PIB Headquarters

પાટણ જિલ્લામાં લૉકડાઉનના સમયે પોસ્ટ વિભાગની ઉમદા કામગીરી


જિલ્લાના છેવાડાના વાયડ ગામના લોકોને લૉકડાઉન દરમિયાન ઘરબેઠા નાણાંકિય સેવા આપવામાં આવી

સમગ્ર પાટણ જિલ્લાની 7730 ગંગા સ્વરૂપ બહેનોને કુલ રૂ. 2,12,87,180ની ચૂકવણી કરવામાં આવી તેમજ ARPS (Aadhar Enabled Payment System) દ્વારા 2480 ખાતેદારોને ઘરેબેઠા રૂ. 25,39,310 ચૂકવાયા

Posted On: 21 APR 2020 2:21PM by PIB Ahmedabad

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું વાયડ ગામ જરૂરી તમામ સુવિધાઓ ધરાવે છે, પરંતુ પરંતુ ગામમાં બેન્કની કોઈ શાખા નથી એટલે પૈસાની લેડવ-દેવડનું કામ અહીંની પોસ્ટ ઑફિસ પર નિર્ભર છે. અત્યારે કોવિડ-19 લૉકડાઉન દરમિયાન વાયડ પોસ્ટ ઑફિસ ગ્રામજનો માટે ઉમદા કાર્ય કરી રહી છે, અત્યારે લોકોને બહાર નિકળવાનું નથી ત્યારે પોસ્ટ મેન ખાતા ધારકોને ઘરે જઈ નાણાંકિય સેવાઓ આપી રહ્યાં છે.

 

(વાયડના ગ્રામજનો ઘરે બેઠા પોસ્ટ પેમેન્ટની સેવા મેળવી રહ્યાં છે)

વાયડ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર વિરેન ત્રિવેદીએ પીઆઈબીના પ્રતિનિધિને માહિતી આપી હતી કે, ગામમાં બેન્કની કોઈ શાખા નથી માટે આશરે 3000 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મોટાભાગના બચત ખાતા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં છે, લૉકડાઉનના સમયમાં લોકોની નાણાંકિય જરૂરીયાત પુરી કરવા ગામની પોસ્ટ બ્રાન્ચ સતત કાર્યરત છે અને જે લોકો ચાલી શકતા નથી તેમને ઘરે પહોંચીને સેવા આપવામાં આવે છે. છેલ્લા અઠવાડિયામાં આશરે રૂપિયા એક લાખથી વધુનો ઉપાડ ગામની પોસ્ટ શાખામાંથી થયો છે. ગામની 30 જેટલી વિધવા બહેનોને પણ ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત મળતી સહાય તેમને ઘરબેઠે ચૂકવવામાં આવી હતી.

સમગ્ર પાટણ જિલ્લાની જો વાત કરીએ તો પાટણ જિલ્લા પોસ્ટ સુપ્રિટેન્ડન્ટ દ્વારા પ્રસિદ્ધ એક અખબારી યાદી મુજબ જિલ્લાની 7730 ગંગા સ્વરૂપ બહેનોને કુલ રૂ. 2,12,87,180ની ચૂકવણી કરવામાં આવી હતી તેમજ ARPS (Aadhar Enabled Payment System) દ્વારા પાટણ જિલ્લાના 2480 ખાતેદારોને ઘરેબેઠા રૂ. 25,39,310 ચૂકવવામાં આવ્યા છે.

 

 

કોવિડ-19ની મહામારીના સમયે લૉકડાઉનનું યોગ્ય પાલન થાય સાથે સામાન્ય લોકોની જરૂરીયાતો પણ પુરી થાય એ માટે સરકાર ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે, કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ નિયમિત રૂપે પોસ્ટ વિભાગની કામગીરીની સમિક્ષા કરી રહ્યાં છે. મંત્રીશ્રીએ ટ્વીટ કરી સંકટના આ સમયમાં પોસ્ટ વિભાગની હાલની કામગીરીને બિરદાવી હતી.

DK/SD/RP



(Release ID: 1616660) Visitor Counter : 173