ગૃહ મંત્રાલય
અમદાવાદ અને સુરતમાં કોરોના સામેની લડાઈમાં તંત્રની સજ્જતા ચકાસ્યા બાદ સંતોષજનક પ્રતિભાવ આપતી કેન્દ્રીય ટીમો
પોસ્ટેડ ઓન:
28 APR 2020 7:23PM by PIB Ahmedabad
કોરોના મહામારી સામે યુદ્ધ લડી રહેલા અમદાવાદ અને સુરત શહેરની મુલાકાતે કેન્દ્ર સરકારની બે ટીમો આવી છે. છેલ્લા દિવસો દરમિયાન આ ટીમોએ વહીવટી અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ જનતાના પ્રતિનિધિઓ તેમજ આરોગ્યક્ષેત્રે કાર્ય કરી રહેલા લોકો સાથે વિગતવાર વિચાર વિમર્શ કર્યો હતો. પોતાની આ મુલાકાત પછી કેન્દ્ર સરકારને આ ટીમોએ ફીડબેક આપ્યો છે.
જેને આધારે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે ગુજરાત ગયેલી ટીમોને સંતોષજનક વિગતો પ્રાપ્ત થઈ છે. સુરતમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરીને કોરોનાના દર્દીઓને ઓળખવામાં અને મોટાપાયા પર ટેસ્ટિંગ કરવામાં વહીવટીતંત્રે સફળતા મેળવી છે. લોકડાઉનો સખતાઈથી અમલ કરાવવામાં પણ સુરત સફળ રહ્યું છે. ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો તેમજ અન્ય સ્થળોની મુલાકાત બાદ તંત્રની સજ્જતા બાબતે આ ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. મોટાપાયા પર ટેસ્ટિંગ કરવામાં આવતા શરૂઆતના તબક્કામાં જ કોરોનાના દર્દીઓને શોધી કાઢવામાં તંત્રને સફળતા મળી રહી હોવાનું તેમનું માનવું છે. આ ઉપરાંત પરપ્રાંતીય મજૂરોને પણ પૂરતી તકેદારી સાથે સાચવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રના કારીગરોને ગયા મહિનાનો પગાર પણ ચુકવાઇ ગયો છે. તંત્ર સંપૂર્ણ સંવેદનશીલ રીતે કાર્ય કરી રહ્યું હોવાનું તેમનું માનવું છે.

અમદાવાદમાં કેન્દ્રીય ટીમે રેડક્રોસ ના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ, સિવિલ હોસ્પિટલ, શેલ્ટર હોમ વગેરેની મુલાકાત લીધી હતી. એક મોબાઇલ ટેસ્ટિંગ વેન ની પણ આ ટીમે મુલાકાત કરી હતી .આધુનિક ટેકનીક જેમકે ડ્રોન અને સીસીટીવી કેમેરા ના ઉપયોગથી લોકડાઉન નો અસરકારક અમલ થઈ રહ્યો છે એવું ટીમનું કહેવું છે. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં કોરોનાના દર્દીઓના સગાવહાલાઓ સાથે પણ આ ટીમે વાતચીત કરી હતી. કોવિડ કેર સેન્ટર માં ઉપલબ્ધ સુવિધાઓ સંતોષ જનક હોવાનું ટીમે જણાવ્યું છે. જો દર્દીઓને લક્ષણો જણાય તો સિવિલ હોસ્પિટલના કોવિદ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં તબદીલ કરવાની પણ વ્યવસ્થા હોવાનું કેન્દ્રીય ટીમે નોંધ્યું છે.

સમગ્રતયા અમદાવાદમાં ૩૩ જેટલા શેલ્ટર હોમમાં પણ પરપ્રાંતીય મજૂરો માટે મનોરંજન, ભોજન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે .કેન્દ્રીય ટીમે કઠવાડા અને નિકોલના શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી.ટીમના સભ્યોએ સ્થાનિક અધિકારીઓ સાથેની પરામર્શ બેઠકમાં આગામી દિવસોમાં ઉભી થનાર જરૂરત અંગેના આયોજન વિશે પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
GP/DS
(રીલીઝ આઈડી: 1619043)
મુલાકાતી સંખ્યા : 212