PIB Headquarters

લોક્ડાઉનના સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ સહાયનો પ્રથમ હપ્તો મળતાં ખેડૂતોમાં રાહતની લાગણી


નાના અને સીમાંત ખેડૂતોને ત્રણ હપ્તામાં રૂપિયા 6,000ની સહાય સીધી બેંક ખાતામાં જમા મળશે

ઉત્તર ગુજરાતના ધરતીપુત્રો પણ સરકારી મદદથી ખૂશખૂશાલ

Posted On: 17 APR 2020 1:01PM by PIB Ahmedabad

ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો પહેલો હપ્તો મળતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. લૉકડાઉનની નવી માર્ગદર્શિકામાં કૄષિ અને એને સંલગ્ન પ્રવૄત્તિઓ માટે સંપૂર્ણ છૂટ જાહેર કરી દેવાતા ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવિષયક પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.

લૉકડાઉનના સમયમાં નાના અને સીમાંત ખેડૂતોને મદદરૂપ થવા કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે એપ્રિલ મહિનાની શરૂઆતમાં યોજના હેઠળ ખેડૂતોને પ્રથમ હપ્તો સીધો એમના બેંક ખાતામાં જમા થાય એવી વ્યવસ્થા જાહેર કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના નાના અને સીમાંત કિસાનોને ઉભા પાકની લણણી, પાક ગુણવત્તા, અને બજાર વ્યવસ્થામાં લાભની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે. પ્રત્યેક રૂપિયા 2000ના ત્રણ હપ્તા એમ કુલ રૂપિયા 6000ની રકમ યોજના હેઠળ લાભાર્થીના ખાતામાં સીધા જમા થાય છે.

જુપવાસણા ગામના લાભાર્થી શ્રી વિશાલસિંહ સોકંકી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જુપવાસણા ગામના ધરતીપુત્ર વિશાલસિંહ સોલંકીએ પી.આઇ.બી.ના પ્રતિનિધીને જણાવ્યું કે લૉકડાઉનના સમયમાં સરકારે પ્રથમ હપ્તા રૂપે ખાતામાં જમા કરાવેલા રૂપિયા 2000 એમને ખેતીકાર્ય આગળ ધપાવવામાં ઘણાં ઉપયોગી બની રહેશે. સહાય બદલ શ્રી સોલંકીએ સરકારનો આભાર પણ માન્યો હતો.

મંડાલી ગામના લાભાર્થી શ્રી કનુભાઈ પ્રજાપતિ

મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ યોજનાનો લાભ મળી રહ્યો છે. જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી ગામના ખેડૂત કનુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે રકમ એમના અને એમના પરિવાર માટે ઘણી ઉપયોગી બની રહેશે. ખેતીકામ ચાલુ રાખવાની મંજૂરી આપવા બદલ એમણે કેન્દ્ર સરકારને બિરદાવી હતી.

રડકા ગામના લાભાર્થી શ્રી ધનજીભાઈ ચૌધરી

રીતે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના રડકા ગામના ધનજીભાઇ ચૌધરી પણ કિસાન સન્માન નિધી યોજના હેઠળ રૂપિયા મળવાથી ઘણા ખૂશ છે. ખેતકાર્ય નાણાંને કારણે વધુ સારી રીતે થઇ શકશે એવી આશા એમણે વ્યક્ત કરી હતી.

કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 7.47 કરોડ નાના અને સીમાંત ખેડૂતોના 14,946 કરોડ રૂપિયા વિતરિત કર્યા છે, જે લૉકડાઉનના કપરા સમયમાં ગરીબ ધરતીપુત્રો માટે ઘણા મદદરૂપ સાબિત થઇ રહ્યા છે.

K/SD/RP



(Release ID: 1615302) Visitor Counter : 153