મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પ્રચાર માધ્યમોમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવું જરૂરી - અજય ઉમટ
મહિલાઓ અને વંચિતોના વિકાસ માટે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી અસરકારક સાબિત થઈ છે - સેજલ દંડ
'પ્રચાર માધ્યમોમાં મહિલા શક્તિ: એક વિહંગાવલોકન' રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
Posted On:
06 MAR 2020 5:47PM by PIB Ahmedabad
અમદાવાદ, 06-03-2020
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાતયુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદના એ.એમ.એ. હોલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા સશક્તિકરણની દિશામાં 'પ્રચાર માધ્યમોમાં મહિલા શક્તિ: એક વિહંગાવલોકન' રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ સૌપ્રથમ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરતા સંબોધન કરતાં કહ્યું કે, “મહિલા દિવસ એ માત્ર એક દિવસ ઉજવવાનો નથી પણ આખું વર્ષ મહિલાઓના ગુણોનું સન્માન કરીને આવકારવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે હવે મહિલાઓ પુરુષ સમોવડી નથી, પણ પુરુષો કરતાં પણ આગળ છે. “
પ્રિન્ટ મીડિયા અને મહિલાઓ વિશે વાત કરતાં નવગુજરાત સમયના તંત્રી શ્રી અજય ઉમટે જણાવ્યું હતું કે “પ્રચાર માધ્યમોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધુને વધુ મહિલાઓ જોડાતી થઈ છે, છતાંય આ ક્ષેત્રે મહિલાઓને વધારે પ્રાધાન્ય મળે એ જરૂરી છે.”
અમદાવાદ મિરરના તંત્રી સુશ્રી દિપલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે “હજુ નાણાંકીય, ગુનાખોરી તથા રમત-ગમતના રિપોર્ટિંગમાં મહિલાઓને પૂરતી તક મળતી નથી. મહિલાઓને પગાર અને બઢતીની બાબતે પણ અન્યાયનો ભોગ બનવું પડે છે આ સ્થિતિમાં સુધારાની તાતી જરૂરિયાત છે.”
ફ્રીલાન્સ પત્રકાર સુશ્રી જ્યોતિ ઉનડકટે જણાવ્યું કે “માધ્યમોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી મહિલાઓએ પોતાનું ધ્યેય નક્કી કરી એને પામવા સખત પરિશ્રમ કરવો જોઈએ.” વીજાણુ માધ્યમમાં મહિલાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા ન્યુઝ18 ગુજરાતી ટીવી ચેનલના એન્કર સુશ્રી સંધ્યા પંચાલે પોતાના કામ અંગેના અનુભવો વર્ણવતા કહ્યું કે “મજબૂત ઈરાદો હોય તો ગમે તેવી સફળતા હાંસલ થઈ શકે છે. પોતે એ દિવસ જોવા માંગે છે જયારે સ્ત્રીના સંઘર્ષ વિષે ચર્ચા કરવાની જરૂર જ ના રહે.” ફ્રીલાન્સ RJ પૂજા દલાલે જણાવ્યું કે મહિલાઓ માટે રેડિયોમાં RJ ની કારકિર્દી માટે વિશાળ શક્યતાઓ અને તકો રહેલી છે
થીયેટર અને ફિલ્મ માધ્યમમાં મહિલાઓ વિશે લોકપ્રિય અભિનેત્રી સુશ્રી અન્નપૂર્ણા શુક્લ, અભિનેત્રી, દિગ્દર્શક અને નાટક લેખિકા સુશ્રી અદિતી દેસાઈ અને અભિનેત્રી અને નિર્માત્રી સુશ્રી આરતી પટેલે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ કોન્ફરન્સમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મનો ઉપયોગ છેવાડાની બહેનોના વિકાસ માટે કરી નવો ચીલો ચાતનાર મહિલા માધ્યમકર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતગૅત આનંદી સંસ્થાના સુશ્રી સેજલ દંડ, વીએસએસએમ સંસ્થાના સુશ્રી મિત્તલ પટેલ અને સેવા અકાદમીના સુશ્રી સુનીતિ શર્માનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સેજલ દંડે કહ્યું હતું કે “મહિલાઓ અને વંચિતોના વિકાસ માટે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી અસરકારક સાબિત થઈ છે.”
આ કોન્ફેરન્સમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નાયબ નિયામક સુશ્રી સરિતા દલાલ, પત્રકારત્વ વિભાગના વડા ડૉ. સોનલ પંડયા તથા પત્રકારત્વ વિભાગના અધ્યાપક અને સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/BT/DS
(Release ID: 1605591)
Visitor Counter : 268