેટા મેનેજમેન્ટ અને વરિષ્ઠ નાગરિકોની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

            

જેમને ફિલ્ડમાં નિયુક્ત નહોતા કરવામાં આવ્યા તે કેડેટ્સ સોશિયલ મીડિયામાં પોતાની જાતે જોડાયેલા રહેતા હતા અને લોકોના લાભાર્થે નવીનતાપૂર્ણ અને માહિતીપ્રદ વીડિયો અને સંદેશાનો પ્રસાર કરીને લોકજાગૃતિમાં મદદ કરતા હતા. નેટીઝન્સે આવા વીડિયોની ખૂબ પ્રશંસા કરી હતી. અત્યાર સુધીમાં 13956 કેડેટ્સ, 566 ANO અને 535 કાયમી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ અને 56 અધિકારીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે.

 

NCC યોગદાન કવાયત દરમિયાન NCC કેડેટ્સે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનની ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રશંસા કરી હતી. રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કેડેટ્સ બાબતે આવા જ મંતવ્યો આપ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્ર, વિવિધ NGO, સ્થાનિક લોકો અને શૈક્ષણિક સંસ્થાઓએ કેડેટ્સનું સન્માન કરીને રાષ્ટ્ર પ્રત્યે તેમની આ નિઃસ્વાર્થ સેવાને બિરદાવી હતી અને આ પ્રકારે NCC યોગદાન કવાયતને ગુજરાતમાં ભવ્ય સફળતા અપાવી હતી.



(Release ID: 1627200) Visitor Counter : 171


Read this release in: English